તાજેતરમાં એક સમાચાર ફરી એક વાર ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરીકે મીડિયામાં ચમક્યા છે. એ છે ‘હવાના સિન્ડ્રોમ’ નામની એક એવી બીમારી,જે માત્ર અમેરિકન રાજદ્વારીઓ - એલચીઓને હેરાન -પરેશાન કરી રહી છે. શું છે એ ‘હવાના સિન્ડ્રોમ’ નામની અકળ બીમારી... તબીબોથી લઈને મનોવિજ્ઞાનીઓ શું કહી રહ્યા છે?
ક્લોઝ અપ - ભરત ઘેલાણી
માનસિક અવસ્થા વેર -વિખેર કરતાં ભેદી હાઈ ફ્રીકવેંસી રેડિયો વેવ્ઝ... , ‘યુદ્ધ’
આ શબ્દ આજકાલ તેજીમાં છે. એ ચોતરફ હિંસક રીતે ગાજી રહ્યો છે. જોકે આ શબ્દ હવે બહુ છેતરામણો થઈ ગયો છે. અગાઉના જમાનામાં બે દુશ્મન દેશનું સૈન્ય સામસામા આવીને કિલ્લાની બહાર કે ખુલ્લા મેદાનમાં યુદ્ધ ખેલાતું. સમય વીતતા રણમેદાનમાં સામસામી છાતીએ ખરાખરીનો ખેલાતો જંગ ઘટી ગયો. પછી તો યુદ્ધનો સિનારિયો જ પલટાઈ ગયો છે. યુદ્ધસ્થળે જવાની જરૂર જ ન રહી. પોતાના લશ્કરી થાણાંમાં બેસીને સેંકડો માઈલ કિલોમીટરના અંતરે આવેલા દુશ્મન દેશ પર ઈચ્છો એ સમયે -ધારો તે સ્થળે મિસાઈલ્સ અને ડ્રોન વડે ત્રાટકી શકો. !
અગાઉ બીજી રીતે પણ યુદ્ધ લડાતું અને આજે પણ કયાંક લડાઈ છે. દુશ્મનના જ દેશમાં મિત્રના સ્વાંગમાં એના પર કઈંક નવા જ પ્રકાર શસ્ત્રથી ગુપચુપ હુમલો બોલાવીને દુશ્મનને માનસિક રીતે તબાહ કરી શકો. આ પ્રકારની લડાઈ અમુક અંશે બીજા વિશ્વયુદ્ધ વખતે શરૂ થઈ ગઈ હતી. એ વખતે ચીન સામેના સંગ્રામમાં જાપાને ગુપ્ત રીતે ચીનના એક હજારથી વધુ તળાવ-સરોવર અને કૂવા સુદ્ધાંમાં ઝેર ભેળવીને ન જાણે કેટલાય ચીની ગામ લોકોને મોતમાં ધકેલી દીધા હતા. કહે છે કે એ યુદ્ધ વખતે જાપાને અમુક પ્રકારના બેકટેરિયા-વિષાણુની મદદથી ચીનમાં ટાઈફોઈડ-પ્લેગ અને કોલેરાની મહામારી ફેલાવી દીધી હતી. (જેમ પાંચ -છ વર્ષ પહેલાં દુનિયાભરમાં ઈરાદાપૂર્વક કોવિડના વિષાણુ ફેલાવાનો ચીન પર આરોપ છે)
બન્ને મહા યુદ્ધ પછી એવાં પ્રકારનાં વિનાશક વિષાણુ- બેકટેરિયા ન વાપરવાની સંધિ ઘણા રાષ્ટ્રો વચ્ચે થઈ હતી. આમ છતાં અનેક દેશો વચ્ચે જે અથડામણ લડાઈ થઈ એમાં આડકતરી રીતે રાસાયણિક શસ્ત્રો બેફામ વપરાયાં, જેનાં પરિણામે નિર્દોષોની ક્લપી ન શકાય એટલી હદે જાનહાનિ થઈ હતી. આમાં ઈરાન-ઈરાક લિબિયા જેવાં ઈસ્લામિક દેશ મુખ્ય વિલનોની ભૂમિકામાં હતા.
એ પછી તો જાહેર કે છૂપી રીતે થતાં કેમિકલ વોર વર્ષથી થોભી ગયું છે. આમ છતાં આ બધા વચ્ચે, ‘એન્થ્રેકસ’ નામના બાયો-વેપનથી અમેરિકા સહિત અનેક દેશ આજે પણ થરથરે છે. એક પ્રકારની વનસ્પતિના સુક્ષ્મ પાવડરના સંપર્કમાં જે પણ આવે એ અનેક પ્રકારની ગંભીર ચેપી બીમારીમાં સપડાઈ જાય છે. આ પ્રકારનાં બાયો-વેપન્સ (જીવાણું શસ્ત્રો)નો ઉપયોગ અમેરિકામાં બહુ વધી ગયો હતો. ખાસ કરીને બાયો-ટેરરિસ્ટ આનો ઉપયોગ પોસ્ટના પત્રો અને કુરિયરના પેકેટ્સ દ્વારા વિશેષ કરતા હતા.
એન્થ્રેક્સના સતત ભય નીચે રહેતી અમેરિકાની પ્રજાનો એક ખાસ વર્ગ આજે પણ બીજા પ્રકારના ત્રાસવાદનો સામનો કરી રહ્યો છે.
આ ભેદી પ્રકારનો આતંક ‘હવાના સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે.
- તો આ ‘હવાના સિન્ડ્રોમ’ શું છે?
2016ની આસપાસ ક્યુબાના હવાના સિટીમાં અમેરિકન કોન્સ્યુલેટમાં કાર્યરત એના રાજદ્વારી અને અન્ય અધિકારીઓની તબિયત બગડી - એમને માથાનો તીવ્રત દુખાવો - વોમિટિંગ ઉપરાંત તાવ આવવાનું શરૂ થયો... આમ અચાનક થવાનું કારણ જાણી ના શકાયું. આ ત્રાસવાદ ભેદી કે રહસ્યમય એટલા માટે છે કે એના શિકાર મોટેભાગે અમેરિકન સરકાર સાથે સંકળાયેલી વ્યક્તિઓ જ બને છે. અમેરિકાના રાજદ્વારીઓ- દૂતાવાસ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ કે કચેરીના કર્મચારીઓ અને એમના કુટુંબીજનો સુદ્ધાં એક વિચિત્ર પ્રકારની બીમારીમાં સપડાય છે. એમાંથી મોટાભાગનાને એકસરખા ચિન્હ નજરે પડે છે, જેમકે મગજ-માથાંમાં અસહ્ય સણકા ઉપડે-તીવ્ર દુખાવો થાય-કાનમાં સતત જાણે તીણી સિસોટી વાગતી હોય એવા ત્રાસજનક ભણકારા વાગે - આંખે અંધારા આવે- ચક્કર આવે-તાવ ચઢે- બેચેની વધી જાય - શરીર દુખે. અચાનક આ પ્રગટતાં આ બધાં ચિન્હોને લીધે માણસની અવસ્થા ડામાડોળ - ચિત્તભ્રમ જેવી થઈ જાય...
આશ્ર્ચર્યની વાત એ છે કે આ બીમારી અમેરિકાની ગુપ્તચર-જાસૂસી ખાતા સાથે સંકળાયેલા સિક્રેટ એજન્ટોને પણ છોડતી નથી પછી ભલેને એ દેશમાં કે વિદેશમાં ‘અંડરકવર એજન્ટ’ રૂપે ગુપ્ત કામગીરી બજાવતો હોય! આ બીમારીનાં ચિન્હો સૌપ્રથમ હવાનામાં જોવા મળ્યા હતા એટલે એ ‘હવાના સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે.
ભારત સહિત વિભિન્ન દેશોની અમેરિકન કોન્સ્યુલેટ એમ્બેસી તરફ્થી પણ ‘હવાના સિન્ડ્રોમ’ના ખબર-ફરિયાદ મળ્યા પછી અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી. એમને શંકા હતી કે રશિયા-ચીન જેવા શત્રુ દેશનું આ કાવતરુ છે. દૂરથી હાઈ વેલોસિટીના માઈક્રોવેવ્સ- તરંગો દ્વારા એમના અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આવા તરંગોના શિકાર બનતી વ્યક્તિ મરણ નથી પામતી પણ એને બહુ ગંભીર બીમારીમાં સપડાવીને એની માનસિક અવસ્થા ખળભળાવી મૂકે છે. તનની સાથે એને મનથી પણ પાંગળો બનાવી દે છે.
અમેરિકાની ‘સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજેન્સી’ (CAI) છેલ્લાં 8-9 વર્ષથી આ ‘હવાના સિન્ડ્રોમ’ વિશે જાતજાતની થિયરી અને એના અનેક પાસાંની સઘન તપાસ પછી પણ એ સાબિત નથી કરી શકી કે અમેરિકાની ખાસ વર્ગની વ્યક્તિઓને શત્રુ કઈ રીતે કેવા તીવ્ર તરંગોથી શિકાર બનાવે છે ઉપરાંત ‘હવાના સિન્ડ્રોમ’નાં કારણ- તારણ અને મારણ શું?
તાજેતરના એક અહેવાલ મુજબ ડોનલ્ડ ટ્રમ્પ પહેલાં અમેરિકાના જે પ્રેસિડન્ટ હતા એ બાઈડનના સમયગાળામાં દેશની બોર્ડર - ઈમિગ્રેશન તેમજ આંતરિક સુરક્ષા માટે કાર્યરત ‘હોમલેન્ડ સિક્યુરિટી એજનસી’ માટે એક ટચૂકડી ડિવાઇસ એટલે કે ઉપકરણ ડૉલરમાં 8 આંકડાની જબરી રકમથી ખરીદવામાં આવ્યું હતું, જેનો એક પાર્ટ રશિયન બનાવટનો છે. એવું મનાય છે કે આ ઉપકરણ એક પ્રકારના હાઈ પલ્સ રેડિયો વેવ્ઝ - તરંગ પેદા કરે છે, જે સામેવાળી વ્યક્તિની માનસિક અવસ્થા વેર -વિખેર કરી નાખે છે અને આના કારણે જ પેલી ભેદી બીમારી ફેલાતી હોવાની આશંકા છે. આમ છતાં હજુ સુધી એના પૂરેપૂરા ભેદભરમ ઉકેલાયા નથી.
બીજી તરફ, અમેરિકાની આ પ્રમુખ તપાસ એજન્સીએ તાજેતરમાં સત્તાવાર જાહેર કર્યું છે કે આ ભેદી બીમારી પાછળ કોઈ જ ‘વિદેશી હાથ’ (એટલે કે ચીન-રશિયા!) નથી.
‘-તો પછી આ છે શું?’
એના જવાબરૂપે મુખ્ય તપાસ એજન્સી CAI દ્વારા અમેરિકા-હવાના- પેરિસ-વિયેના-જીનિવા- દિલ્હી- બીજિંગ જેવાં શહેરોમાંથી મળેલા હવાના સિન્ડ્રોમના 1000થી વધુ કેસનો અભ્યાસ કરીને કહે છે કે આમાં વિદેશનું પલટાતું પર્યાવરણ- હતાશા-તણાવ અને અન્ય અજાણ્યાં મનોવિજ્ઞાનિક કારણો વધુ ભાગ ભજવતાં લાગે છે.
બીજી તરફ, ટોચના મનોચિકિત્કો તથા મનોવિકારના નિષ્ણાતોનાં તારણ એ એવું સૂચવે છે કે આ ભેદી ‘હવાના સિન્ડ્રોમ’ એક પ્રકારનો ‘ન્યુરોસાઈકોસોમેટિક’ બીમારી છે. મગજ સાથે સંકળાયેલાં જ્ઞાન કે ચેતાતંતુ જ્યારે કોઈ પણ કારણસર ડિસ્ટર્બડ થાય એટલે કે વ્યગ્ર-વ્યાકુળ થાય ત્યારે એ તીવ્ર અવાજ- માથાનો અસહ્ય દુખાવો સખત બેચેની, ઈત્યાદિ જેવાં શારીરિક ચિન્હોરૂપે પ્રગટે છે.
‘પરંતુ સરકાર સાથે સંકળાયેલી અમેરિકી વ્યક્તિઓ જ કેમ આ બીમારીના ભોગ બને છે?’
આ પ્રશ્નનો કોઈ ઉત્તર કે એની કોઈ ચોક્કસ સ્પષ્ટતા અમેરિકાની આ તપાસ એજન્સી પાસે હાલના તબક્કે તો નથી. એ તો રાબેતા મુજબ સરકારી જવાબ આપે છે:
‘આ દિશામાં હજુ અમારી સઘન તપાસ ચાલુ છે!’