Tue Jan 27 2026

Logo

White Logo

70 વર્ષના દાદાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો એવો વીડિયો કે 48 કલાકમાં મળ્યા 22.2 મિલિયન વ્યૂ...

5 days ago
Author: Darshna Visaria
Video

સામાન્ય રીતે એવું કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને આ વાતને ઉત્તર પ્રદેશના 70 વર્ષીય વિનોદ કુમારે સાચી સાબિત કરી દીધી છે. સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં યુવાનો વ્લોગિંગ (Vlogging) પાછળ પાગલ છે, ત્યાં આ વડીલે પોતાની સાદગી અને માસૂમિયતથી ઇન્ટરનેટ પર કબજો જમાવી લીધો છે.

જ્યારે મોટાભાગના લોકો 70 વર્ષની ઉંમરે નિવૃત્ત જીવન જીવતા હોય છે અને શાંતિ શોધતા હોય છે, ત્યારે વિનોદ કુમારે જીવનને માણવાની એક નવી રીત શોધી કાઢી છે. તેમણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની વ્લોગિંગ સફર શરૂ કરી અને રાતોરાત સ્ટાર બની ગયા છે.

સોશિયલ મીડિયા વિનોદ કુમારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વિનોદ કુમારે જણાવ્યું હતું કે અત્યાર સુધી ક્યારેય વ્લોગ બનાવ્યો નહોતો. તેમણે પોતાના પહેલાં જ વીડિયોમાં સાદગીથી સ્વીકારી લીધું હતું કે મને વ્લોગ બનાવતા આવડતું નથી, આ પહેલા ક્યારેય બનાવ્યો પણ નથી, પણ હું પ્રયત્ન કરી રહ્યો છું. તેમની આ પ્રમાણિકતા અને બાળકો જેવી માસૂમિયતે નેટિઝન્સના દિલ જીતી લીધા છે. તેમના માટે આ વ્લોગિંગ કોઈ વ્યવસાય નથી, પરંતુ સમય પસાર કરવાનું અને મનોરંજન મેળવવાનું સાધન છે.

વિનોદ કુમારનો પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો બધો વાઈરલ થઈ ગયો હતો કે માત્ર 48 કલાકમાં તેને 22.2 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા હતા. લોકો તેમની સાદગી જોઈને એટલા પ્રભાવિત થયા કે તેમના વીડિયોનું કમેન્ટ બોક્સ પ્રેમ અને શુભેચ્છાઓથી ભરાઈ ગયું હતું. તેમણે કોઈ પણ પ્રકારના બનાવટી દેખાડા કે હાઈ-ફાઈ એડિટિંગ વગર જે રીતે પોતાની વાત રજૂ કરી, તે આજે ભાગ્યે જ જોવા મળે છે.

આપણી આસપાસમાં મોટાભાગના વડીલો અને સીનિયર સિટીઝન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ વિનોદ કુમારે નિવૃત્તિની વયે પ્રવૃત્તિ કરીને સાબિત કરી આપ્યું છે કે મનમાં ઈચ્છા હોય તો કોઈ પણ ઉંમરે નવી વસ્તુ શીખી શકાય છે. નેટિઝન્સ તેમને 'ક્યુટેસ્ટ વ્લોગર' તરીકે ઓળખાવી રહ્યા છે. તેમની આ સફર એ વાતનો પુરાવો છે કે ખુશી મેળવવા માટે માત્ર હિંમત અને થોડો પ્રયત્ન જોઈએ.