એક તરફ અમેરિકાનાં મહાવિનાશક યુદ્ધજહાજો અને સબમરીન ઇરાન તરફ ધસમસી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ઇઝરાયલે હાલની ચેતવણીમાં ઇરાનને ધમકી આપી છે કે તે ભૂલથી પણ ઇઝરાયલ વિરુદ્ધ કોઇ હિલચાલ કરશે તો મહાભયાનક આક્રમણનો ભોગ બનશે!
નિલેશ વાઘેલા
તઘલખી ટ્રમ્પે ઇરાન પર ચોમેરથી આક્રમણ કરવાની જોરદાર તૈયારી બાદ એકાએક હથિયારો તાત્પૂરતા હેઠાં મૂકવાની ઇશારત કરતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણે એક પ્રકારનો હાશકારો અનુભવાયો છે. ટ્રમ્પના વધતા તોફાનોને કારણે મોટાભાગના વૈશ્વિક નિરીક્ષકોને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાયા હતા. જોકે, હાલ તો ટ્રમ્પે ઇરાન પર હુમલો ટાળવાનો સંકેત આપ્યો છે.
કદાચ આ વિષય જૂનો જણાય, પરંતુ આજકાલ વૈશ્વિક સ્તરે લશ્કરી હિલચાલ અણધારી અને અતાર્કિક બની ગઇ છે, ક્યારે શું થઇ શકે એ કહી શકાય એમ નથી! અમેરિકાએ ઇરાનની દરિયાઇ સરહદ નજીક જેની કલ્પના ના કરી શકાય એવા વિશાળ અને મહાભયાનાક વિનાશક જહાજો અને સબમરિન તહેનાત કરી દીધી છે. અલબત્ત હાલ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ડોળો જમાવ્યો છે અને હવે યુરોપ સાથે ટેરિફ વોર શરૂ કરી છે. પરંતુ આપણે ગ્રીનલેન્ડની નહીં પરંતુ ઇરાનની ચિંતા છે.
ઈરાનમાં વ્યાપક અસંતોષ અને વિશ્ર્વભરમાં વધી રહેલા તણાવ વચ્ચે ક્યાંક અમેરિકા ઇરાની બળવાખોરોના હિતના બહાના હેઠળ આક્રમણ તો નહીં કરી બેસે, એવી ચિંતા ભારતને સતાવી રહી છે. હાલ તો ઇરાનમાં હિંસાચારને બ્રેક લાગી હોવાના અહેવાલો છે અને ટ્રમ્પે પણ તેની મિસાઇલો મ્યાનમાં પાછી ખેંચી લીધી છે. સરવાળે હાલ તો ખતરો ટળી ગયો હોવાનું જણાય છે!
ઇરાનમાં લાંબા ગાળાની સ્થિરતા અને શાંતિ જળવાઇ રહે એ ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની બાબત છે. ઈરાનની અસ્થિરતા અને લાંબા ગાળાની અશાંતિ અથવા સત્તા પરિવર્તનથી આપણાં દેશના આર્થિક, વ્યૂહાત્મક અને રાજનૈતિક હિતો જોખમાઇ શકે છે. એવું નથી કે કાબૂલીવાળાના દેશ સાથે આપણે જૂની મહોબ્બતનો સંબંધ છે. ભારત અને ઈરાનના સંબંધો ક્યારેય વિચારધારાની આધારિત નથી રહ્યા. આ સંબંધો હંમેશાં વ્યૂહાત્મક આવશ્યકતા પર આધારિત રહ્યા છે.
ખાસ કરીને પશ્ર્ચિમ અને મધ્ય એશિયામાં પાકિસ્તાનના પ્રભાવને મર્યાદિત રાખવામાં ઈરાને વર્ષો સુધી સંતુલનકારક ભૂમિકા ભજવી છે. હાલ જ્યારે ભારતના નજીકના અને વિસ્તૃત વિસ્તાર, એટલે કે અફઘાનિસ્તાનથી લઈને પશ્ર્ચિમ એશિયા સુધીના પ્રદેશો અનિશ્ર્ચિતતાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઈરાનમાં જો અશાંતિ અને અસ્થિરતા સર્જાય તો તે માત્ર તેની સરહદો સુધી સીમિત રહેશે એવું માનવું મુશ્કેલ છે.
ભારત માટે ઈરાનનું મહત્ત્વ તેની ભૌગોલિકતામાં છે. તહેરાનનું વ્યૂહાત્મક સ્થાન, પાકિસ્તાનને બાજુ પર રાખીને ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચ અને પ્રવેશમાર્ગ આપતું રહ્યું છે. નિષ્ણાતો વારંવાર ઈરાનને ભારત માટે મધ્ય એશિયા તરફના સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમાર્ગ તરીકે વર્ણવે છે. લાંબા સમય સુધી ચાલતી અશાંતિ આ માર્ગને જોખમમાં મૂકી શકે છે અને એવા સમયમાં ભારતની ભૂખંડ આધારિત પહોંચને નબળી બનાવી શકે છે.
નોંધવું રહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં કનેક્ટિવિટી અને વેપાર માર્ગો વૈશ્ર્વિક ભૂ-રાજનીતિમાં કેન્દ્રસ્થાને છે. ચાબહાર બંદર પ્રોજેક્ટ આ વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વપૂર્ણ પ્રતીક છે. ભારતીય સહભાગિતાથી વિકસિત આ બંદર ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જો ઈરાનની આંતરિક રાજકીય અશાંતિના કારણે આ પ્રોજેક્ટ અસરગ્રસ્ત થાય, તો ભારત માટે પાકિસ્તાન નિયંત્રિત માર્ગો પર આધાર ઘટાડવાનો વિકલ્પ નબળો પડી શકે છે. આ માત્ર લોજિસ્ટિક્સનું નુકસાન નહીં, પરંતુ વર્ષોની વ્યૂહાત્મક યોજના અને મૂડીરોકાણ માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને પાકિસ્તાન અને ચીન જેવા શત્રુ રાષ્ટ્રો પોતાનું સ્થાન મજબૂત બનાવી ભારતને નબળું પાડી શકે છે.
આર્થિક સંબંધો પણ ભારતની ચિંતા વધારતા પરિબળ છે. અહેવાલો અનુસાર, ભારત હજી પણ ઈરાનના મુખ્ય નિકાસ ભાગીદારોમાં સામેલ છે. ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભારતે એક અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. કોઈ મોટો વિક્ષેપ થાય તો આર્થિક નુકસાન સાથે સાથે અધૂરા રહી ગયેલા પ્રોજેક્ટ્સ ભારતની લાંબા ગાળાની વ્યૂહાત્મક ગણતરી પર નકારાત્મક અસર કરી શકે છે.
પ્રાદેશિક સત્તા સંતુલનમાં પણ ઈરાનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. ઈરાને ઘણી વખત શાંતિપૂર્વક પાકિસ્તાનની પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓને મર્યાદિત રાખવામાં મદદ કરી છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઈરાનમાં કોઈ શત્રુભાવ ધરાવતી અથવા અણધારી નવી સરકાર ઊભરી આવે તો ભારતની પ્રાદેશિક સ્થિતિને નુકસાન થઈ શકે છે.
વધુમાં, સત્તા પરિવર્તન હંમેશા સ્થિરતા અથવા વધુ ઉદાર સરકારની ખાતરી આપતું નથી. અસ્તવ્યસ્ત પરિવર્તન વધુ આક્રમક શાસનને જન્મ આપી શકે છે, જે ભારત માટે પહેલેથી જ અસ્થિર વિસ્તારમાં રાજનૈતિક પડકારોને વધુ ગંભીર બનાવી શકે છે. આથી, નવી દિલ્હીની નજરે ઈરાનની અશાંતિ કોઈ સામાન્ય ઘટના નથી. તે ભારતની સુરક્ષા, કનેક્ટિવિટી અને પ્રાદેશિક પ્રભાવ સાથે સીધો જોડાયેલો મુદ્દો છે અને આ કારણોસર ઈરાનની સ્થિરતા ભારતની વ્યૂહાત્મક ગણતરી માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
આ ઉપરાંત, ઊર્જા સુરક્ષા પણ ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પાસું છે. ઈરાન ભૂતકાળમાં ભારત માટે ખનીજ તેલનો મોટો સપ્લાયર રહ્યો છે અને ભવિષ્યમાં પ્રતિબંધો હળવા થાય તો ફરીથી ઊર્જા ભાગીદારી વધવાની સંભાવના છે. પરંતુ અશાંતિ અને રાજકીય અસ્થિરતા ક્રૂડ ઓઇલના પુરવઠા, ભાવ સ્તર અને ચુકવણી વ્યવસ્થાને અસર પહોંચાડી શકે છે, જેના સીધા પરિણામો ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે.
એ જ સાથે, પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધે તો ભારતીય પ્રવાસી શ્રમિકો અને વેપાર માર્ગોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે. તેથી ભારત માટે પ્રાદેશિક સંતુલન જાળવી રાખવું અને ઈરાન સાથે સંવાદના માર્ગો ખુલ્લા રાખવા આવનાર સમયમાં અત્યંત આવશ્યક બનશે.
ભારત માટે એક સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ ચિંતા પ્રાદેશિક સંતુલનની છે. ઈરાન સાથેના સંબંધો ભારતને પશ્ચિમ એશિયામાં એક સ્વતંત્ર અને સંતુલિત વિદેશ નીતિ અપનાવવાનો અવકાશ આપે છે. જો ઈરાન આંતરિક સંઘર્ષમાં ફસાઈ જાય અથવા તેની વિદેશ નીતિ વધુ અણધારી બને, તો ભારત પર મોટા પાવર સેન્ટર્સ વચ્ચે પસંદગી કરવાનું દબાણ વધી શકે છે. આ સ્થિતિ ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને પડકાર આપી શકે છે, જે પાછલા કેટલાક વર્ષોથી તેની વિદેશ નીતિનો મુખ્ય આધાર રહ્યો છે.
આ ઉપરાંત, ઇરાનમાં ચીની અજગરનો વધી રહેલો ભરડો પણ ભારત માટે ચિંતાજનક બની શકે છે. જો ઈરાન પશ્ચિમ દેશોથી વધુ અલગ પડી જાય, તો તે ચીન તરફ વધુ ઝુકી શકે છે, જે પહેલેથી જ મધ્ય એશિયા અને પશ્ચિમ એશિયામાં પોતાનો પગપેસારો મજબૂત બનાવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ભારત માટે ઈરાન સાથેના સંબંધો જાળવી રાખવા માત્ર વિકલ્પ નહીં, પરંતુ વ્યૂહાત્મક આવશ્યકતા બની જાય છે.