નવી દિલ્હી: સંસદનું અગામી બજેટ 28 જાન્યુઆરીથી શરૂ થશે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ આર્થિક સર્વેક્ષણ અને સામાન્ય બજેટ રજૂ કરશે. સત્ર શરુ થાય એના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે 27 જાન્યુઆરીના રોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં બંને ગૃહોમાં થનારા કાયદાકીય કાર્ય અને કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગયા શુક્રવારે જણાવ્યું હતું કે સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અભિભાષણ આપશે, ત્યાર બાદ ગૃહની કાર્યવાહી શરુ કરવામાં આવશે.
બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીનાં રોજ સમાપ્ત થશે, જ્યારે સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે.
કિરેન રિજિજુએ જણાવ્યું, “વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં, દરેક બજેટ ખાસ હોય છે, જેમાં સમાજ અને દેશના ભવિષ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. સરકારી કામમાં કોઈ કમી રાખવામાં આવતી નથી. દરેક નિર્ણય વિચાર કરરીને લેવામાં આવે છે અને અમલમાં મૂકવામાં આવે છે."
ખડગેએ સરકાર પર આરોપ લગાવ્યા:
સંસદ સત્રમાં વિપક્ષ અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) રદ કરવા બાબતે કોંગ્રેસ ખુબ જ આક્રામક રહી શકે છે.
આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આરોપ લગાવ્યો કે મનરેગા રદ કરીને સરકારે "બંધુઆ મજૂરી" માટે માર્ગ મોકળો કર્યો છે.