અહીં જાણો એના ઈતિહાસથી લઈને આઈડિયા સુધીની વાત
ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ
ટ્વિટર (હવે X ) એક એવું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે, જેમાં કોઈ વ્યક્તિ ઓનલાઈન છે કે ઓફલાઈન એ ઝડપથી ખબર પડતી નથી. આ જ કારણે કેટલાક લોકો એનો ઉપયોગ કરવાનું ટાળે છે. અમુક યુઝર માત્ર હાજરી પૂરતી પ્રોફાઈલ બનાવીને એક્ટિવ રહે છે. ટ્વિટર પર અમુક પેજ એવા છે જે ખરા અર્થમાં નોલેજ પુરું પાડે છે.
ચાલો આજે એ ડિજિટલના દરિયામાં ડોકિયું કરીએ જ્યાં દરરોજ કંઈક નવું હોય છે. દેશ અને દુનિયાના કરોડોના વ્યવહારમાં રસ હોય અને દુનિયામાં રૂપિયો ક્યાં કેવી રીતે ફરે, કોણ ફેરવે છે અને તાજા અપડેટ શું છે એ જાણવા ફોલો કરી લો ઈકોનોમિસ્ટને. નાનામાં નાની વાતનું એટલું સરસ એનાલિસિસ કે વાંચીને ચોંકી જવાશે. હકીકતમાં આ એક વેબસાઈટ છે પણ એની ટ્વિટર આવૃત્તિ ઘણી રીતે ઉપયોગી અને સારી છે. ટ્રમ્પના ટૅરિફથી લઈને ટેક્સના સ્લેબ સુધી ટોટલ વસ્તુ એ પણ સાવ સરળ અંગ્રેજીમાં. ઈતિહાસના વિષયમાં અવશ્ય કંટાળો આવે પણ આ જ વિષય કલરફુલ થઈને સામે આવે ત્યારે ફોટો સહિત યાદ રહી જાય, જેમકે હિસ્ટ્રી એક્સ્ટ્રા. દુનિયાભરના રાજા અને રજવાડાની અનોખી દાસ્તાન. થોડું અંગ્રેજી અઘરું છે સમજવું પણ વાંચતા જઈએ એમ ખ્યાલ આવી જાય. માહિતીનો એવો ભંડારો કે કંટાળો બિલકુલ નહીં આવે.
દુનિયાના દરેક વિષયની એક ભાષા છે, કેટલાક શબ્દો છે. આ શબ્દોની સાથે સમજવું જરૂરી છે કે, હકીકત શું છે. ઈન્ટરનેટના ડેટાથી લઈને ઈનોવેશનના ડેટા સુધી તમામ વસ્તુઓ પાછળ પણ એક ડેટા છે. ‘અવર વર્લ્ડ ઈન ડેટા’, જેમાં એક વર્ષમાં કેટલી આત્મહત્યાથી લઈને ઓવરઓલ એનાલિટિક સુધી એવું વૈવિધ્ય જાણે ડેટાના દરિયામાં પેટાળમાં પહોંચ્યા હોવ. દેશ અને દુનિયાની ક્રાઈમ ફાઈલ્સથી લઈને ફિલોસોફી સુધીના ડેટા પ્રાપ્ય છે.
ગ્રાફિક્સ વીડિયો અને વનલાઈન્સથી એટલી સરસ સમજ આપી છે કે, ખરેખર જાણે આખો ડેટાબેઝ તૈયાર હોય. વાત જ્યારે અંગ્રેજીની આવે ત્યારે સૌથી વધારે આ ભાષાના થોથા આપણી ઉપર જ થોપી દેવામાં આવે છે. જાણીને નવાઈ લાગશે કે ઘણાય દેશ એવા છે જ્યાં અંગ્રેજી કોઈ સમજતું જ નથી. દુનિયાભરની ભાષાના ફેક્ટ અને ફોટો ફાઈલ્સ મળશે ‘એબાઉટ વર્લ્ડ લેંગ્વેજ’માં. નાની નાની લિંકમાં એટલી સરસ સમજ આપી છે. સર્ચ કરીએ તો ખ્યાલ આવે કે, આપણા અચરજના લેયર્સ પૂરા થશે પણ પાના પૂરા નહીં થાય. એકવાર અવશ્ય આંટો મારવા જેવો છે. એઆઈ કેટલાય લોકોની નોકરી ખાય જશે. મહિનામાં આ સમાચાર કેટલીય વાર છપાતા હશે. હવે AI તમે કહો એમ કરે અને સંપૂર્ણપણે તમારા કંટ્રોલમાં રહે એવું કરિયર ઓપ્શન પણ છે.
‘અંકુર વારીકુ’ એક એવું પેજ જે શેમાં કરિયર બનાવવું એની સમજ આપે છે. એ પણ ગ્રાફિક્સ વીડિયો સાથે. સો ટકા ગમી જાય એમ છે.
સામાન્ય જ્ઞાન આ એક એવો સમુદ્ર છે જે ઉલેચીએ એટલો ઓછો પડે. અહીં ‘બોર્ન ફોર વિન’ પેજ જનરલ નોલેજનો ખજાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોવ અને વર્લ્ડ ફોરમ જેવો વિષય હોય તો આ પેજ એક ડિજિટલ ગાઈડ બની જશે.
‘યુપીએસસી સ્ક્રિન શોન’ નામ વાંચીને આશ્ર્ચર્ય અવશ્ય થાય પણ પેજ જોઈને દિલ ખુશ થઈ જશે. પશુ પંખીના ડેટાથી લઈને પ્રોગ્રેસ આઈડિયા સુધીના વિષયનો રસથાળ. પ્રકૃતિ વિશે જાણવું ગમતું હશે અને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોવ તો આ પેજ અન્નકુટ સમાન છે.
હવે થોડી વાત ટ્વિટર (X) પ્લેટફોર્મની. સામાન્ય રીતે દરેક ઓનલાઈન સોશ્યલ મીડિયા પર કંઈકને કંઈક ટ્રેન્ડ કરતું હોય છે. આ ટ્રેન્ડ ક્યારેક ઓટોમેટિક થાય છે તો ક્યારેક ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. સામાન્ય માણસ સમજી શકે ભાષામાં તો ક્યારેક સ્પેલ મિસ્ટેકથી પણ થઈ જાય છે. અગાઉ સોશ્યલ મીડિયાના અલ્ગોરિધમ એવા હતા કે, હેશટેગથી ટ્રાફિક આવતો હતો, પણ હવે એવું નથી. મનફાવે એવા હેશટેગ બનાવી લેવાથી કે ચેટ જીપીટીમાંથી બેઠી ઉઠાંતરી કરવાથી ટ્રાફિક આવતો નથી. જોકે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મે કોઈ જ હેશટેગ ટ્રાફિક આપવાનું બંધ કરી દીધું. માત્ર એ ટેગ પર કેટલી પોસ્ટ છે એનું કાઉન્ટ આપે છે જે અગાઉ ન હતું. જ્યારે ટ્વિટર પર એક સમયે એકસાથે ત્રણથી ચાર હજાર પોસ્ટ એક વિષય પર જુદા જુદા દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે અથવા થાય છે ત્યારે એ હેશટેગ બને છે, જેના પર ઘણાય એવું માને છે કે, એ ટેગનો ઉપયોગ કરવાથી ટ્રાફિક આવશે. વધુને વધુ લોકો જોશે અને આપણી પોસ્ટ પહોંચશે. એવું બનતું નથી. કોન્ટેટ કેવું છે અને માહિતી બીજાથી કેટલી અલગ છે એના પર આ રીચ અને ક્નેક્શન કામ કરે છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ એક જ માલિકના છે. એટલા માટે મેટાનો જન્મ થયો એ પણ સાઈટ અને એપ્લિકેશન તરીકે. જ્યારે 1 મિનિટથી વધારે સમયનો હશે તો ફેસબુક ફેચ નહીં કરે, ભલે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ક્નેક્ટ હોય. ફેસબુક અને ઈન્સ્ટા બન્નેમાં બુસ્ટનો વિક્લ્પ હોય છે. પણ આનો ઉપયોગ ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે. ફેસબુકમાં બીજાને દેખાડવામાં તો હજારોની સંખ્યા બતાવશે પણ જ્યારે લાઈક્સ કે કોમેન્ટ માત્ર આંગળીને વેઢે ગણી શકાય એમ હશે તો લોકોને ખ્યાલ આવી જશે કે, આ તો આપણને માત્ર પોપટ બનાવે છે.
આઉટ ઓફ ધ બોક્સ
યુટ્યૂબ એક નવું ઓપ્શન લાવી રહ્યું છે : ટોટલ વ્યૂઅર્સ રીસપોન્સ. આ ચેનલ બનાવનારા માટે છે. આના પર કામ ચાલું છે.