નવી દિલ્હી : મોદી સરકારે અસંગઠીત અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત આપતો નિર્ણય કર્યો છે. જેમાં અટલ પેન્શન યોજનાને કેબીનેટે વર્ષ
2030-31 સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. સરકારનું આ પગલું વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાની દિશાના મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. કેબીનેટના નિર્ણય મુજબ અટલ પેન્શન યોજનાને સરકારી સહાય ચાલુ રહેશે. જેમાં આ યોજના સાથે જોડાયેલા પ્રચાર-પ્રસાર, ક્ષમતા નિર્માણ અને વિકાસ સાથે જોડાયેલી પ્રવુતિ માટેની સહાય સામેલ છે.
રૂપિયા 1,000 થી 5,000 સુધીનું ગેરેન્ટેડ માસિક પેન્શન
આ ઉપરાંત આ યોજનાને આર્થિક સહાય માટે ગેપ ફંડિંગની પણ મંજુરી આપવામાં આવી છે. જેના લીધે ભવિષ્યમાં પેન્શન ચુકવણીમાં કોઈ સમસ્યા ઉભી ના થાય. અટલ પેન્શન યોજના હેઠળ લાયક લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી રૂપિયા 1,000 થી 5,000 સુધીનું ગેરેન્ટેડ માસિક પેન્શન મળે છે. પેન્શનની રકમ લાભાર્થીના યોગદાન પર આધાર રાખે છે. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો, દૈનિક વેતન મજૂરો, નાના વેપારીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા લોકો માટે બનાવવામાં આવી છે. જેમની પાસે કોઈપણ ઔપચારિક પેન્શન સુવિધા નથી.
સરકારના જણાવ્યા અનુસાર અટલ પેન્શન યોજના વૃદ્ધાવસ્થામાં લોકોને નિયમિત આવક પૂરી પાડે છે. આ યોજનાની પહોંચ અને જાગૃતિ વધારવા યોગ્ય અમલીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મંત્રીમંડળ માને છે કે યોજનાની પહોંચ વધારવા માટે સતત સરકારી સહાય જરૂરી છે.
8. 66 કરોડથી વધુ લોકો અટલ પેન્શન યોજનામાં જોડાયા
દેશમાં 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજનાનો હેતુ દેશમાં એક પેન્શનધારી સમાજ બનાવવાનો છે. જ્યાં દરેક વ્યક્તિ નિવૃત્તિ પછી આર્થિક રીતે સ્વતંત્ર રહી શકે. નાના પરંતુ નિયમિત યોગદાન દ્વારા આ યોજના લાખો લોકોને સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપે છે. આ અંગે મળતી માહિતી અનુસાર 19 જાન્યુઆરી 2026 સુધીમાં 8. 66 કરોડથી વધુ લોકો અટલ પેન્શન યોજનામાં જોડાયા છે. સરકાર માને છે કે યોજનાની લોકપ્રિયતા અને ટકાઉપણું જાળવવા માટે લાંબા ગાળાની સહાય જરૂરી છે. કેબિનેટનો આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર સામાજિક સુરક્ષા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે.