ડૉ. નિરંજન રાજ્યગુરુ
જ્ઞાન, વેદાન્ત, તત્ત્વચિંતન અને ભક્તિની વિવિધ ધારાઓ જેમની શતાધિક કાવ્ય રચનાઓમાંથી આપણને સાંપડે છે. એવા ચારણી સાહિત્યના આદિકવિ ઈસરદાસજીનો જન્મ ઈ.સ. 1457/ સં.1515માં મારવાડ પ્રદેશના બાડમેર પરગણાના ભાદરેસ ગામે ચારણ જ્ઞાતિમાં થયેલો. (ઈ.સ. 1457-1566)ગુરુનું નામ પિતાંબર ભટૃ, અવસાન ઈ.સ.1566 વિ.સં. 1622 ચૈત્ર સુદ 9 (સંચાણા, જિ. જામનગર) પિતા સુરાજી બારહઠ અને માતા અમરાબાઈના ભક્તિસંસ્કારોનો ઉજળો વારસો મેળવીને ઈસરદાસજીએ બાળપણથી જ પોતાના કાકા આશાનંદજી પાસે કાવ્યરચનાનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું.
પવિત્ર ધાર્મિક સંસ્કારો ધરાવતાં દેવલબાઈ નામના સતી નારી સાથે એમના વિવાહ થયા. પણ થોડા સમય પછી ઝેરી વીંછીના ડંખથી દેવલબાઈનું અવસાન થયું. ઈસરદાસજી વિહ્વળ થઈ ગયા. મનની શાંતિ માટે યાત્રા અર્થે નીકળી ગયા. સૌરાષ્ટ્રમાં, જૂનાગઢ, ગિરનાર, સોમનાથ, પોરબંદર, દ્વારકા વગેરે પવિત્ર યાત્રાધામોની યાત્રા કરીને પુષ્કર, વ્રજ, ગયા અને ઉત્તરહિંદનાં તમામ મુખ્ય તીર્થસ્થળોએ ફર્યા.
કહેવાય છે કે કવિ આશાજી પણ આ યાત્રામાં સાથે હતા. એ પછી કચ્છના કાવ્યપ્રેમી રાજવી રાવળ જામના સંપર્કમાં ઈસરદાસજી આવ્યા. ત્યાં તેમને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના, ધર્મગ્રંથોના અને છંદ શાસ્ત્રનાના વિદ્વાન પંડિત પિતાંબર- ભટૃનો ભેટો થયો. પિતાંબરભટૃને ગુરુપદે સ્થાપીને ઈસરદાસજીએ અભ્યાસ શરૂ ર્ક્યો.
કચ્છના રાજ્યકવિ તરીકે સ્થાપીને રાવળજામે કચ્છનું ‘ચડોપરી’ તથા સૌરાષ્ટ્રનું ‘સચાણા’ ગામો અર્પણ ર્ક્યા.કવિ તરીકેની ખ્યાતિ વધતાં સૌરાષ્ટ્રના અનેક રાજવીઓએ પોતાને ત્યાં ઈસરદાસજીને અનેકવાર નિમંત્રેલા. જેમાં અમરેલીના ઠાકોરવજાજી સરવૈયાએ કવિને પોતાની અતિમૂલ્યવાન ઘોડી ‘છોગાળી’ અને ‘ઈશ્વરિયા’ તથા ‘વરસડા’ એ બે ગામ આપેલાં. સાહિત્યના ક્ષેત્રમાં ઈસરદાસજીનું પ્રદાન વિપુલ છે.
‘હરિરસ’, ‘દેવિયાણ’, ‘ગુણવૈરાટ’, ‘ગરુડ પુરાણ’ અને ‘નિંદાસ્તુતિ’ ઉપરાંત રામાયણ, શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણોના કેટલાક પ્રસંગો વિશે નાના-મોટાં અનેક કાવ્યો તેમણે રચ્યાં છે. એ રચનાઓમાં કર્મ, ઉપાસના, જ્ઞાન, યોગ, ભક્તિ અને ઉપદેશ જેવાં તત્ત્વો નિરૂપાયાં છે. પ્રભુમહિમા, ગુરુમહિમા, બ્રહ્મદર્શન, આત્મસાક્ષાત્કાર, સૃષ્ટિની ઉત્પત્તિ, સર્જન, સગુણસાકાર અને નિર્ગુણ નિરાકારની ઉપાસના વગેરે વિષયો ઉપર દોહા, ગાથા, બીઆખરી, મોતિદમ, છપ્પય, કવિત, ભૂજંગ-પ્રયાત, કળશ, આરજા, ઝપતાલ વગેરે તમામ ચારણી છંદ પ્રકારોમાં કવિ ઈસરદાસજીએ જુદી જુદી રચનાઓ આપી છે.
નાથપંથી યોગસાધના પણ ઈસરદાસજીના યોગવિષયક ગ્રંથ અને અન્ય છૂટક કાવ્યોમાંથી સાંપડે છે. આમ કોઈ એક જ પ્રકારની ઉપાસના કે સંપ્રદાય પરંપરાના બંધનમાં બંધાયા વિના મુક્ત રહીને વિવિધ સાધનાધારાઓ અને અધ્યાત્મ વિચારણાઓમાં વિહરનારા તથા સમન્વયવાદી વિચારસરણી દ્વારા તમામ ધર્મ-પંથ-સંપ્રદાયોની એકતા સાધનારા આ સંતકવિ સૌરાષ્ટ્રના ચારણી સાહિત્યમાં દૈદીપ્યમાન નક્ષત્રની જેમ પોતાની ઝળહળતી પ્રતિભા વડે લોકહૈયામાં પોતાનું અમર સ્થાન મૂકી ગયા છે.
કશા કરવ હોં મહલ, મહલ ગિરિ મેર કહાવે,
કશા ગાવ હોં ગુણબ, ગુણબ જ્યોં તુમ્મર ગાવે;
મેલાં કિં ધનમાલ, સીરિ જી ચરણાં આગે,
કશા પખાળાં પાંવ, પવિત્ર નખ ગંગા લાગૈ;
કિં પૂહપ ચઢાવાં શિર પરૈ, પારિજાત વ્રખ તુજ ધરે;
રાજાધિરાજ કિં રિઝવાં, કવિ શંકર સેવા કરૈ.
અખિલ બ્રહ્માંડના ધણીની વિરાટ સત્તા સામે માનવી કેવો ક્ષુદ્ર અને અલ્પ છે એ વાત આપણા તમામ સંત-કવિઓએ પોતાની વાણીમાં પોકારીને કહી છે. ઈસરદાનજીએ પણ ગાયું છે : સચરાચરના પાલક, પોષક અને સંહારક એવા પરમતત્ત્વ પરિબ્રહ્મની સેવા-પૂજા કે ઉપાસના કેવી રીતે કરવી એની મૂંઝવણ તમામ જ્ઞાની, વેદાંતી, યોગી, સિદ્ધ, સંત કે ભક્તને થતી રહી છે. ‘જેના મેરુ પર્વતો જેવાં મંદિરો હોય એનું મંદિર હું કેવી રીતે ચણાવું ? હું તમારા ગુણ કઈ રીતે ગાઉ? તમારાં ગુણગાન તો યક્ષો, કિન્નરો ને દેવતાઓ સમેત ૠષિ-મુનિઓ દ્વારા ગવાય છે.
સાક્ષાત લક્ષ્મીજી તમારાં ચરણો ચાંપે છે તો તમારી સામે શું દક્ષિણા મૂકું? પતિતપાવનની ગંગા તમારા નખોમાંથી નીકળે છે ને પાવન થાય છે, પારિજાત-કલ્પવૃક્ષ તમારે સેવા કરે છે એવા અનંત, અક્ષરાતીત જગદાધાર વિશ્વવ્યાપી કરૂણાવતાર પ્રભુ તમારી સેવા-પૂજા હું કઈ રીતે કરું?’ ચારણી સાહિત્યની ભગવદ્ગીતા સમાન મનાતા અધ્યાત્મ-ભક્તિના અજોડ ગ્રંથ ‘હરિરસ’માં ડિંગળી-ચારણી કાવ્યસાહિત્યના સમર્થ અને તેજસ્વી સર્જક ભક્ત-કવિ ઈસરદાસજીએ પરમતત્ત્વનો મહિમા આ રીતે ગાયો છે.
લોકસમુદાયમાં ‘ઈસરા સો પરમેસરા’ કહીને બિરદાવવામાં આવેલા આ ભક્તકવિના જીવન અને કવન ઉપર એકથી વધુ વખત પીએચ.ડી. કક્ષાના સંશોધન-મહાનિબંધો લખાઈ ચૂક્યા છે, જે એમની તેજસ્વી કવિપ્રતિભાનાં ઘોતક છે.
નારાયણ રો નામ તો, ભૂંડા હી ભલ વાંણ;
ચોપડિયો ચંગો થિયો, જહડો તહડો ખાંણ.
દેવીભક્ત ઈસરદાસજીની શક્તિ ઉપાસનાએ ‘દેવિયાણ’માં આ રીતે કલાદેહ ધારણ ર્ક્યો છે :
ઘમ ઘમંત ઘૂઘરી, પાય નેઉરી રણંઝણ,
મ ડમંત ડાકલી, તાલ તાલી બજ્જે તણ;
પાય સિંહ ગલ અડે, ચક્ર ઝલહલે ચઉદહ,
મળે ક્રોડ તેતીસ ઉદો સુરિચંદ અણંદહ;
અદ્ભુત રૂપ શક્તિ અકળ, પ્રેરૂ દૂત પાળંતિયં,
ગહ ગહે વાર ડમરૂ ડહક, મહમાયા આવંતિયં.
‘ગુણ વૈરાટ’માં સગુણ-નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ અને પરમાત્માના જુદા જુદા અવતારોનાં લોકકલ્યાણ નો મહિમા ગવાયો છે. શૂન્યમાં તદાકાર એવા પરિબ્રહ્મને કોઈ આકાર નથી, રંગ, રૂપ, ગંધ નથી, ધરતી, બીજ પ્રકૃતિ ને કર્મોથી પર એવા નિરક્ષ2 બ્રહ્મમાંસ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી.
લંગ ન ભંગ, અનંગ ન અંગ,
તરંગ ન ગંગ, વિહંગ ન રંગ,
વિરંગ ન પંગ, સરંગ સુચંગ,
તઈ એક તું એક આતમ અસંગ઼.