પ્રફુલ શાહ
મોટાભાગના કૌભાંડ-સ્કેમ-સ્કૅન્ડલમાં આર્થિક છેતરપિંડી હોય છે. ક્યારેક સરકારી તિજોરી પર ધાડ પડાય કે ક્યારેક જનતાના રૂપિયા ગુપચાવી જવાય. ક્યાંક સત્તાનો દુરુપયોગ હોય તો ક્યાંક અમલદારોની મિલિભગત. સરવાળો આવે ગેરકાયદે, અનૈતિક કમાણીનો. આ ચલાવી ન લેવાય પણ ધોળા કપડાંવાળાના લોભને ક્યાં થોભ છે? ચોકીદાર જ ચોર સાથે ભળી જાય ત્યારે આવા ગોટાળા થાય.
પરંતુ રાજસ્થાનના અજમેરમાં ત્રણ દાયકા અગાઉ જે થયું એ સૌથી શર્મનાક હતું. માનવતા, કાયદા, વ્યવસ્થા, પોલીસ અને સમાજ માટે મસમોટું કાળું ડિબાંગ કલંક હતું એ. કલ્પનાતીત ભયંકર અપરાધ છતાં ન્યાય મળવામાં 32-32 વર્ષ લાગે ત્યારે કહેવું શું?
અજમેર કે રાજસ્થાન જ નહિ, આખા ભારતનું માથું ઝૂકી જાય એવી ઘટનાની સૌ પ્રથમ આછેરી ઝલક બહાર આવી 1992ના એપ્રિલ-મે મહિનામાં. હજી સોશ્યલ મીડિયાનો ઉદય થયો નહોતો. ને મોબાઈલ ફોનના આગમનને ય ત્રણેક વર્ષની વાર હતી, પરંતુ ફોટોગ્રાફી તો દાયકાઓથી થતી આવતી હતી. એ સમયે અજમેરની એક જાણીતી ગર્લ્સ હોસ્ટેલની ધનવાન પરિવારની વિદ્યાર્થિનીઓના અશ્લીલ ફોટા એકાએક શહેરમાં ફરવા માંડ્યા હતા. ન જાણે કેટલાંયની નજર એ ફોટા પર પડી હશે. આવું ક્યાંય સુધી કે કદાચ કાયમ ચાલતું રહ્યું હોત પણ એક નાનકડા અખબારે શહેરને સ્તબ્ધ કરી મૂક્યું.
સ્થાનિક હિન્દી અખબાર ‘દૈનિક જ્યોતિ’માં સંતોષ ગુપ્તાની બાયલાઈન સાથે એક એક્સક્લુઝિવ સ્ટૉરી પ્રગટ થઈ, જેનું હેડિંગ હતું. ‘બડે લોગોં કી પુત્રિયાં બ્લેકમેલ કા શિકાર’. આ સમાચાર સાથે ફોટા ય પ્રગટ થયા હતા. આનાથી જાણે અજમેરમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. આપણા શહેરમાં આવું થાય છે એવું કોઈ માની શકતું નહોતું.
આ સમાચાર સાથે વાત પૂરી ન થઈ, પરંતુ વધુને વધુ નગ્ન તસવીરો શહેરમાં ફરવા માંડી. અશ્લીલ ફોટા બે-પાંચ નહિ, એકસોથી વધુ હતા. માત્ર રાજસ્થાનમાં જ નહિ, આખા દેશમાં આ ભયંકર ઘટનાના પડઘા પડ્યા.
રાજસ્થાનની તાત્કાલિક સરકારના વડા ભૈરોસિંહ શેખાવતે આ અશ્લીલ ફોટો કાંડની તપાસ તાત્કાલિક અને સીધે સીધી સી.આઈ.ડી.-ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી અને પછી તપાસમાં એ જે બહાર આવવા માંડ્યું એ અધપતનની પરાકાષ્ઠા સમાન હતું. આરંભિક હકીકત એવી બહાર આવી કે કેટલાંક આરોપીઓએ એક મોટા-ધનવાન વેપારીના દીકરા સાથે સંબંધ બાંધ્યા, દોસ્તી જમાવી, વિશ્વાસ જીતી લીધા એની સાથે કુકર્મ કર્યું. એટલું જ નહિ, એ સમયના ફોટા ય પાડી લીધા. હવે આ ફોટાની મદદથી શરૂ કર્યું બ્લેકમેઈલિંગ. ફોટા જાહેર કરી દેવાની ધમકી આપીને બિઝનેસમેન બેટાની ગર્લફ્રેન્ડને બોલાવવાની ફરજ પડાઈ.
એક પોલ્ટ્રી-ફાર્મ પર આરોપીઓએ એ ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કર્યો. એના પણ વાંધાજનક ફોટો પાડી લીધા. અહીં પ્રેમી-યુગલની યાતનાનો અંત ન આવ્યો, બલ્કિ એ ઔર વધી ગઈ. હવે છોકરા-છોકરી પર દબાણ વધારાયું કે બદનામીથી બચવું હોય તો તમારા મિત્ર-મૈત્રિણીઓને અહીં લઈ આવો વર્ના... બદનામીના ડરે આ બન્ને પોતાના ફ્રેન્ડસને લઈ જાય. ત્યાં આ નવાગંતુકો પર રેપ થાય. ને એનાય ફોટો પડાય. પછી એમને ધમકી અને... આ સર્કલ ચાલતું રહ્યું. ન જાણે કેટકેટલાંયને બોલાવાયા, બળાત્કાર કરાયા, ફોટા પડાયા અને...
આ ઘૃણાસ્પદ બ્લેકમેઈલિંગથી આરોપીઓએ કેટલી બાળાઓનું શોષણ કર્યું હશે એની કલ્પના કરી શકો છો? નરાધમોએ એકસોથી વધુ યુવતીઓના શરીરને અભડાવ્યા હતા! તપાસમાં બહાર આવેલી એમની ભયંકર મોડસ ઓપરેન્ડી કંપારી ઉપજાવનારી છે.
આ અધમ બદમાશોની ફિયાટ કાર ગર્લ્સ કોલેજ બહાર ઊભી રહે. એમાં રોજેરોજ અલગ કોલેજિયનને લઈ જુદા-જુદા ઠેકાણે લઈ જઈને બળાત્કાર કરતા હતા.
અહીં સવાલ એ થાય કે એકાદ યુવતીએ પણ કુટુંબીજનોને વાત ન કરી? પોલીસ સુધી જવાની હિંમત ન કરી? કોઈકે બહાદુરી બતાવી હોત તો કેટલીય બદનસીબ બચી ગઈ હોત. આ બળાત્કારની પરંપરાનો ક્યારેય અંત આવ્યો નહોત, પરંતુ ગુનેગારોનું એક હથિયાર એમના માટે જ બેધારી તલવાર સાબિત થવાનું હતું.
એ સમયે મોબાઈલ ફોન તો હતા નહિ એટલે ફોટા કેમેરામાં પડાતા હતા. હજી કેમેરા ય ડિજિટલ થયા નહોતા. આથી રોલ ધોવડાવવા પડે અને પ્રોસેસિંગ બાદ ફોટા તૈયાર થાય. આને માટે કેમેરા અને રોલ અજમેરના એક ફોટા સ્ટુડિયોમાં અપાતા હતા. આવા ફોટા જોઈને એક ટેક્નિશિયનની દાનત બગડી. તે ફોટાની વધુ કોપી કાઢવા માંડ્યા. આ રીતે ફોટા સર્ક્યુલેટ થવા માંડ્યા. હવે તો જેના હાથમાં ફોટા આવે એ બ્લેકમેઈલ કરવા માંડયા.
પરંતુ આવું ભયંકર રેકેટ કેમ આટલા લાંબા સમય ચાલ્યું? એમાં કોણ-કોણ સામેલ હતા? સાવ ગલીછાપ ટપોરી આવા નઠારા કામ આટલા મોટા પ્રમાણમાં અને લાંબો સમય થોડા કરી શકવાના હતા?
અજમેર સેક્સ સ્કૅન્ડલમાં લાંબો સમય ધડાકાભડાકા થવાના હતા ને ઘણાં મોટા માથા પરથી મુખવટા ઊતરવાના હતા. પોલીસતંત્ર અને કાયદો-વ્યવસ્થા કાચબા ગતિના ઘણા દાખલા બહાર આવવાના હતા.
(ક્રમશ:)