Tue Jan 27 2026

Logo

White Logo

કિવીઓ ભારતમાં હવે ટી-20માં પણ નવો ઇતિહાસ રચશે? આજે પ્રથમ મૅચ

6 days ago
Author: Ajay Motiwala
Video

નાગપુરઃ ભારત (India) અને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) વચ્ચે નાગપુરમાં આજે (સાંજે 7.00 વાગ્યાથી) પાંચ મૅચવાળી સિરીઝની પહેલી મૅચ રમાશે અને ખાસ ઉલ્લેખનીય છે કે કિવીઓ ભારતમાં ક્યારેય ટી-20 શ્રેણી જીત્યા તો નથી, પરંતુ જેમ 2024માં ભારતની ધરતી પર પહેલી જ વખત ટેસ્ટ સિરીઝ (3-0થી) જીત્યા અને ગયા અઠવાડિયે પહેલી વાર ભારતમાં વન-ડે શ્રેણી (2-1થી)માં પણ વિજય મેળવ્યો એ રીતે હવે ટી-20 સિરીઝ જીતવાનો પણ મોકો ઝડપી શકે.

ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપ પહેલાં બન્ને દેશની ટીમની આજથી આકરી કસોટી થવાની છે. બેઉ ટીમ માટે વિશ્વ કપનું આ છેલ્લું રિહર્સલ બનશે.

10 વર્ષ પહેલાં નાગપુરમાં કિવી સ્પિનર્સ ભારે પડ્યા

વિદર્ભ પ્રાંતમાં નાગપુરના સ્ટેડિયમમાં દસ વર્ષ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો ટી-20 વર્લ્ડ કપની મૅચમાં 47 રનથી પરાજય થયો હતો. કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડે એ મૅચની ટીમમાં પોતાના મુખ્ય ફાસ્ટ બોલર્સને નહોતા સમાવ્યા એમ છતાં ભારતનો એ સમયના ત્રણ નવાસવા સ્પિનરના સફળ પર્ફોર્મન્સને કારણે પરાજય થયો હતો. એ ત્રણ સ્પિનરમાં મિચલ સૅન્ટનર (ચાર વિકેટ), ઈશ સોઢી (ત્રણ વિકેટ) અને નેથન મૅક્લમ (બે વિકેટ)નો સમાવેશ હતો. ત્યારે ત્રણેય સ્પિનર સામે ભારત 127 રનના લક્ષ્યાંક સામે માત્ર 79 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને ન્યૂ ઝીલૅન્ડે વિજય મેળવી લીધો હતો. એ મુકાબલાનો મૅન ઑફ ધ મૅચ મિચલ સૅન્ટનર આજે ન્યૂ ઝીલૅન્ડનો ટી-20 કેપ્ટન છે. કિવીઓનો વન-ડે સુકાની માઇકલ બ્રેસવેલ પગની ઈજાને કારણે આજની મૅચમાં કદાચ નહીં રમે.

ટોચના પાંચ ટી-20 ઑલરાઉન્ડર્સમાં હાર્દિક પણ સામેલ

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર પાંચ ઑલરાઉન્ડર એવા છે જેઓ કારકિર્દી દરમ્યાન 2000-પ્લસ રન કરવા ઉપરાંત 100થી વધુ વિકેટ લઈ ચૂક્યા છે અને એમાં હાર્દિક પંડ્યા પણ સામેલ છે:
(1) મોહમ્મદ નબી, અફઘાનિસ્તાન, 2417 રન અને 104 વિકેટ
(2) શાકિબ અલ હસન, બાંગ્લાદેશ, 2551 રન 149 વિકેટ
(3) સિકંદર રઝા, ઝિમ્બાબ્વે, 2883 રન અને 102 વિકેટ 
(4) હાર્દિક પંડ્યા, ભારત, 2002 રન અને 101 વિકેટ
(5) વિરનદીપ સિંહ, મલયેશિયા, 3180 રન અને 109 વિકેટ.