ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા એક મહિનાથી બાંગ્લાદેશમાંથી હિંદુઓની હત્યાઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં વધુ એક કિસ્સાનો ઉમરો થયો છે. બાંગ્લાદેશના નરસિંગડી જિલ્લા ખાતે એક 23 વર્ષીય હિંદુ યુવાનની હત્યા કરવામાં આવી છે.
ગેરેજને આગ લગાવાઈ
નરસિંગડી પોલીસ લાઇન્સ પાસે આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં એક ભયાનક હત્યાકાંડ સર્જાયો છે. કુમિલા જિલ્લાના લક્ષ્મીપુર ગામનો વતની ચંચલ ચંદ્ર ભૌમિક, જે પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય હતો, તેને 23 જાન્યુઆરી, 2026ને શુક્રવારના રોજ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફૂટેજ મુજબ, ચંચલ જ્યારે ગેરેજની અંદર સૂતો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ દુકાનના શટર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ચંચલને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. તે લાંબા સમય સુધી ગેરેજની અંદર આગની જ્વાળાઓમાં સળગતો રહ્યો અને અત્યંત પીડાદાયક રીતે તેનું મૃત્યુ થયું હતું. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ગેરેજની બહારથી આગ લગાવતો પણ જોવા મળ્યો છે.
પોતાના કમાઉ દીકરાની ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાને લઈને પરિવારમાં રોષ જોવા મળ્યો છે. પરિવારે હત્યાને પૂર્વયોજીત ગણાવી છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. સ્થાનિક હિન્દુ નેતાઓએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે અને વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થાને નિષ્ફળ ગણાવી છે. જોકે, આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને પગલે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.