Tue Jan 27 2026

Logo

White Logo

સંતોષ રાખો... પોતે સુખી થાવ ને બીજાને પણ સુખી કરો

2 days ago
Author: Mumbai Samachar Team
Video

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

અમિતાભ બચ્ચન, ડૉ. નીરજ સકસેના 

પ્રખ્યાત ટીવી શો ‘કૌન બનેગા... ’માં યજમાન અમિતાભ બચ્ચનની સામે જાતજાતના સ્પર્ધકો આવતા હોય છે, પરંતુ ઓક્ટોબર, 2024માં એક અસાધારણ સ્પર્ધક હોટ સીટ પર આવી ગયા હતા. એ સ્પર્ધક ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડમાં સૌથી ઝડપી જવાબ આપીને હોટ સીટ પર પહોંચ્યા હતા. કોઇ ઉત્તેજના વિના, કોઈ ડ્રામા કર્યા વિના કે અમિતાભ બચ્ચનને ભેટ્યા વિના ખૂબ જ સ્વસ્થ અને શાંત ચિત્તે હોટ સીટ પર જઈને બેઠા. તેમણે બચ્ચનના સવાલોના જવાબ આપવાનું શરૂ કર્યું. તે  બધા પ્રશ્નોના જવાબ સરળતાથી આપી રહ્યા હતા. તે  અત્યંત વિચક્ષણ બુદ્ધિ ધરાવનારા હતા. તેમણે સહેલાઈથી છ લાખ ચાલીસ હજાર રૂપિયા જીતી લીધા એ પછી એક બ્રેક આવ્યો. એ બ્રેક પછી અમિતાભ બચ્ચને કહ્યું, ‘ચાલો, આપણે આ ડોક્ટરસાહેબ સાથે રમત આગળ વધારીએ. ડોક્ટરસાહેબ, આ રહ્યો અગિયારમો સવાલ.’

એ વખતે તે સ્પર્ધકે કહ્યું, ‘સર હું આગળ રમવા ઈચ્છતો નથી. હું ગેમ છોડવા ઈચ્છું છું.’

અમિતાભ બચ્ચન સહિત બધા આશ્ર્ચર્યચકિત બનીને તેની સામે જોઈ રહ્યા. ઓડિયન્સમાં બેઠેલા લોકોને પણ પહેલા તો માન્યામાં ન આવ્યું કે આટલી સરળતાથી તમામ સવાલોના જવાબ આપી રહેલો સ્પર્ધક સામે ચાલીને ગેમ છોડવાની વાત કરી રહ્યો છે!

એ પછી અમિતાભ બચ્ચને તેમને કહ્યું કે ‘તમે આટલું સરસ રમી રહ્યા છો. હજી તમારી પાસે ત્રણ લાઈફલાઈન છે અને તમારા માટે એક કરોડ કે સાત કરોડ જેટલી રકમ જીતવાની તક છે...’ તેમણે કહ્યું કે ‘આવું આ પહેલા ક્યારે બન્યું નથી કે કોઈ સ્પર્ધક જીતી રહ્યો હોય અને અડધેથી રમત છોડી દે!’

પેલા સ્પર્ધકે અત્યંત શાંત ચિત્તે અને સ્વસ્થ રીતે જવાબ આપ્યો: ‘નહીં સર, અન્ય ખેલાડીઓ તક મળે એની રાહ જોઈ રહ્યા છે. એ બધા મારા કરતાં નાના છે. તેમને પણ તક મળવી જોઈએ. મેં ઓલરેડી ઘણા પૈસા જીતી લીધા છે અને મને લાગે છે કે મારી પાસે જે કંઈ છે એ પૂરતું છે અને હું વધુ ઇચ્છતો નથી...’

અમિતાભ આશ્ર્ચર્યચકિત બનીને તેમને તાકી રહ્યા. થોડીક ક્ષણો માટે સૌ અવાચક બની ગયા, પરંતુ પછી બધાએ ઊભા થઈને તેમને તાળીઓથી વધાવી લીધા. અમિતાભ બચ્ચનને કહ્યું ‘આજે આપણે આ ડોક્ટરસાહેબ પાસેથી ઘણું શીખ્યા છીએ. જીવનમાં આવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળતી હોય છે. મેં પહેલી વાર આવી કોઈ વ્યક્તિને જોઈ!’

એ સ્પર્ધક હતા, ડોક્ટર નીરજ સકસેના.વૈજ્ઞાનિક છે અને કોલકાતાની યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર છે. તેમણે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામના સહાયક તરીકે પણ કામ કર્યું છે.

ડોક્ટર નીરજ સકસેનાના જીવન પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે આપણે જીવનના કોઈ તબક્કે સંતોષ માનવો જોઈએ. ઘણી વખત ઘણા ક્રિકેટર પોતાની રીતે નિવૃત્તિ લેવા તૈયાર ન થાય ત્યારે તેમને નિવૃત્તિ લેવાની ફરજ પાડવામાં આવે એ હદ સુધી સ્થિતિ ઊભી થાય એ પછી જે તે ક્રિકેટર નાછુટકે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરે. એવું અન્ય ઘણા કિસ્સાઓમાં થતું હોય છે. કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચી ગઈ હોય એ પછી પણ તેને સંતોષ ન હોય અને તે સતત વધુ ને વધુ મેળવવાની કોશિશ કરતી રહેતી હોય એને કારણે તે પોતાની ગરિમા પણ ગુમાવી બેસે એવું ઘણી વાર બનતું હોય છે.

માણસને પૈસાથી પ્રસિદ્ધિ કે પ્રવૃત્તિથી કે પોતાના સર્જનથી એક તબક્કે સંતોષ થઈ જવો જોઈએ. અને એવું બની શકે તો તેનું જીવન સાર્થક બની રહે. જે માણસ સંતોષી પ્રકૃતિનો હોય તે પોતે સુખી થઈ શકે અને બીજાઓને પણ સુખ આપી શકે, કારણ કે અસંતોષ એ દુ:ખનું એક મોટું કારણ હોય છે અને જે માણસને સંતોષ થઈ ગયો હોય તે માણસ બીજા માણસોને પણ સુખ આપી શકે. જેમ કે ડોક્ટર નીરજ સકસેનાએ હોટ સીટ છોડી દીધી એ પછી એક ગરીબ છોકરીને હોટ સીટ પર આવવાની તક મળી હતી.

કોઈ વ્યક્તિને સંતોષ હોય, તેનું પોતાનું એક સરસ ઘર બનાવી લે, તેને આર્થિક સલામતી લાગે એટલું બેંક બેલેન્સ તેની પાસે હોય તે પછી તે નિવૃત્ત થઈને પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરીને જીવનનો બાકીનો સમય વિતાવે તો તે જીવનને માણી શકે, પરંતુ એનાથી બીજા છેડે જેને સંતોષ નથી એવી કોઈ વ્યક્તિ અબજો રૂપિયા કે હજારો કરોડ રૂપિયા કે લાખો કરોડ રૂપિયા કમાઈ લીધા પછી પણ અસંતોષની લાગણી અનુભવતી હોય, તેને સંતોષ ન હોય તો તે વધુ ને વધુ પૈસા કમાવા માટે રાત- દિવસ એક કરે, પોતાની જાતની પણ દરકાર ન કરે અને વધુને વધુ પૈસા કમાવવા માટે તે જીવન માણવાનું, જીવન જીવવાનું ભૂલી જાય અને વધુ પૈસા કમાવા માટે તે અન્ય લોકોનું શોષણ પણ કરે- ક્યારેક વિકૃતિની હદ સુધી પણ પહોંચી જાય અને વધુ પૈસા કમાવા માટે તે જીવનમાં સતત બાંધછોડ કરતો રહે, પ્રપંચ કરતો રહે, રાજકારણીઓની ચમચાગીરી કરતો રહે તો એ માણસ પાસે હજારો કરોડ કે લાખો કરોડ રૂપિયા હોય તો પણ તેનું જીવન વેડફાઈ ગયું એમ માનવું. આ વાત અબજો રૂપિયાના આર્થિક સામ્રાજ્ય ઊભા કરનારા ફાઇવ સ્ટાર બાવાઓ, બાબાઓ, બાપુઓ, મહાત્માઓ, સ્વામીઓને પણ લાગુ પડે છે. અનેક બાવાઓ પોતાની પાસે અબજો રૂપિયા હોવા છતાં જાતજાતના પ્રપંચ કરતા રહે છે, લોકોને બેવકૂક બનાવીને તેમની પાસેથી વધુ ને વધુ પૈસા પડાવતા રહે છે.

આ બાબાઓ વાતો તો ભગવાનની ને આધ્યાત્મિકતાની કરતા હોય છે, પરંતુ તેમના મનમાં સંતોષ નથી હોતો. હજારો કરોડ રૂપિયા કમાઈ લીધા પછી પણ એ બધા લોકોને બેવકૂક બનાવીને વધુ ને વધુ પૈસા કમાવવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. આવા બાવાઓનું જીવન પણ નિરર્થક જ ગણાય.