Tue Jan 27 2026

Logo

White Logo

બરફની ચાદર વચ્ચે દોડતી 'વંદે ભારત': કાશ્મીરના મનમોહક દ્રશ્યોનો વીડિયો વાયરલ...

4 days ago
Author: Kshitij Nayak
Video

શ્રીનગર/નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે વરસાદ શરુ થયો છે, જેમાં રાજસ્થાન, યુપી, હરિયાણા, ચંદીગઢ સહિત દિલ્હીમાં વરસાદી માહોલનું નિર્માણ થયું છે. કાશ્મીરના મોટા ભાગના પ્રદેશમાં બરફવરસાદ થઈ છે, જેનાથી જંગલોથી લઈને નદીઓ-તળાવો જાણે બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે. લગભગ ત્રણ મહિનાથી બરફવરસાદની ઈંતજારી આજે ખતમ થઈ ગઈ છે, પરંતુ આ માહોલ બરફિલા વાતાવરણમાં પસાર થતી વંદે ભારતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

બરફવરસાદને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે 20થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કાશ્મીરના મેદાની વિસ્તારોથી લઈને ઘાટીમાં બરફવરસાદને કારણે ટ્રેનસેવા પર અસર થઈ છે, ત્યારે વંદે ભારત ટ્રેનના વાયરલ વીડિયોએ લોકોનું મન મોહી લીધું છે. કટરાથી શ્રીનગરની વંદે ભારત ટ્રેન બરફની વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક પ્રવાસીએ લીધેલા વીડિયો લોકોને વિશેષ પસંદ પડ્યો છે. ટ્રેનની મુસાફરી અત્યારે પડકારજનક છે, પરંતુ સુરક્ષિત માનવામાં આવે છે. બરફ વરસાદથી જમ્મુ કાશ્મીરની નવયુગ ટનલનો રોડ બંધ કર્યો છે, જ્યારે મુગલ રોડ અને સિંથન રોડ પણ બંધ કર્યો છે.

ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશથી લઈને રાજસ્થાન, ગુજરાત સુધી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરાયણ પછી પણ ઠંડા પવનોની સાથે બરફવરસાદના આગમનથી અમુક રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે. 

ઉત્તર કાશ્મીરના જાણીતા સ્કિઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં બે ફૂટથી વધુ બરફ વરસાદ થયો છે, જ્યારે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ ખાતે છ ઇંચથી વધુ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામના રિસોર્ટમાં ત્રણ ઇંચ બરફનો વરસાદ નોંધાયો છે. બડગામ, બારામુલા, કુપવાડા, શોપિયા, પુલવામા અને બાંદીપુરા જિલ્લામાં મધ્યમથી લઈને હળવો વરસાદ પડ્યો છે.

ખરાબ હવામાનને કારણે શ્રીનગર એરપોર્ટની ફ્લાઈટ્સ સેવા સ્થગિત કરવામાં આવી છે. નિરંતર ખરાબ હવામાનને કારણે પરિવહન સેવાને પણ અસર થી છે. શ્રીનગરમાં પણ આજની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરીને નવી માહિતી મળ્યા પછી ટ્રાવેલ કરવાની અપીલ કરવામાં આવી છે.

કાશ્મીરના મોટા ભાગના પ્રદેશમાં રાતના ભારે બરફવરસાદ પડ્યો હતો. શ્રીનગરમાં આ વખતની સિઝનમાં પહેલી વખત બરફવરસાદ થયો છે. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આ સ્થિતિ આજે રાત સુધી રહી શકે છે.