અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસ પડેલા અનરાધાર વરસાદે તારાજી વેરી છે. ખાસ કરીને સુરત શહેરમાં બે દિવસમાં 20 કરતા વધારે ઇંચ વરસેલો વરસાદ કાળમુખો સાબિત થયો છે. મળતા અહેવાલો અનુસાર વરસાદને કારણે શહેરના 29 જણે જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને ખાડીઓ ઓવરફ્લો થતા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા અને તેમાં જ ડૂબીને લોકો મોતને ભેટ્યાના અહેવાલો છે. અમુક મતૃકોના મૃતદેહ પાણી ધીમે ધીમે ઓસરતા મળી રહ્યા છે. વરસાદના 36 કલાક બાદ ગુરુવારે ત્રણ યુવાનના મૃતદેહ મળ્યાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી.
દરમિયાન એક ઘટનામાં કાર ડૂબી જતા બે ભાઈ તણાઈ ગયા હતા, જેમાંથી એકનો પત્તો નથી, જ્યારે બીજો ભાઈ બચી ગયો છે. અહીંના પાસોદર વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ વરાછા ખાતે ગેરજ ધરાવે છે. 7મી જુલાઈના રોજ વરાછા ખાતે બંધ થઈ ગયેલી એક કારને તેઓ પોતાની કાર સાથે બાંધી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે વાલક પાટીયા પાસે ખાડીના પાણી ફરી વળ્યા હોવાથી કાર ડૂબવા લાગી હતી.
બન્ને ભાઈએ કાચ ખોલી બહાર નીકળવાની કોશિશ કરી હતી, જેમાં એક ભાઈ સંદીપ ચોવટીયા પાણીમાં તણાઈ ગયો હતો જ્યારે દર્શક ચોવટીયાના હાથમાં લાકડું આવી જતા તે બચી ગયો હતો, જ્યારે સંદીપની શોધ હજુ ચાલી રહી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અન્ય એક કરૂણ ઘટનામાં મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને હાલ ડિંડોલીમાં રહેતા 19 વર્ષીય હર્ષલ પ્રવીણભાઈ કરંકાળ અને તેનો પાડોશી મિત્ર અજીત બલિરામ પટેલ (31) 7 જુલાઈએ રાત્રે કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સચિન રોડ પર ખરવાસા ખાતેના તળાવ પાસે મુશળધાર વરસાદને કારણે ભરાયેલા પાણીમાં બંને મિત્રો ડૂબી ગયા હતા, જેમના મૃતદેહ ગુરુવારે સવારે ખરવાસા રોડ પરથી મળી આવ્યાના અહેવાલો છે.
આવી જ રીતે અમરેલીના અલ્પેશ રમેશભાઈ દેસાઈ (35) પણ 7મી જુલાઈથી ગૂમ હતા. પરિવારે ખૂબ જ શોધ્યા હતા, પરંતુ તેઓ મળ્યા ન હતા, જે વાલક પાટીયા પાસેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. 29 મૃતકમાંથી 18 મૃતક ડૂબી જવાથી, સાત વીજળીના કરંટ લાગવાથી, એક વીજળી પડવાથી અને બે જણના ઝાડ પડવાથી મોત નિપજ્યાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી.