Thu Jul 09 2026

Logo

વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર

2026-07-09 15:02:00
Author: Pooja Shah
Article Image

ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'નું લોન્ચિંગ કરતા જણાવ્યુ કે, આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. 

આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ અને પાયાની સંપત્તિ બની ગયો છે. ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બનીને ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલ ઈકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ઇમર્જિંગ સેક્ટર્સને નવી ગતિ મળી છે તેમજ વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વિશાળ તકો ઉભી થઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે જ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક કામગીરી માટે પ્રદાતાઓને 20 વર્ષનો ટેક્સ હોલીડે આપવામાં આવ્યો છે, તે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રેરકબળ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. એ.આઈ. આધારિત ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સતત વધી રહી છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે આ 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29' અમલમાં મૂકી છે.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિશ્વસનીયતા એટલી મજબૂત છે કે પોલિસી આજે લોન્ચ થઈ છે, પરંતુ પોલિસીની ૭.૫ ગીગાવોટની ક્ષમતા સામે દેશ અને દુનિયાની લીડિંગ કંપનીઓએ તેના કરતાં બમણી ક્ષમતાની ડિમાન્ડ સાથેના રિક્વેસ્ટ લેટર્સ સરકારને મળી ચૂક્યા છે.

ડેટા સેન્ટરમાં વીજળી અને પાણીની જરૂરિયાત મહત્તમ હોય છે. આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી ૫૧ ટકા ઉર્જા ફરજિયાતપણે ગ્રીન એનર્જી જ વાપરવી પડશે. આ ઉપરાંત ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે તૈયાર કરેલી આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નો લોન્ચિગ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો.