Fri Oct 02 2026

Logo

વિમ્બલ્ડનની સૌથી લાંબી ક્વૉર્ટર ફાઇનલઃ 39 વર્ષનો જૉકોવિચ પચીસ વર્ષના ફેલિક્સ સામે સવાપાંચ કલાકે જીત્યો!

London   2026-07-08 21:50:49
Author: Ajay Motiwala
વિમ્બલ્ડનની સૌથી લાંબી ક્વૉર્ટર ફાઇનલઃ 39 વર્ષનો જૉકોવિચ પચીસ વર્ષના ફેલિક્સ સામે સવાપાંચ કલાકે જીત્યો!

AP


લંડનઃ સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર અને ત્રણ વર્ષથી વિક્રમજનક પચીસમું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા સંઘર્ષ કરી રહેલા 39 વર્ષના નોવાક જૉકોવિચે મંગળવારે અહીં વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલ જીતીને વિક્રમજનક 15મી વખત વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. પચીસમું ટાઇટલ હવે તેનાથી માત્ર બે ડગલાં દૂર છે. જૉકોવિચ (Djokovic)નો મુકાબલો સેમિમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિનર સામે થશે. છેલ્લા એક વર્ષમાં જૉકોવિચ-સિનર એકમેકને એક વખત મોટી ટૂર્નામેન્ટમાં હરાવી ચૂક્યા છે.

સવાપાંચ કલાકમાં પાંચ સેટ

જૉકોવિચ અને કૅનેડાના ફેલિક્સ ઑઝાય આલીયાસીમ વચ્ચેની પાંચ સેટની ક્વૉર્ટર ફાઇનલ પાંચ કલાક અને 15 મિનિટ સુધી ચાલી હતી જેમાં છેવટે જૉકોવિચે 12-10, 3-6, 6-3, 4-7, 10-4થી વિજય મેળવ્યો હતો. વિમ્બલ્ડનના ઇતિહાસમાં આ સૌથી લાંબી ક્વૉર્ટર ફાઇનલ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TSN (@tsn_official)

સેન્ટર કોર્ટ પરના આ મુકાબલામાં જૉકેવિચે ફેલિક્સને આગળ-પાછળ ખૂબ દોડાવ્યો હતો. ફેલિક્સ ફૉર-હૅન્ડ શૉટ માટે જાણીતો છે, પણ જૉકોવિચ સામે તેનું કંઈ નહોતું ચાલ્યું.

મહિલાઓની સેમિ લાઇન-અપ નક્કી થઈ

મહિલા વર્ગમાં માર્ટા કૉસ્ત્યૂકે ક્વૉર્ટરમાં જાસ્મિન પાઓલિનીને 6-3, 6-2થી હરાવી હતી. બીજી ક્વૉર્ટરમાં લિન્ડા નૉસ્કોવાએ એલિસ મર્ટેન્સને 6-3, 7-5થી હરાવીને સેમિમાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાની કૉકો ગૉફ મંગળવારે જેસિકા પેગુલાને 4-6, 6-3, 6-3થી હરાવીને તથા કૅરોલિના મુહોવા જાપાનની નાઓમી ઓસાકાને 7-4, 6-4થી હરાવીને સેમિમાં પહોંચી ગઈ હતી. ગુરુવારે સેમિમાં કૉકો-મુહોવા વચ્ચે અને કૉસ્ત્યૂક-નૉસ્કોવા વચ્ચે ટક્કર થશે.