જયપુરઃ રાજસ્થાનમાં માતા-પુત્રીના મમતાભર્યા સંબંધને કલંકિત કરતો બનાવ બન્યો છે. જયપુરમાં ૨૩ વર્ષીય યુવતિએ કૌટુંબિક સંપત્તિ અને સરકારી નોકરી મેળવવા માટે પોતાની જ માતાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ જાણકારી પોલીસે આપી હતી.પોલીસના જણાવ્યા અનુસાર આયુષી શર્માએ તેના કાકા અને પિતરાઇ ભાઇ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. માતાની હત્યા કરાવવા માટે કોન્ટ્રાક્ટ કિલરને 7 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. હત્યાને માર્ગ અકસ્માતનું સ્વરૂપ આપવા માટે તેની માતાને એસયુવીથી કચડી નાખવામાં આવી હતી.
કોણ છે મૃતક?
મૃતક મહિલા 45 વર્ષીય નીરજ શર્મા કોર્ટમાં લોઅર ડિવિઝન ક્લાર્ક(એલડીસી) તરીકે કામ કરતી હતી. તેની 3 જુલાઇના રોજ જયપુરના પ્રતાપ નગર વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં આયુષી શર્મા, તેના કાકા મોહન સ્વરૂપ અને અન્ય કાવતરાખોરોમાં મોહિત શર્મા, આકાશ શર્મા, અરવિંદ શર્મા, હેમંત શર્મા અને રોહિત જાટવનો સમાવેશ થાય છે.
આયુષીનો પિતરાઇ ભાઇ બલરામ ઉર્ફે રવિ હજુ પણ ફરાર છે. જેને તપાસકર્તા મુખ્ય કાવતરાખોર ગણાવી રહ્યા છે. જ્યારે તપાસકર્તાઓએ અકસ્માત મામલે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે આ ટક્કર અકસ્માત નહીં, પરંતુ પૂર્વઆયોજિત હત્યા હોવાના પુરાવા મળ્યા હતા.
માતાની હત્યાનું કાવતરૂ હતુ
તપાસમાં આખરે પરિવારના ઘણા સભ્યો અને ભાડે રાખેલા હુમલાખોરની સંડોવણીનું કાવતરૂં બહાર આવ્યું હતું. ડીસીપી ઇસ્ટ રંજીતા શર્માએ જણાવ્યું કે નીરજના પતિનું લગભગ એક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી નીરજને અનુકંપાના આધારે નોકરી મળી હતી અને એલડીસી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, આયુષી તેના પિતાના મૃત્યુ પછી ખાલી પડેલી સરકારી નોકરી મેળવવા માંગતી હતી.
જોકે આ નોકરી તેની માતા નીરજે સ્વીકારી લીધી હતી. પોલીસે કહ્યું કે, માતા અને પુત્રી વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આયુષીએ તેના કાકા મોહન સ્વરૂપ અને પિતરાઇ ભાઇ બલરામ ઉર્ફે રવિ સાથે મળીને તેની માતાની હત્યા કરવાનું કાવતરૂં ઘડ્યું હતું.