Tue Sep 15 2026

Logo

દહિસરમાં દૂધમાં ભેળસેળ કરનારો પકડાયો: 470 લિટર દૂધ જપ્ત

2026-07-09 20:10:55
Author: Yogesh C. Patel
દહિસરમાં દૂધમાં ભેળસેળ કરનારો પકડાયો: 470 લિટર દૂધ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દહિસરમાં જાણીતી બ્રાન્ડના દૂધમાં ભેળસેળ કરીને વેચનારા શખસની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે અંદાજે 470 લિટર દૂધ જપ્ત કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-12ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ લિંગય્યા ગાંટા (42) તરીકે થઈ હતી. તેની વિરુદ્ધ દહિસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

દહિસર પૂર્વમાં રાજેશ કમ્પાઉન્ડ નજીકની દુબે ચાલ નંબર-બે ખાતેની એક રૂમમાં શખસ જાણીતી બ્રાન્ચના દૂધમાં ભેળસેળ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે અધિકારીઓએ ગુરુવારની વહેલી સવારે રેઇડ કરી હતી.

રૂમમાં આરોપી જાણીતી બ્રાન્ડની દૂધની થેલીને સાવધાનીપૂર્વક કાપીને તેમાંથી અડધું દૂધ કાઢી લેતો હતો. પછી તેમાં અસ્વચ્છ પાણી ભેળવી દેતો. ત્યાર બાદ મીણબત્તીની મદદથી થેલી ફરી સીલ કરી દેતો હતો. આ ભેળસેળવાળું દૂધ તે વેચવા માટે મોકલી આપતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ રૂમમાંથી 470 લિટર દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું. કાનૂની કાર્યવાહી પછી દૂધ નષ્ટ કરાયું હતું. આરોપી પાસેથી જાણીતી બ્રાન્ડની દૂધની ખાલી થેલીઓ પણ મળી આવી હતી.