Thu Jul 09 2026

Logo

'મન્નત' પછી હવે દિલ્હીનું આ ઘર કેમ ચર્ચામાં? શાહરૂખ ખાને ₹37 કરોડમાં કરી ડીલ

2026-07-09 17:55:34
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના સેલેબ્સનું પ્રોપર્ટીમાં રોકાણ એ કંઈ નવી વાત નથી. ઘણા સેલેબ્સે પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે અને હજું પણ કેટલાક સેલેબ્સ રોકાણ કરવાની તૈયારીમાં છે. માત્ર પ્રોપર્ટીની વાત નથી, કેટલાય કલાકારોએ હોટેલ અને રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીમાં રોકાણ કરીને આવકનો બીજો સૉર્સ ઊભો કરી લીધો છે. કલાકારોના રોકાણ મામલે અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીનની ખરીદી કર્યા બાદ હવે કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાને રાજધાની દિલ્હીમાં એક પ્રોપર્ટી ખરીદી છે. 

દિલ્હીમાં લીધી પ્રોપર્ટી

મહાનગર દિલ્હીના પંચશીલ પાર્ક વિસ્તારમાં શાહરૂખ ખાનનું ખૂબ જ જૂનું એક ઘર છે, જેના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનો તે પહેલાથી જ માલિક હતો. હવે ઈમારતની બીજી અને ત્રીજી વિંગને પણ ખરીદી લીધી છે. આ પ્રોપર્ટી ડીલ માટે કિંગ ખાને ₹ 37 કરોડનો ખર્ચ કર્યો હતો. આટલી રકમનો ખર્ચ કર્યા બાદ હવે શાહરૂખ પોતાના જૂના ફેમિલી હોમનો સંપૂર્ણ રીતે માલિક બની ગયો છે. પોતાના પરિવારનું જૂનું ઘર હોવાને કારણે આ ઘર સાથે શાહરૂખ ખાનને એક વિશેષ લગાવ છે.

મુંબઈ આવીને શાહરૂખ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ફિલ્મી કેરિયર દમદાર બનાવ્યું છે. આ માટે તેણે દિલ્હી છોડી દીધું હતું. આ પ્રોપર્ટી 10,800 સ્ક્વેર ફૂટની જગ્યા છે. આ પ્રોપર્ટી સાઉથ દિલ્હીના એક પ્રીમિયમ વિસ્તારમાં આવેલી છે. બે ફ્લોરની આ ઈમારત માટે ખાસ ડીલ કરવામાં આવી હતી, જેમાં શાહરૂખે ₹ 37 કરોડ આપ્યાનો રિપોર્ટ છે. આનો અર્થ એ થયો કે, દિલ્હીમાં આવેલી આ પ્રોપર્ટીની કિંમત ₹ 34,260 પ્રતિ સ્ક્વેર ફૂટ ગણવામાં આવી છે. હાલમાં મુંબઈમાં આવેલો શાહરૂખ ખાનનો બંગલો મન્નત રિનોવેટ થઈ રહ્યો છે. 

મન્નતનું થશે 'મેકઓવર'

આ જ બંગલામાં તે અન્ય ફ્લોર બનાવી રહ્યો છે. આ સિવાય મુંબઈમાં જ શાહરૂખ ખાન પાસે અલીબાગ વિસ્તારમાં એક ફાર્મ હાઉસ છે. દુબઈથી લઈને લંડન સુધી શાહરૂખ ખાનની પ્રોપર્ટી છે. અક્ષય કુમારે પોતાના ફ્લેટને લઈને સોદો કર્યા બાદ કિંગ ખાને રીયલ એસ્ટેટમાં આ એક મોટો સોદો કરી નાખ્યો છે, જોકે આ અંગે હજુ સુધી કિંગ ખાને કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. 



ફિલ્મની વાત કરીએ તો સિદ્ધાર્થ આનંદની નવી ફિલ્મ કિંગમાં શાહરૂખ ખાન પોતાની દીકરી સુહાના સાથે જોવા મળશે. આ ફિલ્મથી સુહાના બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં છે. કિંગ ખાનની મોટા બજેટની ફિલ્મ પૈકી આ ખૂબ જ મોટી રકમમાં તૈયાર થયેલી ફિલ્મ છે. રિપોર્ટ એવું કહે છે કે, આ ફિલ્મનું બજેટ 450 કરોડનું છે.આ વાત સાચી છે કે ખોટી એ ફિલ્મ આવ્યા બાદ કે ટ્રેલર રિલીઝ થયા બાદ મેકર્સ જ કહી શકશે.