Thu Jul 09 2026

Logo

સેલિબ્રિટીઝ સાથે ફોટા, આલીશાન બંગલા બતાવી ભારતમાં 3200 કરોડનો ચૂનો લગાવી દુબઈ ભાગી ગયો મહાઠગ!

2026-07-09 19:41:30
Author: Devayat Khatana
Article Image

વાપીઃ આજના સમયમાં સાયબર ગઠિયાઓના કીમિયા અપનાવતા હોય છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપીમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મોટો પર્દાફાશ થયો છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લવિશ ચૌધરી ઉર્ફે નવાબ અલી છે, જે દુબઈમાં બેસીને QFX નામની કંપની દ્વારા મલ્ટી-લેવલ માર્કેટિંગ અને ફેક ફોરેક્સ ટ્રેડિંગનું નેટવર્ક ચલાવતો હતો. જે ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારોને ચૂનો લગાવનાર આ માસ્ટરમાઇન્ડ સામે સુરત અને વાપી સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં FIR નોંધાઈ ચૂકી હોવાનું પણ ખુલ્યું છે.

મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વતની લવિશે 'નવાબ અલી' નામની ખોટી ઓળખ ઊભી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ઉભુ કર્યું હતું. રોકાણકારોને આકર્ષવા માટે તે દુબઈના આલીશાન બંગલા, મોંઘી ગાડીઓ અને મોટા સેલિબ્રિટીઝ સાથેના પોતાના ફોટા બતાવતો હતો. તે દેશના વિવિધ શહેરો તેમજ દુબઈમાં રોકાણકારો માટે મોટી મીટિંગોનું આયોજન કરતો, જેનો તમામ ખર્ચ તે પોતે જ ઉઠાવતો હતો. આ રીતે લોકોનો વિશ્વાસ જીતીને તેણે છેતરપિંડીથી મેળવેલી રકમમાંથી દુબઈમાં અનેક સંપત્તિઓ ખરીદી હોવાનું પણ બહાર આવ્યું છે.

જો આ ગઠિયાઓના ક્રાઈમ કુંડળીની વાત કરવામાં આવે તો માત્ર વાપી GIDC પોલીસ મથકમાં જ 28 જેટલા ફરિયાદીઓએ રૂ. 3 કરોડ 40 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે. દેશભરમાં આ આંકડો 25 થી 30 કરોડથી વધુનો હોવાની શક્યતા છે, જ્યારે માત્ર મધ્યપ્રદેશમાં જ તેણે અંદાજે રૂ. 3200 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આરોપસર ED દ્વારા પણ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અંજલિ યાદવ નામની એક આરોપીની ધરપકડ કરી છે, જેનો એક વીડિયો દુબઈ સ્થિત લવિશના બંગલાનો પ્રકાશમાં આવ્યો છે.

હાલમાં અંજલિ યાદવ પોલીસના સકંજામાં છે, પરંતુ કૌભાંડનો મુખ્ય આરોપી લવિશ ચૌધરી ઉર્ફે નવાબ અલી તેમજ તેના અન્ય સાગરિતો કલીમ શેખ, અરવિંદ દુબે અને વિકાસ બારિક ફરાર છે અને દુબઈ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હવે આ ભેજાબાજ માસ્ટરમાઇન્ડ અને તેના ફરાર સાથીઓને પકડવા માટે તપાસ એજન્સીઓ દ્વારા ભારત સરકાર સાથે સંકલન કરીને તેમની સામે લુકઆઉટ નોટિસ  જારી કરવાની સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે.