Thu Jul 09 2026

Logo

'માંગણીઓ પૂરી કરો નહિતર થશે આર-પારની લડાઈ': પાક. સરકારને PoKના લોકોએ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

2026-07-09 20:21:41
Author: Devayat Khatana
Article Image

ઇસ્લામાબાદ/શ્રીનગર: પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં રાજકીય ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી 27 જુલાઈના રોજ યોજાનારી પ્રાદેશિક ચૂંટણીઓ માટે 9 જૂનથી ઉમેદવારી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ પાકિસ્તાન સરકારને 38 મુદ્દાની માંગણીઓ સ્વીકારવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. કમિટીએ ચેતવણી આપી છે કે જો તેમની માંગો પૂરી નહીં થાય, તો તેઓ મુઝફ્ફરાબાદ તરફ એક વિશાળ જન-પ્રતિરોધ માર્ચ કાઢીને 'આર-પાર' ના નિર્ણાયક આંદોલનની શરૂઆત કરશે.

આ સમગ્ર વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં વસેલા કાશ્મીરી શરણાર્થીઓ માટે આરક્ષિત 12 વિધાનસભા બેઠકો નાબૂદ કરવાની માંગ છે. JAAC નો આરોપ છે કે આ બેઠકો ઇસ્લામાબાદને પીઓકેની સ્થાનિક રાજનીતિમાં ગેરવાજબી દખલગીરી કરવાનો કાનૂની અધિકાર આપે છે. પાકિસ્તાનમાં રહેતા આશરે સાડા ચાર લાખ નોંધાયેલા શરણાર્થી મતદારો માટે 12 બેઠકો છે, જ્યારે પીઓકેમાં રહેતા 33 લાખ સ્થાનિક મતદારો માટે માત્ર 33 બેઠકો જ ફાળવવામાં આવી છે, જે લોકશાહી સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. 

શરણાર્થી બેઠકોના વિવાદ ઉપરાંત, કમિટીના 38 મુદ્દાના ચાર્ટરમાં સ્થાનિક હિતોને લગતી અનેક મહત્વની માંગણીઓ સામેલ છે. જેમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પુનર્વિચાર કરી સ્થાનિકોને હિસ્સો આપવો, મોંઘવારી ડામવા માટે લોટ અને ખાંડ જેવી જરૂરી ચીજવસ્તુઓ પર સબસિડી આપવી તેમજ વીજળીના દરોમાં મોટો ઘટાડો કરવાની માંગ પ્રમુખ છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે જે વીજળી તેમના પોતાના ક્ષેત્રમાં બને છે તે તેઓ શા માટે મોંઘા ભાવે ખરીદે? આ સિવાય સ્થાનિક સંસાધનોની આવકનો મોટો હિસ્સો પીઓકેના વિકાસ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને યુવા રોજગારી પાછળ જ ખર્ચવાની માંગ કરવામાં આવી છે.

પાકિસ્તાન ભલે કાગળ પર પીઓકેને 'આઝાદ કાશ્મીર' ગણાવતું હોય, પરંતુ વાસ્તવિકતામાં ત્યાંના લોકો અત્યંત ગરીબી અને વહીવટી ગુલામીનો સામનો કરી રહ્યા છે. પીઓકે પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ-1 નો ભાગ ન હોવાથી ત્યાંના લોકોને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કોઈ પ્રતિવિધિત્વ મળતું નથી. કુદરતી સંસાધનો અને જળસંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં, અહીંના સંસાધનોની કમાણી ઇસ્લામાબાદ હડપ કરી જાય છે.