મુંબઈ: પ્રખ્યાત સેલિબ્રિટી કપલ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીના લગ્નજીવનને લઈને થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને મીડિયામાં તેમના છૂટાછેડા થયાની અફવાઓની વાતે જોર પકડ્યું હતું. હવે આ સ્ટાર કપલે પહેલીવાર આ બાબતો પર ખુલીને વાત કરીને પોતાનું મૌન તોડ્યું હતું. નેહા ધૂપિયા અને અંગદ બેદીના ટોક શૉ 'ડબલ ડેટ' માં પ્રિન્સ અને યુવિકાએ જણાવ્યું હતું કે, એક નાની ગેરસમજણે કેટલું મોટું રૂપ લઇ લીધુ હતું. આ સાથે જ તેમણે પ્રેગ્નેન્સી, ડિલિવરી પછીના માનસિક તણાવ અને પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે પણ હૃદયસ્પર્શી વાતો યાદ કરી હતી.
ગેરસમજ ઊભી થઈ હતી
છૂટાછેડાની ખબરોની હકીકત જણાવતા પ્રિન્સ નરુલાએ ખુલાસો કર્યો હતો કે, તેના એક બ્લોગની વાતથી લોકોએ કંઈક જુદું જ અર્થઘટન કાઢ્યું હતું. પ્રિંસે કહ્યું હતું કે તે સમય તેમના માટે ખુબ જ તનાવપૂર્ણ રહ્યો હતો. તે સમયગાળા દરમિયાન તેઓ પોતાના નવા ઘરનું કામ કરાવી રહ્યા હતા.
આ સાથે તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફને પણ સાંભળી રહ્યા હતા. પ્રિન્સની એવી ઈચ્છા હતી કે, તેમનું બાળક નવા ઘરમાં પોતાના પગલાં માંડે.ઘરના રિનોવેશનના કારણે ત્યાં ઘણી ધૂળ-માટી હતા,જેનાથી યુવિકાને એલર્જી ના થાય, તેના લીધે પ્રિંસે તેને અમુક સમય સુધી તેના પિયર શિફ્ટ થવા માટેની સલાહ આપી હતી.
આ સંબંધનો અંત નથી
એ જ સમયે પ્રિંસે એક વ્લોગમાં કહ્યું હતું કે 'અમે હવે સાથે નથી રહેતા', જેનો સીધો અર્થ એવો હતો કે અંતરના લીધે તેઓ અલગ અલગ ઘરોમાં રહે છે, પણ લોકોએ એવું માની લીધું કે તેમના સબંધનો અંત આવી ચુક્યો છે. કપલે કહ્યું કે, શરૂઆતમાં તેઓ આ અફવાઓથી ચિંતામાં ઘેરાયા હતા પણ ત્યારબાદ તેમને એવો અહેસાસ થયો કે બહારની દુનિયાને કોઈ ચોખવટ કરવાની જરૂર નથી.
માતા બન્યા બાદ યુવિકાએ પોતાના અનુભવો પર વાત કરતા ડિલિવરી પછી થનારા શારીરિક અને માનસિક બદલાવો પર ખુલીને ચર્ચા કરી હતી. તેણે જણાવ્યું હતું કે, આ સફર માનસિક અને શારીરિક બન્ને રૂપથી ખુબ મુશ્કેલ હતી. વજન વધવાના લીધે તેનો આત્મવિશ્વાસ ઘણો ઓછો થઈ ગયો હતો.
અલગ લડાઈ લડી હતી
તે પોતાની અંદરની એક અજીબ લડાઈ લડી રહી હતી. યુવિકાના મતે તે સમયે વ્યક્તિ બહારની દુનિયાને ભૂલી પોતાના ઈમોશન્સ સામે જજુમી રહ્યો હોય છે. કેટલીકવાર તમે એવી આશા કરો છો કે કોઈ આવીને તમને સમજે અને સાંત્વના આપે, પરંતુ હકીકતમાં આ તમારી પોતાની એક અંગત યાત્રા હોય છે. જે બધા સમજી શકતા નથી.
શૉ દરમિયાન જ્યારે અંગદ બેદીએ યુવિકાને પૂછ્યું કે, તેણે આ બધી પરિસ્થિતિમાંથી પોતાને કઈ રીતે ઉગારી ત્યારે યુવિકા પોતાના આંસુ રોકી શકી નહોતી અને તે રડવા લાગી હતી. આ સમયને તેણે પોતાના જીવનનો સૌથી મુશ્કેલ દૌર કહ્યો હતો. યુવિકાએ ભાવુક થતા યાદ કર્યું હતું કે, એક તરફ તે પોતાના પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી લડી રહી હતી, બીજી તરફ તેને પ્રિન્સના એંક્ઝાયટીના મુશ્કેલ સમયનું પણ ધ્યાન રાખવાનું હતું.
આ કપરા સમયમાં ફક્ત એક જ વિચારે તેને તૂટવા દીધી નહોતી, તે એ કે તેમના આ મુશ્કેલીના સમયની અસર તેમના માસુમ બાળક પર ન પડવી જોઈએ. યુવિકાની આ વાત સાંભળીને શૉ ના હોસ્ટ નેહા અને અંગદ પણ ઈમોશનલ થયા હતા.