Thu Jul 09 2026

Logo

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર! અનેક જિલ્લાઓમાં એલર્ટ, 100થી વધારે રસ્તાઓ બંધ

2026-07-09 21:59:52
Author: Mumbai Samachar Team
Article Image

ચમૌલીઃ ઉત્તરાખંડ રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાક પૂરા થતા પડેલા વરસાદે તારાજી વેરી છે. નદીમાં પાણીનું સ્તર વધતા મુશ્કેલીઓમાં વધારો થયો હતો. પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થવાને કારણે પરિવહન સેવાને માઠી અસરી થઈ હતી. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદને કારણે નદીઓના પાણીનું સ્તર વધી ગયું છે અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે, જેના કારણે રાજ્યભરના 107 રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે દેહરાદૂન સહિત સાત જિલ્લાઓમાં ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' અને બાકીના જિલ્લાઓ માટે ગુરુવાર માટે 'ઓરેન્જ એલર્ટ'  જાહેર કર્યું છે. તંત્ર દ્વારા સતત સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એકથી વધારે રસ્તાઓ બંધ થવાના કારણે પરિવહન સેવાને માઠી અસર થઈ છે. 

સાવધાની એ જ સુરક્ષા

સમગ્ર ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે વહીવટીતંત્રને સતર્ક રહેવા અને સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે.સતત વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે રસ્તાઓ પર લાંબા અંતર સુધી માટી-માટી, પથ્થર જોવા મળ્યા હતા. આ કારણે પરિવહન સેવા ખોરવાઈ ગઈ હતી. વરસાદને કારણે દેહરાદૂન સહિત ચાર જિલ્લાઓમાં ધોરણ 1 થી 12 સુધીની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.  હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે, ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં ગઢવાલ અને કુમાઉ બંને પ્રદેશોમાં અનેક સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદ નોંધાયો છે.વરસાદનો આ માહોલ આગામી 48 કલાક સુધી ચાલું રહેશે, મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જોકે, કેટલાક વિસ્તારોમાં ભારેથી ખૂબ ભારે, અથવા તો અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ

દહેરાદૂન જિલ્લામાં અનેક સ્થળોએ વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સુરક્ષાના કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે.  જેને લઈને ખાસ ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે.  વરસાદને કારણે, ગંગા, યમુના અને તેમની ઉપનદીઓ પૂરમાં છે અને ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. વિભાગે સાત જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. જેમાં દહેરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર, ઉધમ સિંહ નગર, નૈનિતાલ અને ચંપાવતનો સમાવેશ થાય છે. શુક્રવાર માટે ઉધમ સિંહ નગર, નૈનિતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે પણ 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.  દહેરાદૂન, પૌરી અને બાગેશ્વર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ'આપવામાં આવ્યું છે. શનિવારે દહેરાદૂન, પિથૌરાગઢ, ઉધમ સિંહ નગર, ચંપાવત, નૈનિતાલ અને બાગેશ્વરમાં ભારે વરસાદની સંભાવના છે.આ માહોલમાં કોઈ જોખમ ન લેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. પિથૌરાગઢ પાસે જ એ રસ્તો પસાર થાય છે જ્યાંથી મોટી સંખ્યામાં ભાવિકો કૈલાશયાત્રા માટે નીકળે છે.