નવી દિલ્હીઃ તાજેતરમાં પશ્ચિમ એશિયાના વિવાદ દરમિયાન પણ દેશની ખાસ કરીને ફર્ટિલાઈઝરની પુરવઠાચેઈન નથી ખોરવાઈ અને ફર્ટિલાઈઝર અને કાચા માલનું વહન કરતાં 20 વેસલ પૈકી 15 વેસલે સલામતીપૂર્વક સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પસાર કર્યો હોવાનું રસાયણ ખાતર મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે.
પસાર થયેલા 15 વેસલ પૈકી આઠ વેસલમાં 3.32 લાખ ટન યુરિયા, ચાર વેસલમાં 2.57 લાખ ટન ડીએપી (ડાય એમોનિયમ ફોસ્ફેટ) અને ત્રણ વેસલમાં 1.11 લાખ ટન સલ્ફર છે અને આ વેસલ ભારતીય બંદર તરફ આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રત્યેક 25,000 ટન એમોનિયા અને 45,000 ટન યુરિયા સહિતના પાંચ વેસલ પાઈપલાઈનમાં છે. તેમ જ યુરિયાના વધુ બે વેસલ અને એક સલ્ફરનું વેસલ લોડિંગ થઈ રહ્યું છે અને તેનું શિપમેન્ટ સમયસર પહોંચશે, એમ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું.
મંત્રાલયના જણાવ્યાનુસાર યુરિયાના પુરવઠાનો બંદોબસ્ત ઓમાન, મલયેશિયા, વિયેટનામ જ્યોર્જિયા, નાઈજીરિયા, રશિયા, ફિનલેન્ડ, ઈજિપ્ત, એલ્જેરિયા, તુર્કિય અને નેધર્લેન્ડથી કરવામાં આવ્યો હતો, જ્યારે ડીએપી અને એનપીકેના પુરવઠાનો બંદોબસ્ત રશિયા, મોરોક્કો, ઈજિપ્ત, અમેરિકા, જોર્ડન, દક્ષિણ કોરિયા, તુનિશિયા અને સાઉદી અરેબિયાથી રાતા સમુદ્ર મારફતે કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના વિવાદને કારણે વૈશ્વિક પુરવઠાચેઈન પર માઠી અસર પડતા ફર્ટિલાઈઝરના ભાવમાં વધારો થયો હતો અને શિપમેન્ટના પરિવહનના સમયગાળામાં વધારો થયો હતો. આ માઠી અસરોથી ભારત પણ બાકાત નહોંતુ જોકે, સરકારે ખેડૂતોના હિત જાળવવાની સાથે પુરવઠાસ્થિતિ પણ જાળવી છે.
Chat GPT Generated Image