Fri Jul 10 2026

Logo

યોગરાજ સિંહ જ્યારે પિસ્તોલ લઈને કપિલ દેવના ઘરે પહોંચી ગયા હતા!: કપિલે કહ્યું, `મને કડવા સ્વભાવ કરતાં ખુશમિજાજી લોકો વધુ ગમે

2026-07-09 22:37:18
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવ અને સાધારણ કારકિર્દી ધરાવતા પેસ બોલર યોગરાજ સિંહ ભારત વતી ઘણી મૅચો સાથે રમ્યા હતા, તેમના નાનપણના એક જ કોચ (દેશ પ્રેમ આઝાદ) હતા, પરંતુ તેમને અલગ અલગ સ્તરની સફળતા મળી હતી અને ત્યાર બાદ બન્ને ભૂતપૂર્વ પેસ બોલર પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઈ ગયા, પરંતુ યોગરાજ સિંહે ઘણી વખત કપિલ દેવ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે જેનો કપિલે એક મુલાકાતમાં જવાબ આપ્યો છે.

યોગરાજ સિંહ (Yograj Singh)એ તો પોતાના પુત્ર યુવરાજ સિંહની કરીઅરને અસ્તવ્યસ્ત કરી નાખવાનો એમએસ ધોની સામે આક્ષેપ કર્યો હતો, પણ તેમની પોતાની જ વાત કરીએ તો એક મુલાકાતમાં તેમણે (યોગરાજ સિંહે) કહેલું કે `કપિલ જ્યારે ભારતનો, નૉર્થ ઝોનનો અને હરિયાણાનો કૅપ્ટન બન્યો હતો ત્યારે તેણે કારણ વિના મને ટીમમાંથી કાઢી મૂક્યો હતો.'

યોગરાજ સિંહે થોડા સમય પહેલાં એક મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે `મારી પત્ની (યુવીની મમ્મી) ઇચ્છતી હતી કે હું કપિલ પાસે જઈને કેટલાક સવાલના જવાબ માગું. મેં ત્યારે મારી વાઇફને કહ્યું કે હું કપિલ (Kapil)ના ઘરે જઈને તેને પાઠ ભણાવીશ. મેં મારી પિસ્તોલ લીધી અને સેક્ટર નંબર-9માં કપિલના ઘરે પહોંચી ગયો હતો. મેં બૂમ મારી ત્યારે તે તેની મમ્મી સાથે બહાર આવ્યો હતો. મેં તેને એક ડઝન ગાળ આપી હતી. મેં તેને સંભળાવી દીધું કે તારા કારણે મેં સારો મિત્ર ગુમાવ્યો છે એટલે તારે એની આકરી કિંમત ચૂકવવી પડશે.'

પુત્ર યુવરાજ સિંહ એક ઇન્ટરવ્યૂમાં પિતા યોગરાજ સિંહ વતી કપિલ દેવની માફી માગતા નિવેદનો આપ્યા હતા. જોકે કપિલ દેવે યુવી વિશે કહ્યું, `તેણે આવી માફી માગવાની કોઈ જરૂર નથી. જીવનમાં આવું તો બન્યા કરે. યુવી એવો મહાન ક્રિકેટર છે કે તેને લીધે આ રમતની લોકપ્રિયતા વધી હતી.'

યોગરાજ તમને એક મિત્ર તરીકે મળીને ભેટવા માગે છે, એવું કહેવામાં આવતાં કપિલે કહ્યું, `હું કટુતાવાળા લોકોને મળવાનું પસંદ નથી કરતો. મને તો ખુશમિજાજી લોકોને મળવાનું જ મન થાય. તો પણ, જો તે મને મળીને ભેટવા માગે છે તો મને કોઈ વાંધો નથી.'