બ્રિસ્ટલ: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટી-20 સિરીઝનો ચોથો મુકાબલો આજે (રાત્રે 10.00 વાગ્યાથી) છે જે ટીમ ઇન્ડિયાએ જીતવો જ પડશે. ભારત જો આજે અથવા શનિવારનો છેલ્લો મુકાબલો હારશે તો છેલ્લા આઠ વર્ષમાં ભારતે પહેલી વખત સતત બે ટી-20 સિરીઝ હારી કહેવાશે. ઇંગ્લૅન્ડ 2-0થી આગળ છે અને હવે બે મૅચ બાકી રહી છે.
આ નામોશીથી બચવા શ્રેયસ ઐયર અને તેની ટીમે આજે ગમેએમ કરીને જીતવું જ પડશે. છેલ્લે 2018-'19માં ભારત લાગલગાટ બે ટી-20 શ્રેણી હાર્યું હતું. આ વખતે તો ભારત ટી-20માં વર્લ્ડ નંબર-વન છે અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન પણ છે. એ બધું જોતાં, ભારતની યુવા ટી-20 ટીમે હવે દેશની આબરૂ બચાવવી જ પડશે.
બ્રિસ્ટલમાં ભારતનો રેકૉર્ડ બહુ સારો છે
ઇંગ્લૅન્ડના બ્રિસ્ટલમાં ભારત 1999થી લઈને અત્યાર સુધીમાં ત્રણ વન-ડે સહિત કુલ ચાર મૅચ રમ્યું છે અને ચારેયમાં ભારત (India)નો વિજય થયો છે. છેલ્લે અહીં 2018માં ભારતે ઇંગ્લૅન્ડને ટી-20માં સાત વિકેટે હરાવ્યું હતું. બ્રિસ્ટલ (Bristol) હાઈ-સ્કોરિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. જોકે આ મેદાન પર રમાયેલી છેલ્લી પાંચ મૅચમાં સરેરાશ સ્કોર 156 રનનો રહ્યો છે.
ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ભારતને ગયા અઠવાડિયે આયરલૅન્ડે સીરિઝમાં 2-0થી હરાવ્યું અને હવે ઇંગ્લૅન્ડ પણ હરાવશે તો શ્રેયસ ઐયરની નવી કેપ્ટન્સી જોખમમાં મુકાઈ જશે અને હેડ-કોચ ગૌતમ ગંભીરની ગાદી પણ હાલકડોલક થશે.

બે મૅચથી સંજુ સૅમસનને ટીમની બહાર રાખીને વૈભવ સૂર્યવંશીને રમવાની તક આપવામાં આવી એ મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. આજે પ્લેઈંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે નહીં એના પર સૌની નજર રહેશે. ભારત પાસે પાંચ ખેલાડી રીઝર્વમાં છે: સંજુ સૅમસન, વોશિંગ્ટન સુંદર સૂર્યાંશ શેડગે, રવિ બિશ્ર્નોઈ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
બંને દેશની સંભવિત પ્લેન ઇલેવન:
ભારત: શ્રેયસ ઐયર (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી/સૅમસન, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે/સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ/વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને વરુણ ચક્રવર્તી.
ઇંગ્લૅન્ડ: હૅરી બ્રૂક (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), ફિલ સૉલ્ટ, જેકબ બેથેલ, ટૉમ બૅન્ટન, સૅમ કરૅન, વિલ જૅક્સ, લિઆમ ડૉસન, આદિલ રાશીદ, જોફ્રા આર્ચર અને જૉશ ટન્ગ.