Sat Sep 05 2026

Logo

બર્થ-ડે બૉય ધોનીની નજર સામે ટીમ ઇન્ડિયા સૌથી ખરાબ રીતે હારી

Trent Bridge   2026-07-08 17:39:18
Author: Ajay Motiwala
બર્થ-ડે બૉય ધોનીની નજર સામે ટીમ ઇન્ડિયા સૌથી ખરાબ રીતે હારી

45મા જન્મદિને માહીએ ઇશારાથી ચાહકને કહ્યું, `હવે મારી ઉંમર થઈ...દાઢી સફેદ થઈ ગઈ...બરાબર ચાલી પણ નથી શકતો'

ટ્રેન્ટ બ્રિજઃ 2007માં ભારત એમએસ ધોનીના સુકાનમાં સૌથી પહેલો ટી-20 વર્લ્ડ કપ જીતી હતી અને એ ઉપરાંત માહીના નેતૃત્વમાં ભારત અનેક મૅચો જીત્યું છે, પણ મંગળવારે સાતમી જુલાઈએ ટીમ ઇન્ડિયાએ ટ્રેન્ટ બ્રિજ (Trent Bridge)ના એક સ્પેશિયલ લાઉન્જમાં બેઠેલા બર્થ-ડે બૉય ધોનીને ખૂબ નિરાશ કર્યો હતો. ધોનીની નજર સામે શ્રેયસ ઍન્ડ કંપનીનો ઇંગ્લૅન્ડ સામે 125 રનથી પરાજય થયો હતો અને ભારતના ટી-20 ઇતિહાસમાં આ સૌથી ખરાબ પરાજય હતો.

મંગળવારે ધોની (Dhoni)નો 45મો જન્મદિન હતો અને એને તેણે સ્ટેડિયમમાં ભારતની મૅચ જોઈને ઉજવવાનું નક્કી કર્યું હતું, પણ ભારતીયો પોતાના ટી-20 ઇતિહાસમાં (રનના માર્જિનની ગણતરીએ) સૌથી ખરાબ રીતે હારી ગયું. બીજી રીતે કહીએ તો ધોનીની હાજરી પણ ઘણા યુવા ખેલાડીઓથી બનેલી ભારતની ટી-20 ટીમને જીતાડી નહોતી શકી.

દાઢી પર હાથ ફેરવીને ઇશારાથી કહ્યું...

એક તબક્કે માહી સ્ટૅન્ડમાં ઊભો હતો ત્યારે કેટલાક ચાહકોએ તેને કહ્યું કે નિવૃત્તિ પાછી ખેંચીને ફરી ભારત વતી રમવા આવી જા. ધોનીએ ઇશારાથી ચાહકને કહ્યું, `હવે મારી ઉંમર થઈ...દાઢી સફેદ થઈ ગઈ...હું બરાબર ચાલી પણ નથી શકતો.'

2020માં નિવૃત્તિ જાહેર કરી

ધોની છેલ્લે 2019માં વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારત વતી રમ્યો હતો. તેણે 2020માં રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તેણે દોઢ દાયકાની શાનદાર કરીઅર દરમ્યાન કુલ 538 મૅચમાં 17,266 રન બનાવ્યા હતા અને સ્ટમ્પ્સની પાછળથી કુલ 829 શિકાર કર્યા હતા.

ધોનીને ચાહકો ઘેરી વળ્યા

નૉટિંગમમાં ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમની બહાર અસંખ્ય ચાહકો તેમ જ કૅમેરામેન અને પત્રકારો ધોનીને ઘેરી વળ્યા હતા. ધોની આસાનીથી પોતાની કાર સુધી નહોતો જઈ શક્યો. સલામતી રક્ષકો અને મિત્રોની મદદથી ધોની સ્ટેડિયમનો દરવાજો પકડીને આગળ વધ્યો હતો અને પોતાની કાર સુધી પહોંચ્યો હતો.