અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એકબાજુ પડી ગયેલા ખાડાનું પુરાણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે એવામાં ગુરુવારે રાત્રે અચાનક એક વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિ નીચે દબાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે રેસક્યૂ ઑપરેશન કરીને એને બાહર કાઢ્યો હતો. આ ઘટનામાં બે રિક્ષા અને એક ઈ વ્હીકલને નુકસાન થયું હતું. જ્યારે આ ઘટના બની એ સમયે એ યુવત ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે ફાયર સ્ટાફ, સ્થાનિક પોલીસ તથા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ફાયરની ટીમે ઝાડના મૂળીયા તથા ડાળીઓ કાપવાનું શરૂ કરી દીધું હતું.
રસ્તો ખુલ્લો કરવા ઝાડ કપાયું
શહેરના ખાનપુર વિસ્તારમાં ભાજપના કાર્યાલય નજીક આ ઘટના બની હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાની કચેરી પાસે આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ વૃક્ષ વર્ષો જુનુ હોવાનું માનવામાં આવે છે. ઝાડની નીચે દબાઈ ગયેલો વ્યક્તિ પાર્સલ બોય હતો અને પાર્સલ માટે આવ્યો હતો.યુદ્ધના ધોરણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ ટીમ પણ ઘટનાના પગલે પહોંચી હતી. ફાયર વિભાગની બે ગાડી ખાનપુર પહોંચી ગઈ હતી. યુવાનને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ખાનપુરથી અંદર જવાના માર્ગ પર વૃક્ષ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા પરથી ઝાડને દૂર કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. કટરની મદદથી વૃક્ષને કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તો ખુલ્લો કરવા માટે પગલાં લેવાયા હતા.
બે વ્યક્તિઓને ગંભીર ઈજા
આ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં પાર્કિગમાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના બાદ હવે ખાનપુરમાં વૃક્ષ પડતા દોડધામ મચી ગઈ હતી. વૃક્ષ પડવાને કારણે રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનો તેની નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ખાસ કરીને ખાનપુરથી બ્રિજ તરફ જવાના રસ્તા પર અને બ્રીજ ઊતરતા ખાનપુર જવાના રસ્તા પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એક યુવક પર વૃક્ષ પડ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા પણ પહોંચી છે.