વડોદરાઃ રાજકોટની મોડલ પર રેપના કેસમાં ફસાયેલા વડોદરાના બિઝનેસમેને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. બિઝનેસમેનના પત્નિએ મોડલ સામે પતિને આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
શું છે મામલો
મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધતી 36 વર્ષીય મોડગ સાથે પ્રેમજાળ રચી, રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું નાટક કરી વડોદરાના બિઝનેસમેને શારીરિક શોષણ કર્યા બાદ પરિવાર લગ્ન નહીં સ્વીકારે તેમ કહી યુવતીને તરછોડી દીધી હતી અને વિરોધ કરતાં અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
મોડલને ચાર વર્ષ પહેલાં બનેલી પ્રોફાઇલ પર એક વર્ષ અગાઉ વડોદરાના બિઝનેસમેને સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે અપરિણીત હોવાનું અને કન્સ્ટ્રક્શન તેમજ કોલ્ડ સ્ટોરેજ બિઝનેસમાં ભાગીદાર હોવાનો દાવો કર્યો હતો. મોડલે યુવતીએ પોતે અનુસૂચિત સમાજમાંથી આવતી હોવાની સ્પષ્ટતા કરી છતાં પાર્થે પરિવારે આ બાબતે કોઈ વાંધો ન હોવાનો ભરોસો આપ્યો હતો.
બિઝનેસમેન અવારનવાર રાજકોટ આવી યુવતીને અમદાવાદ શૂટિંગ માટે કારમાં લઈ જતો હતો. ગત 21 માર્ચે મોડું થવાનું બહાનું કાઢી શાપર સ્થિત લોર્ડ્સ ઇકો ઇન હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા. બિઝનેસમેન વાપી જઈ યુવતીના પરિવારજનોને પણ મળ્યો હતો અને લગ્નની ખાતરી આપી હતી. ત્યારબાદ 11 ઓગસ્ટે વાપીથી યુવતીને વડોદરા લઈ જઈ રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું તૈયાર કરાવ્યું હતું. અત્યારે રજિસ્ટર મેરેજ કરી લઈએ, પછી સામાજિક વિધિ કરીશું કહી વોટ્સએપ પર એક કથિત મેરેજ સર્ટિફિકેટ મોકલી દીધું હતું. આ દરમિયાન આરોપીએ અલગ-અલગ સ્થળે શારીરિક શોષણ કરી અંગત પળોના વીડિયો-ફોટા કેમેરામાં કેદ કરી લીધા હતા.
મોડલે વિધિવત સામાજિક લગ્નની તારીખ નક્કી કરવા દબાણ કરતાં બિઝનેસમેને અસલી રંગ બતાવ્યો હતો. જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી સંબંધ તોડી નાખ્યો હતો. મોડલે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં પાર્થે અંગત પળોના ફોટો-વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી.
આ દરમિયાન બિઝનેસમેનની પત્નિએ મોડલ સામે તેના પતિ પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ રાજકોટ પોલીસમાં ફરજ બજાવતાં તેના ભાઈ માફરતે સતત ધમકી આપવામાં આવતી હતી તેમ જણાવ્યું હતું. મોડલના ત્રાસથી તેના પતિએ 10 દિવસ પહેલા દવાનો ઓવરડોઝ લીધો હતો. બિઝનેસમેનની પત્નિએ મોડલ સામે પતિને આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતાં મામલો ટૉક ઓફ ધ ટાઉન બન્યો હતો.