ફરીદાબાદઃ હરિયાણાના ફરીદાબાદમાં એક દુઃખદ ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં 250 ફૂટ ઊંડા બોરવેલમાં ત્રણ વર્ષની બાળકી પડી ગઈ હતી. તેને બહાર કાઢવા માટે સતત 10 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ દીકરીને આજે સવારે ચાર વાગ્યે બહાર કાઢી લેવામાં આવી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હોવાથી તબીબોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ રેસ્ક્યુ ઓપરેશન 10 કલાક સુધી ચાલ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રેસ્ક્યુ ઓપરેશન 10 કલાક સુધી ચાલ્યું હતું. રેસ્ક્યુ કરીને ત્રણ વર્ષની દીકરી નેહાને આજે સવારે 4 વાગે બહાર કાઢી લેવામાં આવી હતી. દીકરીને બહાર કાઢ્યાં પછી તેના શરીરમાં કોઈ હલચલ જોવા મળી નહીં, એટલે સત્વરે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા તબીબોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. અત્યારે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ સાથે પોલીસ પણ પોતાની તપાસ કરીને બાળકીના મૃતદેહને પરિવારને સોંપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી ઘટના
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, આ ઘટના શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ સીહી ગામમાં બની હતી. ટ્રેક્ટર પર રમી રહેલી બાળકીનો પગ લપસી ગયો અને તે ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. આ મામલે જાણ થતાની સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. જો કે, આ દરમિયાન રાત થઈ ગઈ હોવાથી અંધારૂ થઈ ગયું હતું. જેથી ટીમ દ્વારા આસપાસ લાઈટો ચાલુ કરવામાં આવી અને બોરવેલમાં કેમેરા મુકવામાં આવ્યો હતો. રેસ્ક્યુ દરમિયાન બાળકીના રોવાનો અવાજ આવ્યો હોવાથી રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી હતી. અથાગ પ્રયત્નો કરવામાં આવ્યાં તેમ છતાં બાળકીનો જીવ બચી શક્યો નહીં.