હરમનપ્રીત ઍન્ડ કંપનીનો નૅટ સિવર-બ્રન્ટની ટીમ સામે મુકાબલોઃ ક્રિકેટના આ મક્કામાં પુરુષોની પ્રથમ ટેસ્ટ 1884માં રમાઈ
લંડનઃ લૉર્ડ્સનું ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટની રમતનું મક્કા ગણાય છે અને અહીં શુક્રવાર, 10મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ) ભારત તથા ઇંગ્લૅન્ડની મહિલા ટીમ વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ-મૅચ શરૂ થશે અને એ સાથે મહિલા ક્રિકેટના ઇતિહાસ (History)માં નવું પ્રકરણ શરૂ થશે જેમાં ભારતનું નામ અચૂક લખાશે.
હરમનપ્રીત કૌર ભારતીય ટીમની કૅપ્ટન છે, જ્યારે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ વતી હરમનના સુકાનમાં રમી ચૂકેલી ઑલરાઉન્ડર નૅટ-સિવર-બ્રન્ટ ઇંગ્લૅન્ડની સુકાની છે. હજી ત્રણ દિવસ પહેલાં (રવિવારે) લૉર્ડ્સ (Lord's)માં ઇંગ્લૅન્ડની ટીમ મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોવાથી તેમનો જોશ થોડો ઓછો હશે, પણ ભારત સામે ચાર દિવસની ટેસ્ટ (Test) રમાશે એટલે એ અલગ ફૉર્મેટમાં બ્રિટિશ ટીમ નવા અવતાર સાથે રમવા ઉતરશે.
1999 સુધી મહિલાઓને એન્ટ્રી નહોતી!
માર્ચ, 1999 સુધી લૉર્ડ્સમાં ક્રિકેટના ઘડવૈયા મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)માં તેમ જ પૅવિલિયનમાં મહિલા પ્રેક્ષકોને આવવાની મનાઈ હતી, પરંતુ 27 વર્ષ બાદ હવે નૅટ સિવર-બ્રન્ટના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની મહિલા ટીમ શાનથી એ જ ઐતિહાસિક સ્થાનમાંથી (લૉન્ગ રૂમમાંથી પસાર થઈને) મેદાન પર આવશે અને ભારત સામેનો ટેસ્ટ જંગ શરૂ કરશે.
મહિલાઓ માટે કેમ આટલો સમય લાગ્યો?
લૉર્ડ્સમાં પહેલી વખત પુરુષોની ટેસ્ટ જુલાઈ, 1884માં (142 વર્ષ પહેલાં) ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી જેમાં લૉર્ડ હૅરિસના સુકાનમાં ઇંગ્લૅન્ડે બિલી મુર્ડોકની ઑસ્ટ્રેલિયન ટીમ સામે એક દાવ અને પાંચ રનથી વિજય મેળવ્યો હતો.
લૉર્ડ્સ ગ્રાઉન્ડના ચમકારા...
(1) લૉર્ડ્સમાં પ્રથમ મહિલા ક્રિકેટ મૅચ 50 વર્ષ પહેલાં રમાઈ હતી.
(2) ઇંગ્લૅન્ડમાં મહિલાઓની ટેસ્ટ મૅચો 1937થી રમાય છે. કુલ પંચાવન ટેસ્ટ ઇંગ્લૅન્ડમાં કુલ 19 સ્થળે રમાઈ છે, પણ ક્યારેય લૉર્ડસમાં વિમેન્સ ટેસ્ટ નથી રમાઈ.
(3) છેક 2023માં ઇન્ડિપેન્ડન્ટ કમિશન ફૉર ઇક્વાલિટી ઇન ક્રિકેટ નામની સંસ્થાએ લૉર્ડસમાં ક્યારેય ટેસ્ટ મૅચ ન રાખવા બદલ નર્યો ભેદભાવ થઈ રહ્યો હોવાનો અહેવાલ આપ્યો હતો અને ત્રણ વર્ષે (2026માં) એ અહેવાલનો પડઘો પડ્યો અને એમસીસીએ (છેક 142 વર્ષે) લૉર્ડસમાં પહેલી વખત મહિલાઓની ટેસ્ટ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. બ્રિટિશ મહિલા ટીમની હેડ-કોચ શાર્લોટ એડવર્ડ્સ કહે છે, `અમારી ટીમ માટે તેમ જ ભારત માટે આ ઐતિહાસિક ટેસ્ટ મૅચ છે.'
(4) ભારતીય મહિલા ટીમને ઇંગ્લૅન્ડે ટેસ્ટમાં હરાવ્યું હોય એવું 1995માં (31 વર્ષ પૂર્વે) બન્યું હતું. એ ટેસ્ટ જમશેદપુરમાં રમાઈ હતી. એટલે ભારત 1995 પછી ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ નથી હાર્યું.
(5) બન્ને દેશ વચ્ચે 15 ટેસ્ટ રમાઈ છે જેમાંથી ત્રણ ભારતે અને એક ઇંગ્લૅન્ડે જીતી છે. 11 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.
(6) મહિલા ટેસ્ટ પાંચ નહીં, પણ ચાર દિવસની હોય છે. દરેક દિવસે ઓછામાં ઓછી 100 ઓવર બોલિંગ થવી જોઈએ. ફૉલો-ઑનના માપદંડ માટેના રન 200 નહીં, પણ 150 હોય છે.
(7) મહિલાઓમાં પાંચ દિવસની ફક્ત બે ટેસ્ટ રમાઈ છે અને એમાં પાંચમા દિવસે રમવું મહિલા ખેલાડીઓને ખૂબ ગમ્યું હતું.
(8) ભારતીય મહિલાઓની ટેસ્ટ છેલ્લે આ વર્ષના માર્ચમાં ઑસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. એ પિન્ક બૉલ ટેસ્ટમાં ભારત 10 વિકેટે હારી ગયું હતું. 2025માં ભારતની એકેય ટેસ્ટ નહોતી રમાઈ અને 2024માં ફક્ત એક ટેસ્ટ રમાઈ હતી. ઇંગ્લૅન્ડની મહિલા ટેસ્ટ છેલ્લે જાન્યુઆરી, 2025માં રમાઈ હતી.
(9) ઇંગ્લૅન્ડમાં (મિતાલી રાજના સુકાનમાં) ભારતીય મહિલા ટીમ છેલ્લે 2014માં (વૉર્મ્સ્લીમાં) રમાઈ હતી જેમાં સ્મૃતિ મંધાના સારું રમી હતી.
(10) બૅટર હર્લીન દેઓલ, સ્પિનર શ્રી ચરની તથા ફાસ્ટ બોલર નંદની શર્મા ભારતની ટેસ્ટ ટીમમાં છે અને તેઓ ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. ઓપનર પ્રતીકા રાવલ ઈજાને લીધે નથી રમવાની. તેના સ્થાને પ્રિયા પુનિયાને ટીમમાં સમાવાઈ છે.
બન્ને દેશની ટીમ
ભારતઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમા રૉડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, હર્લીન દેઓલ, ક્રાંતિ ગૌડ, પ્રિયા પુનિયા, સ્નેહ રાણા, રેણુકા સિંહ, સાયલી સતઘરે, નંદની શર્મા અને શ્રી ચરની.
ઇંગ્લૅન્ડઃ નૅટ સિવર-બ્રન્ટ (કૅપ્ટન), એમી જોન્સ (વિકેટકીપર), ટૅમી બ્યૂમૉન્ટ, લૉરેન બેલ, હીધર નાઇટ, મારિયા બાઉચિયર, ઍલિસ કૅપ્સી, ટિલી કૉર્ટીન-કોલમેન, સૉફી એકલ્સ્ટન, લૉરેન ફ્લાયર, એમ્મા લૅમ્બ, ગે્રસ પૉટ્સ, એલનૉર થે્રકેલ્ડ, મૅડી વિલિયર્સ અને ઇસ્સી વૉન્ગ.
કૅપ્શન...
હરમનપ્રીત કૌર ભારતની અને નૅટ સિવર-બ્રન્ટ ઇંગ્લૅન્ડની કૅપ્ટન છે.