Tue Jul 07 2026

Logo

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 5958નો અને સોનામાં રૂ. 1500નો કડાકો

2026-07-07 19:51:54
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરવાની ધમકી આપતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા લંડન ખાતે સતત બીજા સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1494થી 1500નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5958નો કડાકો બોલાઈ ગયો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું તેમ જ તાજેતરમાં ભાવ ઘટી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5858ના ઘટાડા સાથે રૂ. 2,27,200ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ જ્વેલરી ઉત્પાદકો, રોકાણકારો અને રિટેલ સ્તરની નિરસ માગ અને વિશ્વ બજારમાં નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1494ના ઘટાડા સાથે રૂ. 1,45,000ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1500 ઘટીને રૂ. 1,44,083ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન ગત જૂન મહિનામાં ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સતત 20માં મહિનામાં સોનાની લેવાલી જળવાઈ રહેતાં તેની સોનાની અનામત જે મે મહિનાના અંતમાં 7.496 કરોડ ફાઈન ટ્રોય આૈંસ હતી તે વધીને 7.544 કરોડ ફાઈન ટ્રોય આૈંસની સપાટીએ રહી હોવાના અહેવાલ હતા. તેમ જ હૉંગકૉંગે આજથી સોના માટે સેન્ટ્રલ ક્લિયરીંગ સિસ્ટમ શરૂ કરી હતી અને ડૉલર ગોલ્ડ ફ્યુચર ટ્રેડિંગ પુનઃ શરૂ કર્યું હોવાના અહેવાલ હતા. 

આંતરરાષ્ટ્રીય ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા 0.1 ટકાના સુધારા અને ક્રૂડતેલની મજબૂતી સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 4129.36 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને 4140.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.9 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 60.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની આવતીકાલે મિનિટ્સની જાહેરાત થવાની હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે સોના-ચાંદીમાં કોન્સોલિડેશન જળવાઈ રહ્યું હોવાનું એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે મિનિટ્સમાં ફુગાવા અને રોજગાર અંગે કેવું તારણ આપે છે અને આગામી નાણાનીતિ અંગે કોઈ અણસાર આપે છે કે કેમ તેના પર ટ્રેડરોની નજર છે. જોકે, આજે આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 58 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા. 

વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનને લશ્કરી કાર્યવાહીની ધમકી આપતા ઈરાનના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે જો અમેરિકા ધમકી આપવાનું બંધ નહીં કરે તો શાંતિ વાટાઘાટો ચાલુ નહીં રહી શકે. આમ આજે ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ વધી આવ્યા હતા. સામાન્યપણે ક્રૂડતેલના ભાવ વધતા ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવતી હોય છે અને ફુગાવામાં વૃદ્ધિ થવાની ભીતિને ધ્યાનમાં લેતા કેન્દ્રવર્તી બૅન્કો તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતા બળવત્તર બનતા સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવતા હોય છે.