Sat Sep 12 2026

Logo

લૂંટને ઇરાદે ટ્રક ડ્રાઈવરની હત્યા કરનારા બે રીઢા આરોપી પકડાયા

2026-08-22 17:30:37
Author: Yogesh C. Patel
લૂંટને ઇરાદે ટ્રક ડ્રાઈવરની હત્યા કરનારા બે રીઢા આરોપી પકડાયા

થાણે: ભિવંડીમાં લૂંટને ઇરાદે ગળું ચીરી ટ્રક ડ્રાઈવરની હત્યા બાદ ફરાર થઈ ગયેલા બે રીઢા આરોપીનું પગેરું પોલીસે 150થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરી શોધી કાઢ્યું હતું.
ભિવંડીના ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર પવન બનસોડે જણાવ્યું હતું કે ભિવંડીમાં રહેતા બન્ને આરોપી રમીઝ અબ્દુલ રશીદ અન્સારી (23) અને મોહમ્મદ અલકાઈશ પરવેઝ આલમ મોમીન (25)ની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાની ઘટના 16 ઑગસ્ટની રાતે ભિવંડી-થાણે બાયપાસ રોડ પર બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ બિહારના વતની પવન કુમાર કાજૂ મહાતો ટ્રક બાયપાસ પર રસ્તાને કિનારે પાર્ક કરી આરામ કરતો હતો ત્યારે બન્ને આરોપી ત્યાં આવ્યા હતા. ડ્રાઈવર પાસેની રોકડ લૂંટવાના પ્રયાસમાં તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. ગુસ્સે ભરાયેલા આરોપીએ તીક્ષ્ણ હથિયારથી ડ્રાઈવરનું ગળું ચીર્યું હતું.લોહીલુહાણ હાલતમાં મહાતો ડ્રાઈવર કૅબિનમાં ઢળી પડ્યો ત્યારે આરોપી તેની પાસેની રોકડ લૂંટી બાઈક પર ફરાર થઈ ગયા હતા. પ્રારંભિક તપાસમાં પોલીસને આરોપીઓની કોઈ માહિતી મળી નહોતી. હત્યારાઓની શોધ માટે અધિકારીઓની પાંચ ટીમ બનાવવામાં આવી હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.

ઘટનાને જોનારા સાક્ષીઓએ આપેલી માહિતી પરથી લૂંટારા જે દિશામાં ગયા હતા એ તરફ લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવાનું પોલીસે શરૂ કર્યું હતું. લગભગ 150 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પકડાયેલો અન્સારી રેકોર્ડ પરનો આરોપી છે, જ્યારે મોમીન વિરુદ્ધ ચોરીના 18 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)