Sun Aug 23 2026

Logo

એક ફોન માટે પિતા, પુત્ર અને માતાનું મૃત્યુ! સ્માર્ટફોનની જીદ અને બાળકોના માનસિક તણાવ સામે પેરેન્ટ્સ રાખો આ સાવચેતી

2026-08-22 17:14:47
Author: Darshana Visaria
Article Image

એક સ્માર્ટફોન અને તેની ઈએમઆઈની જીદ હસતા-રમતા આખા પરિવારને કાળના મુખમાં ધકેલી શકે છે, તેનો કાળજુ કંપાવનારો કિસ્સો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત ગૌતાલા વન્યજીવ અભયારણ્યની અંબા દરી ખીણમાંથી સામે આવ્યો છે. 

18 વર્ષના પુત્ર કુણાલ ચાંદગુડેએ પરિવારની જાણ બહાર ગુપચુપ મોંઘો આઈફોન ખરીદ્યો હતો. તેના હપ્તા ચૂકવવા માટે પૈસા માંગવા મુદ્દે ઘરમાં વિવાદ થતાં તે પહાડની ટોચ પર જઈને કૂદવા ઊભો રહ્યો હતો. માતા-પિતા હાથ જોડીને તેને નીચે ઉતરવા કરગરતા રહ્યા, પરંતુ કુણાલે નીચે કૂદવાનો પ્રયાસ કર્યો. તેને બચાવવા જતાં પિતા મુરલીધર ચાંદગુડેનું સંતુલન બગડ્યું અને પિતા-પુત્ર બંને સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા. નજર સામે પતિ અને એકના એક દીકરાને ગુમાવી ચૂકેલી લાચાર માતા સંગીતા ચાંદગુડેએ પણ આઘાતમાં એ જ ખીણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી.

મહારાષ્ટ્રમાં બનેલી આ ઘટના એ માત્ર એક અકસ્માત નથી, પરંતુ ડિજિટલ યુગમાં ટીનેજર્સની માનસિક સ્થિતિ, સોશિયલ મીડિયાનું દબાણ અને પેરેન્ટિંગ સામે મોટો ખતરો દર્શાવે છે.

ડિજિટલ યુગમાં બાળકોના મનમાં શું ચાલે છે?

મુંબઈના જાણીતા સાઈકિયાટ્રિસ્ટના જણાવ્યા અનુસાર આજની પેઢીના બાળકોના મગજ અને વર્તનને સમજવા માટે જૂની પદ્ધતિઓ કામ નહીં કરે. આજના ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરથી એટલી ઝડપથી માહિતી આવી રહી છે કે બાળકોનું મગજ તેને યોગ્ય રીતે પ્રોસેસ કરી શકતું નથી. મગજનો નિર્ણય લેવા માટેનો આગળનો ભાગ 24થી 25 વર્ષની ઉંમરે પૂર્ણ વિકસિત થાય છે, જેથી ટીનેજર્સ ઈમોશનલી ખૂબ નાજુક હોય છે. હવે બાળકોને મારીને કે ડરાવીને સુધારી શકાતા નથી. વધુ પડતી સખ્તાઈથી બાળક બદલો લેવાની વૃત્તિ કે આકરા પગલાં તરફ વળે છે. આ ઉપરાંત મિત્રો સાથે બ્રેકઅપ, સોશિયલ મીડિયા પર સુંદર દેખાવાનું પ્રેશર અને સાયબર બુલિંગના કારણે બાળકો પોતાની સેલ્ફ-વર્થ ગુમાવી બેસે છે.

પેરેન્ટ્સ માટે ચેતવણીના સંકેતો અને ક્યારે સતર્ક થવું?

વર્તનમાં અચાનક બદલાવ: બાળક અચાનક વધુ પડતો ગુસ્સો કરવા લાગે, ઊંઘ ગાયબ થઈ જાય કે ભૂખ મરી જાય.

પરિવારથી સંપૂર્ણ અલગ થઈ જવું: મિત્રો-પરિવારથી સાવ કટ થઈ જવું, અભ્યાસના ગ્રેડ્સમાં મોટો ઘટાડો થવો અને સતત ચિડચિડા રહેવું.

આત્મઘાતી વિચારો: જો બાળક નિરાશાની વાતો કરે, પોતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપે કે ઈન્ટરનેટ પર 'How to end life' જેવી બાબતો સર્ચ કરતું હોય, તો તેને ક્યારેય 'ઉંમરની અસર' કે 'બાળપણ' ગણીને નજરઅંદાજ ન કરવું.

પેરેન્ટિંગ ટિપ્સ: બાળકોને ડિજિટલ સંકટમાંથી કેવી રીતે બચાવવા?

પોલીસ નહીં, મિત્ર બનો: ઘરમાં જજ કે તપાસ અધિકારી બનવાને બદલે બાળક સાથે રોજેરોજ 10થી 15 મિનિટટ મુક્તમને સંવાદ કરો જેથી તે કોઈપણ ડર વગર પોતાની સમસ્યા કહી શકે.

ડિજિટલ હાઈજીન શીખવો: ગેજેટ્સ આપવાની સાથે તેમને સાયબર ફ્રોડ, અશ્લીલ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાના ખોટા દેખાડા વિશે સાચી માહિતી આપો.

સંવેદનશીલતાથી હેન્ડલ કરો: કોઈપણ ગેજેટ કે ફોનની કિંમત માનવ જીવનથી મોટી હોઈ શકતી નથી. બાળકની જીદને આક્રમક રીતે દબાવવાને બદલે શાંતિથી કાઉન્સેલિંગ કરો.

પ્રોફેશનલ સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવામાં અચકાશો નહીં: માનસિક સમસ્યા કોઈ પાગલપન નથી. જો બાળક સતત ડિપ્રેશનમાં રહેતું હોય તો તાત્કાલિક બાળ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.