Sat Sep 05 2026

Logo

એરફોર્સમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને 16 લાખ ખંખેર્યા, અમદાવાદમાં ગુનો નોંધાયો

2026-08-22 16:38:00
Author: Mumbai Samachar Team
એરફોર્સમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને 16 લાખ ખંખેર્યા, અમદાવાદમાં ગુનો નોંધાયો

રાજકોટ/અમદાવાદઃ ભારતીય વાયુસેનામાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાનું કહીને ગઠિયાઓએ યુવાનો સાથે 16 લાખ રૂપિયાની છેત્તરપિંડી કર્યાનો કિસ્સા સામે આવ્યો છે. આ સમગ્ર કેસમાં રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં કાલાવડ રોડ પાસે પ્રેમ મંદિરની પાછળ રહેતા અર્જુનસિંહ જાડેજાએ કરેલી આ ફરિયાદમાં આરોપી તરીકે પ્રજ્ઞેશ ગઢવીનું નામ આપ્યું છે. જે શિવ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ એજન્સી ચલાવે છે. 

મામલો આખો આવો છે
બે મહિના પહેલા જ્યારે ફરિયાદી જ્યારે મોરબીથી રાજકોટ આવી રહ્યો હતો એ સમયે ટંકારા પાસે મિત્ર પ્રજ્ઞેશ ગઢવીએ ફોન કર્યો. આમ તો ફરિયાદી સાથે ઘણી જૂની મિત્રતા હતી. ફરિયાદી પોતે કામ વગરના હોવાનું જણાવતા પ્રજ્ઞેશે કહ્યું કે, તે પોતે એરફોર્સમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. ડ્રાઈવર તરીકે જગ્યા ખાલી છે અને નોકરીમાં લાગવું હોય તો કહેજે, થઈ જશે.આ વાતમાં આવીને ફરિયાદીએ હા પાડી દીધી. આ પછી નોકરી માટે કેટલાક પૈસા આપવાની વાત આવી.આ માટે પણ ફરિયાદીએ હા પાડતા ગઢવી આગળ વધ્યો હતો. ગઢવીએ સમયાંતરે 12.30 લાખ રૂપિયા તથા રોકડા 3.74 લાખ રોકડા એમ મળીને કુલ 16 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.આટલા પૈસામાં તેના બીજા સગા-વ્હાલાઓને પણ નોકરીમાં રખાવી આપવાની વાત કરી હતી.પણ આરોપીએ હજુ સુધી કોઈને નોકરીએ લગાવ્યા નથી. માત્ર અર્જુનસિંહ જ નહીં, સાગરભાઈ સોલંકીએ 1.32 લાખ, પૂર્વજિતસિંહ રાણાએ 3.22 લાખ, પૃથ્વીરાજસિંહ ઝાલા પાસેથી 2.66 લાખ, ભવદિપસિંહ જાડેજા પાસેથી 86 હજાર એમ કુલ મળીને 16 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 

અમદાવાદમાં પણ ફરિયાદ થઈ
આ તમામ લોકોને ભારતીય વાયુ સેનામાં નોકરી આપવાની વાત કરીને આરોપીએ છેત્તરપિંડી કરી હતી. આ પછી આશંકા જતા જ્યારે આ લોકોએ પૈસા પરત માગ્યા એ સમયે તે બહાનાબાજી કરવા લાગ્યો હતો. પ્રજ્ઞેશ સામે માત્ર રાજકોટ જ નહીં પણ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે. અમદાવાદમાં પણ તે યુવાનોને નોકરીની લાલચ આપીને પૈસા ખંખેરવાનું કામ કરી રહ્યો હતો.આ અંગે અમદાવાદ પોલીસે પણ યોગ્ય પગલાં લઈને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ કરતા આરોપી એવું પણ કહી રહ્યો હતો કે તે, ગાંધીનગર એરફોર્સમાં છે.વોટ્સએપમાં કેટલાક ઓફરલેટર પણ બીજાને મોકલ્યા હતા. આ રીતે ઠગાઈ કરતા પોલીસ ચોપડે કાયદેસરની ફરિયાદ અમદાવાદ સાથે રાજકોટમાં પણ નોંધાઈ છે. પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને યોગ્ય દિશામાં પગલાં લેઈ રહી છે.

વધુ જુઓ...