Mon Sep 07 2026

Logo

રેલવેની નવી ટેકનોલોજી: ઈમરજન્સી બટન દબાવ્યા બાદ પણ એસ્કેલેટર માત્ર બે મિનિટમાં થશે રીસ્ટાર્ટ

2026-08-22 17:07:44
Author: Mumbai Samachar Team
રેલવેની નવી ટેકનોલોજી: ઈમરજન્સી બટન દબાવ્યા બાદ પણ એસ્કેલેટર માત્ર બે મિનિટમાં થશે રીસ્ટાર્ટ

મુંબઈ: મુંબઈના રેલવે સ્ટેશનો પર એસ્કેલેટર બંધ થવાની સમસ્યાથી ટૂંક સમયમાં રાહત મળશે. ભારતીય રેલવે દ્વારા એક એવી નવી સિસ્ટમ લાવવામાં આવી રહી છે, જેનાથી ખામી સર્જાયા બાદ એસ્કેલેટર માત્ર બે મિનિટમાં ફરી વાર શરૂ થઈ જશે.

હાલમાં, ઈમરજન્સી સ્ટોપ બટન દબાવવાથી બંધ થયેલું એસ્કેલેટર ફરી ચાલુ કરવામાં લગભગ 25 મિનિટનો સમય લાગે છે. આ નવી ટેકનોલોજી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા મંજૂર કરાયેલા સ્પેસિફિકેશન પર આધારિત છે.

મુંબઈના સબર્બન રેલવે સ્ટેશનો માટે આ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં દરરોજ હજારો મુસાફરો એસ્કેલેટરનો ઉપયોગ કરે છે. રેલવે બોર્ડે એસ્કેલેટર માટે જાળવણીના કડક નિયમો પણ લાગુ કર્યા છે. નવા લગાવવામાં આવતા એસ્કેલેટર માટે ઉત્પાદક કંપનીએ વોરંટી પૂરી થયા બાદ ઓછામાં ઓછા 15 વર્ષ સુધી મેન્ટેનન્સ આપવું પડશે.

રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા 16 જાન્યુઆરીએ જાહેર કરાયેલા નવા ટેકનિકલ ધોરણો બાદ રેલવે બોર્ડે 13 ઓગસ્ટે આ ગાઈડલાઈન બહાર પાડી છે. બોર્ડના નિર્દેશ મુજબ, RDSO દ્વારા નક્કી કરાયેલા ચેકલિસ્ટ મુજબ એસ્કેલેટરનું નિરીક્ષણ કરવું પડશે. આ નિરીક્ષણ માટે રેલવેના પ્રતિનિધિ તેમજ ઉત્પાદક કંપની બંનેની સંયુક્ત મંજૂરી જરૂરી રહેશે.

જૂના એસ્કેલેટર કે જેની કંપનીઓ હવે જાળવણી નથી કરતી, તેના માટે પણ નિયમો બનાવાયા છે. આવા એસ્કેલેટરનું રેલવે એક વખત સમારકામ કરાવી શકશે. સમારકામ બાદ કંપનીએ ઓછામાં ઓછા સાત વર્ષ સુધી મેન્ટેનન્સ આપવું પડશે. બોર્ડે એવો પણ નિર્દેશ આપ્યો છે કે ભીડવાળા અને સંવેદનશીલ સ્થળો પર જરૂર પડ્યે કર્મચારીઓને તૈનાત કરવાની જોગવાઈ વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં હોવી જોઈએ.

કોન્ટ્રાક્ટરોએ હવે સ્પેર પાર્ટ્સનો સ્ટોક પણ રાખવો પડશે, જેથી સમારકામમાં વિલંબ ન થાય. પશ્ચિમ રેલવેએ એસ્કેલેટરની જાળવણી પર નજર રાખવા માટે એક વેબપેજ પણ બનાવ્યું છે. આ સિસ્ટમ મેન્ટેનન્સ અને ફરજિયાત નિરીક્ષણને ટ્રેક કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ભારતીય રેલવે હવે આ મોનિટરિંગ સિસ્ટમને સમગ્ર નેટવર્કમાં વિસ્તારવા પર કામ કરી રહી છે. જેનાથી હજારો પ્રવાસીઓને રાહત મળશે.