નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં એકંદરે દેશમાં બફારાનું પ્રમાણ વધુ રહેતાં એર કન્ડિશનર સહિતનાં કૂલિંગ એપ્લાયન્સીસનાં વપરાશમાં દેશમાં પાવરનો વપરાશ સપ્ટેમ્બર, 2025ના 145.66 અબજ યુનિટ સામે 11.35 ટકા વધીને 162.19 અબજ યુનિટની સપાટીએ રહ્યો હતો.
નિષ્ણાતોના મતાનુસાર સપ્ટેમ્બર મહિનાના આરંભમાં ભેજવાળા હવામાનને કારણે વાસ્તવિક તાપમાન કરતાં વધુ તાપમાનની અનુભૂતિ થઈ રહી હોવાથી એર કન્ડિશનર સહિતનાં કૂલિંગ ઉપકરણોના વપરાશમાં વધારો થતાં વીજળીની માગ અને વપરાશમાં વૃદ્ધિ થઈ છે. જોકે, સપ્ટેમ્બરનાં બીજા પખવાડિયામાં વીજળીની માગ અને વપરાશમાં ઘટાડો થયો હતો.
વધુમાં ગત સપ્ટેમ્બર મહિનામાં પીક પાવર માગ સપ્ટેમ્બર, 2025ના 229.15 ગિગા વૉટ સામે વધીને 269.06 ગિગા વૉટની સપાટીએ રહી હતી, પરંતુ આગલા મે મહિનાની 270.82 ગિગા વૉટની વિક્રમ પીક પાવર માગની સરખામણીએ ઓછી રહી હતી. નોંધનીય બાબત એ છે કે પાવર મંત્રાલયે વર્ષ 2026ની ઉનાળાની મોસમ માટેની પીક પાવર માગનો અંદાજ 270 ગિગા વૉટનો રાખ્યો હતો. જોકે, ગત વર્ષ 2025ની ઉનાળાની મોસમ માટે સરકારે 277 ગિગા વૉટની પીક પાવર માગનો અંદાજ મૂક્યો હતો, પરંતુ સર્વોચ્ચ પીક પાવર માગ જૂન, 2025માં 242.77 ગિગા વૉટની સપાટીએ રહી હતી.
આગામી ઑક્ટોબર મહિનામાં તહેવારોની મોસમ હોવાથી ઔદ્યોગિક અને વાણિજ્યીક આવશ્યકતાઓને ધ્યાનમાં લેતા નિષ્ણાતો પાવરની માગમાં મક્કમ ધોરણે વૃદ્ધિ થવાનો આશાવાદ મૂકી રહ્યા છે.
ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)નાં જણાવ્યાનુસાર ઑક્ટોબર મહિનામાં દેશમાં વરસાદ સાધારણ કરતાં ઓછો અથવા તો લાંબાગાળાની સરેરાશનાં 85 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમ જ દેશભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન સાધારણ કરતાં ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી કૂલિંગ ઉપકરણોનાં વપરાશમાં વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.