Sat Aug 22 2026

Logo

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો, મહાદેવના નાદ સાથે શ્રીનગરથી રવાના થઈ છડી મુબારક

2026-08-22 17:27:14
Author: Mumbai Samachar Team
Article Image

શ્રીનગરઃ પવિત્ર અને આસ્થાના પ્રતિક સમાન અમરનાથ યાત્રા અંતિમ ચરણમાં છે. યાત્રા ખતમ થવાની પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન શિવ અને દેવી શક્તિની પ્રતિક સમાન છડી મુબારક શ્રીનગરથી ભક્તિભાવ સાથે રવાના થઈ ગઈ છે. આ પહેલા ખાસ પૂજા કરવામાં આવી હતી અને હર..હર...મહાદેવના નારા સાથે છડી આગળ વધી હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને જય શિવશંકરના નાદ સાથે પવિત્ર છડી મુબારક અમરનાથ ગુફા સુધી રવાના થઈ છે. અમરનાથ યાત્રામાં આ અંતિમ પૂજા દશનામી અખાડામાંથી નીકળે છે. વહેલી સવારે સૂર્યોદય થતાની સાથે જ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા શરૂ કરી દેવામાં આવી હતી. 

છડીનો રૂટ
દશનામી અખડાના મહંત દીપેન્દ્ર ગીરીએ પૂરી વિધિ-વિધાન સાથે, વૈદિક મંત્રોચ્ચાર અને મહાદેવજીની શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરી હતી. આ પછી છડી મુબારકને રવાના કરવામાં આવી. યાત્રા શરૂ કરતા પહેલા છડી પર અભિષેક કરવામાં આવ્યો હતો. આ છડી શ્રીનગરના પવિત્ર મંદિરમાંથી થઈને અનંતનાગના રસ્તેથી અમરનાથ ગુફા સુધી ગઈ અને ઐતિહાસિક માર્તંડ મંદિર સુધી પહોંચી હતી. એક માન્યતા અનુસાર છડી પૂજા શ્રાવણ મહિનાના પહેલા દિવસે પગલગાંવમાં લિદ્દર નદીના કિનારાથી શરૂ થઈ હતી. અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે પૂર્ણ થઈ રહી છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવા માટે આવે છે. જ્યારે છડી પૂજામાં દેશભરમાંથી સાધુ-સંતો જોડાય છે અને છડીની પૂજા અર્ચના કરે છે. ધ્વજની સજાવટ કરે છે. પહલગાંવ-ચંદનવાડીના રસ્તેથી થઈને છડી સાથે સાધુ-સંતો અમરનાથ ગુફા સુધી ચાલીને જાય છે. 

પૂજા વિધિ સાથે સમાપન
અમરનાથ યાત્રાની શરૂઆત છડી પૂજાથી અને સમાપન પણ અંતિમ પૂજા સાથે થાય છે. આને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રીનગરથી રવાના થયેલી યાત્રા 26 ઓગસ્ટ સુધી ચાલશે. આ પછી છડી મુબારકને લિદ્દર નદીમાં ફરી સ્નાન કરવાીને પછી દશનામી અખાડા સુધી લાવવામાં આવશે. મહંત દીપેન્દ્ર ગીરીએ કહ્યું હતું કે, શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની આઠમને શુભ દિવસ માનવામાં આવે છે. બ્રહ્મલીન મહાદેવ દ્વારા સ્થાપિત દસનામી અખાડાથી મુખ્યતીર્થ સુધી યાત્રા કાઢવામાં આવે છે. સાધુ સંતો સાથે છીડ મુબારક હોય છે. જેને શિવ અને શક્તિ માતાનું પ્રતિક માનવામાં આવે છે. ભૂતકાળમાં, અનંતનાગની યાત્રામાં પમ્પોર, બિજબેહરા અને ગૌતમ નાગમાં રાત્રિ રોકાણ થતું હતું, ત્યારબાદ માર્તંડ, ઐશમુકામ અને પહેલગામમાં રોકાણ થતું હતું. પહેલગામ પહોંચતા પહેલા અમે પરંપરાગત રોકાણ સ્થળોએ પ્રતીકાત્મક પ્રાર્થના કરીએ છીએ. 

છડી મુબારક બાદ યાત્રા પૂરી
રાત્રે તા.22 અને 23 ઓગસ્ટના રોજ અષ્ટમીની રાત્રે - અમે પહેલગામમાં આરામ કરીશું. અમે તા.24 ઓગસ્ટના રોજ ચંદનવાડી અને તા.25 ઓગસ્ટના રોજ શેષનાગમાં રોકાણ કરીશું, જે ત્રયોદશીનો દિવસ છે. ચતુર્દશીને લગતા ચંદ્ર કેલેન્ડરમાં થોડો ફેરફાર હોવાને કારણે અમે સામાન્ય રીતે પંચતરણીમાં એક રાત રોકાઈએ છીએ, પરંતુ આ વર્ષે અમે ત્યાં બે રાત રોકાઈશું, તા.26 અને 27 ઓગસ્ટના રોજ રોકાણ કરીશું. મહંતે આગળ સમજાવ્યું,તા.28 ઓગસ્ટની સવારે - શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન સાથે દર્શન માટેનો મુખ્ય દિવસ છે, પવિત્ર છીડ મુબારક પવિત્ર ગુફામાં લઈ જવામાં આવશે. આ તે જ ગુફા છે જ્યાં ભગવાન શિવે, દેવી પાર્વતીના કહેવાથી, 'અમર કથા' (અમરત્વની વાર્તા) સંભળાવી હતી. જે આત્માઓને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે. વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ વચ્ચે પવિત્ર છડી મુબારક સ્થાપિત કરાશે

ભોજન સમારંભ યોજાશે
મહંત દીપેન્દ્ર ગિરીએ જણાવ્યું હતું કે,ગુફામાં પ્રાર્થના કર્યા પછી, અમે 28 ઓગસ્ટની રાત પંચતરણીમાં વિતાવીશું. 29 ઓગસ્ટની સવારે, અમે પંચતરણીથી શેષનાગ અને ચંદનવારી થઈને પહેલગામ પાછા ફરીશું, ત્યાં રાત્રિ રોકાણ કરીશું. 30 ઓગસ્ટના રોજ, સ્વામી અમરનાથજીની વાર્ષિક યાત્રા અંતિમ પ્રાર્થના, વિસર્જન (ધાર્મિક વિસર્જન) અને લિદ્દર નદીના કિનારે  સાધુઓ  અને સંતો માટે ભોજન સમારંભ સાથે યાત્રા સફળતાપૂર્વક સમાપ્ત થશે.