Tue Jul 07 2026

Logo

મુક્ત વેપાર કરારને ટેકે વર્ષ 2030 સુધીમાં દેશની લેધર ઉત્પાદનો અને ફૂટવૅરની નિકાસ 14 અબજ ડૉલરે પહોંચશે

2026-07-07 19:45:54
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ભારત દ્વારા કરવામાં આવેલા મુક્ત વેપાર કરારને કારણે લેધરનાં ઉત્પાદનો અને ફૂટવૅર ક્ષેત્ર માટે નોંધપાત્ર તકોનું સર્જન થયું છે અને આગામી વર્ષ 2030 સુધીમાં નિકાસ 14 અબજ ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ (સીએલઈ) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કાઉન્સિલના ચેરમેન રમેશ કુમાર જુનેજાએ તાજેતરમાં કાઉન્સિલ દ્વારા આયોજિત વર્ષ 2026ના પારિતોષિક વિતરણ સમારંભમાં જણાવ્યું હતું કે ભારતીય લેધર ક્ષેત્રની સૌથી મોટી બજાર ગણાતા અમેરિકા સાથેના મુક્ત વેપાર કરારની અમે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમેરિકા સાથે સફળતાપૂર્વક કરાર થઈ જતાં અમારા ક્ષેત્રને અન્ય સ્પર્ધક દેશો સામે પસંદગીનું સલામત એક્સેસ મળશે. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે યુરોપિયન યુનિયન, યુકે, ન્યૂઝીલેન્ડ, જેવાં દેશો સાથે થયેલા મુક્ત વેપાર કરાર અમારા ક્ષેત્ર માટે વૃદ્ધિનું નવું પ્રકરણ ઉમેરશે અને અમારા ઉદ્યોગો કરાર મારફતે ઊભરતી તકો ઝડપવાનો બને તેટલો વધુ ઉપયોગ કરશે અને અમે આગામી વર્ષ 2030 સુધીમાં 14 અબજ ડૉલરની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે, જ્યારે સમગ્ર ઉદ્યોગના ટર્નઓવરનો અંદાજ 50 અબજ ડૉલરનો મૂક્યો હોવાનું જુનેજાએ ઉમેર્યું હતું. 

જોકે, યુએઈ, ઓમાન, મોરેશિયસ, ઑસ્ટ્રેલિયા અને સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે, આઈસલેન્ડ અને લિચટેન્સ્ટેઈન સહિતનાં યુરોપિયન દેશો સાથે થયેલા મુક્ત વેપાર કરાર પણ નિકાસ વૃદ્ધિમાં મદદરૂપ થશે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગે ખાસ કરીને યુએઈ, નેધર્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, કોરિયા, રશિયા અને જાપાન ખાતેની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ દાખવી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં ભારતીય લેધર અને ફૂટવૅરની નિકાસ 4.75 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જેમાં તમિળનાડુનો હિસ્સો સૌથી વધુ 1.59 અબજ ડૉલરનો રહ્યો હતો, જે ટકાવારીની દૃષ્ટિએ 37 ટકા હિસ્સો રહ્યો હતો. તેમ જ રાજ્યમાં મહિલા કામદારોનો હિસ્સો પણ 40 ટકા જેટલો બહોળો રહ્યો છે. 

આગામી પાંચ વર્ષની ઉદ્યોગની યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અમે વધુ 22 લાખ રોજગાર સર્જનની અને આગામી વર્ષ 2030 સુધીમાં ઉદ્યોગનું ટર્નઓવર 50 અબજ ડૉલરના સ્તરે પહોંચાડવાની મહત્ત્વાકાંક્ષા રાખીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કાઉન્સિલ તકોને વાસ્તવિકતામાં પરાવર્તિત કરવા આક્રમક માર્કેટિંગ યોજના મારફતે એક વ્યાપક એક્શન પ્લાન ઘડશે, આંતરરાષ્ટ્રીય લેધર અને ફૂટવૅર ઉદ્યોગનાં સંગઠનો સાથે જોડાણ કરશે, સ્થાનિક સ્તરે સપ્લાઈ ચેઈન મજબૂત કરશે, સીધા વિદેશી રોકાણ આકર્ષવા સક્રિય પ્રયાસ કરવામાં આવશે અને મોટા પાયા પર પ્રદર્શનોનું આયોજન પણ કરવામાં આવશે.