Thu Sep 03 2026

Logo

બેન સ્ટૉક્સની ઓચિંતી નિવૃત્તિના મુદ્દે બબાલઃ આઇસીસીએ ડ્રેસિંગ રૂમના મુદ્દે કઈ તપાસ શરૂ કરી?

London   2026-07-09 20:50:10
Author: Ajay Motiwala
બેન સ્ટૉક્સની ઓચિંતી નિવૃત્તિના મુદ્દે બબાલઃ આઇસીસીએ ડ્રેસિંગ રૂમના મુદ્દે કઈ તપાસ શરૂ કરી?

લંડનઃ ઇંગ્લૅન્ડના મહાન ઑલરાઉન્ડર અને ઘણા વર્ષો સુધી બ્રિટિશ ટીમની કૅપ્ટન્સી સંભાળનાર બેન સ્ટૉક્સ (Ben Stokes)ને તાજેતરમાં એક નાઇટક્લબમાં તકરાર અને મારામારીની બનેલી ઘટના બાદ એક ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો એ પછી ખુદ બેન સ્ટૉક્સે ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી એ મુદ્દો શમવાને બદલે વકરી ગયો છે.

વાત એવી છે કે કિવીઓ સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ડ્રેસિંગ રૂમમાં બેન સ્ટૉક્સે રિટાયરમેન્ટની જાહેરાતને લગતી જે સ્પીચ આપી હતી એ ઇંગ્લૅન્ડના જ ક્રિકેટ બોર્ડ દ્વારા `એક્સ' પર શૅર કરવામાં આવી એ બદલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ઉશ્કેરાઈ ગઈ છે અને આખા કિસ્સામાં તપાસ શરૂ કરી છે.

બ્રિટિશ ક્રિકેટ બોર્ડે બેન સ્ટૉક્સની ડ્રેસિંગ રૂમવાળી સ્પીચનું ફૂટેજ સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું તેમ જ એ દિવસની રમત પૂરી થાય એ પહેલાં બ્રૉડકાસ્ટર્સને પૂરું પાડ્યું હતું. આઇસીસીએ આ કિસ્સામાં વાંધો એ લીધો છે કે બ્રિટિશ ક્રિકેટ બોર્ડે પ્લેયર ઍન્ડ મૅચ ઑફિશ્યલ્સ એરિયા (PMOA)ના નિયમનો ભંગ કર્યો જ શું કામ? 

બેન સ્ટૉક્સે રૂમમાં શું કહ્યું?

બેન સ્ટૉક્સે ત્યારે ડ્રેસિંગ રૂમમાં વીડિયો રેકૉડિંગ દરમ્યાન સાથી ખેલાડીઓને કહ્યું હતું કે `આવતા બે દિવસમાં બહુ મોટી ઘટના બનવાની છે. (ફોડ પાડતાં કહ્યું...) તમારા કૅપ્ટન તરીકે આ મારા છેલ્લા બે દિવસ છે. ઇંગ્લૅન્ડ વતી પણ હું હવે માત્ર બે દિવસ રમવાનો છું.'

આઇસીસીનો નિયમ શું કહે છે?

આઇસીસીનો ઍન્ટિ-કરપ્શન કાર્યવાહી સંબંધમાં પીએમઓએને લગતો નિયમ કહે છે, `પ્રતિબંધિત એરિયામાં (ડ્રેસિંગ રૂમમાં) ક્રિકેટ ટીમ દ્વારા વીડિયો પ્રસારિત કરવા કે ઑડિયોના ફૂટેજ માટે ફિક્સ્ડ કે કામચલાઉ વીડિયો કૅમેરા કે રેકૉર્ડિંગને લગતા અન્ય સાધનો ન હોવા જોઈએ.' જોકે બેન સ્ટૉક્સે `કાઢી મૂકો તેને...' એવું મીડિયાની પોસ્ટમાં લખીને આખી ઘટનાને હાસ્યાસ્પદ બનાવી છે.