રિઆલિટી શો 'લોકઅપ 2' અત્યારે સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બન્યો છે. આ શોમાં સ્પર્ધક તરીકે સામેલ થયેલી જાણીતી અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ જ્યારે પોતાના લગ્નજીવન અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તે અને તેના પતિ ગૌરવ ખન્ના છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યા છે અને ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે, ત્યારે તેમના લાખો ચાહકો માટે આ કોઈ આઘાતથી ઓછું નહોતું. પરંતુ હવે, આ જ વિવાદિત માહોલ વચ્ચે જ્યારે ગૌરવ ખન્ના શોમાં 'વિઝિટર' તરીકે પહોંચ્યા, ત્યારે સ્થિતિ એકદમ ભાવુક બની ગઈ હતી.
શોના હોસ્ટ ફરાહ ખાને જ્યારે 'વિઝિટિંગ અવર્સ'ની જાહેરાત કરી ત્યારે ઘરમાં સન્નાટો અને ઉત્સાહ બંને હતા. ગૌરવ ખન્ના જ્યારે એકદમ 'હીરો' અંદાજમાં પ્રવેશ્યા, ત્યારે આખું ઘર ગુંજી ઉઠ્યું હતું. ગૌરવે ભાવુક શાયરી સાથે પોતાની વાત શરૂ કરી હતી: "એક સમંદર હૈ જો કાબુ મેં હૈ. એક કતરા હૈ જો સંભાલા નહીં જાતા..."
ગૌરવને જોતા જ આકાંક્ષાની આંખોમાં આંસુ આવી ગયા હતા. આટલા લાંબા સમયના વિરહ અને કડવાશ પછી ગૌરવને સામે જોઈને આકાંક્ષા એક તરફ ખુશ હતી તો બીજી તરફ ભાવુક પણ હતી. ગૌરવે આકાંક્ષાને જોઈને એક હળવું સ્મિત આપ્યું અને મજાકિયા અંદાજમાં કહ્યું, બેન્ડ બજા દી તૂને!
અહીંયા તમારી જાણકારી માટે કે એક સમય હતો કે જ્યારે ગૌરવ અને આકાંક્ષા ટીવી જગતની એક સમયે સૌથી આદર્શ જોડી ગણાતી હતી. 2016માં લગ્ન કર્યા બાદ બંને હંમેશા સાથે જોવા મળતા. અગાઉ જ્યારે ગૌરવ 'બિગ બોસ'માં હતા, ત્યારે આકાંક્ષાએ તેમને સરપ્રાઈઝ વિઝિટ આપી હતી, જેના ખૂબ વખાણ થયા હતા. તે સમયે તેમના કેમેસ્ટ્રી અને રોમાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા હતા.
પરંતુ હવે આ બધું ભૂતકાળ બની રહ્યું છે. આકાંક્ષાએ 'લોકઅપ 2'માં માત્ર તલાકની જ વાત નથી કરી, પરંતુ પોતાની અંગત જિંદગીના રહસ્યો પરથી પણ પડદો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું કે તે લગ્ન પહેલા 'બાઈસેક્સ્યુઅલ' હતી અને ભૂતકાળમાં ઘણી છોકરીઓ સાથે તેના સંબંધો રહ્યા હતા. આકાંક્ષાના આ નિવેદને ટીવી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૌરવની આ મુલાકાત માત્ર એક ઔપચારિક હાજરી હતી કે પછી આ સંબંધોને સુધારવાનો કોઈ પ્રયાસ? આ પ્રશ્ન અત્યારે દરેકના મનમાં છે. શું ગૌરવ અને આકાંક્ષા પોતાની વચ્ચેની ખાઈ પૂરી કરી શકશે, કે પછી આ શો તેમના સંબંધોનો કાયમી અંત લાવશે? તે તો આવનારા સમયમાં જ જાણી શકાશે. હાલમાં તો આકાંક્ષા અને ગૌરવની આ મુલાકાત 'લોકઅપ 2' ની ટીઆરપીમાં મોટો ઉછાળો લાવશે તે નક્કી છે.