મુંબઈઃ બોલિવુડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી ‘ધમાલ’ ફરી એકવાર દર્શકોને હસાવવા માટે સજ્જ થઈ ગઈ છે. વર્ષ 2007માં આવેલી આ સિરીઝની પહેલી ફિલ્મની સફળતા બાદ, હવે પૂરા 19 વર્ષ પછી આ ફ્રેન્ચાઈઝીનો ચોથો ભાગ એટલે કે ‘ધમાલ 4’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. આવતી કાલે 10 જુલાઈએ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દસ્તક આપશે, જ્યારે મંગળવાર સાંજથી જ તેની એડવાન્સ બુકિંગ વિન્ડો ઓપન કરી દેવામાં આવી છે.
એડવાન્સ બુકિંગની ધીમી પણ મક્કમ શરૂઆત
ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ 'બુક માય શો' પર 1.25 લાખથી વધુ લોકોએ આ ફિલ્મ જોવામાં રસ દાખવ્યો છે, જે દર્શાવે છે કે દર્શકોમાં આ ક્રેઝ હજુ પણ અકબંધ છે. અત્યાર સુધીના આંકડા મુજબ, એડવાન્સ બુકિંગ શરૂ થયાના અંદાજે 41 કલાકમાં ફિલ્મના આશરે 43,907 ટિકિટો પ્રી-બુક થઈ ચૂકી છે. દેશભરના 7,589 શોઝમાંથી ફિલ્મે અત્યાર સુધીમાં રૂપિયા 1.12 કરોડની ગ્રોસ કમાણી કરી લીધી છે. જો બ્લોક સીટોને પણ ઉમેરી દેવામાં આવે, તો આ આંકડો રૂપિયા 3.30 કરોડ સુધી પહોંચે છે. આ ગતિ તાજેતરમાં રિલીઝ થયેલી આલિયા ભટ્ટની એક્શન ફિલ્મ ‘આલ્ફા’ (Alpha) જેવી જ છે, જેણે પહેલા દિવસે રૂપિયા 9.25 કરોડની કમાણી કરી હતી.

કયા શહેરમાંથી કેટલું એડવાન્સ બુકિંગ થયું?
અજય દેવગન, રીતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરીની આ મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ માટે સૌથી વધુ ક્રેઝ દિલ્હી-NCR અને મુંબઈ-પુણે સર્કિટમાં જોવા મળી રહ્યો છે. શહેર પ્રમાણે એડવાન્સ બુકિંગ કલેક્શનની વાત કરવામાં આવે તો, દિલ્હી (NCR)માં રૂપિયા 66.26 લાખ, મુંબઈમાં રૂપિયા 40.67 લાખ, હૈદરાબાદમાં રૂપિયા 19.54 લાખ, બેંગલુરુમાં રૂપિયા 11.48 લાખ, જયપુરમાં રૂપિયા 09.75 લાખ, પુણેમાં 9.38 લાખ રૂપિયા, અમદાવાદમાં 9.28 લાખ રૂપિયા, કોલકાતામાં 7.61 લાખ રૂપિયા, સુરતમાં 6.52 લાખ રૂપિયા અને ચેન્નઈમાં 6.48 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
શું વરસાદ વિલન બનશે?
હાલ દેશના ઘણા ભાગોમાં ચોમાસાનો ભારે વરસાદ ચાલી રહ્યો છે, જે કદાચ થિયેટરો સુધી જતી ઓડિયન્સની સંખ્યામાં થોડો ઘટાડો કરી શકે છે. પરંતુ આવી માસ-કોમેડી ફિલ્મો એડવાન્સ બુકિંગ કરતાં સ્પોટ બુકિંગ (ઓન-સાઇટ ટિકિટ ખરીદી) અને પબ્લિક રિવ્યુના આધારે વધુ કમાણી કરે છે. એડવાન્સ બુકિંગની સરેરાશ સ્પીડ જોતા એવું અનુમાન છે કે ‘ધમાલ 4’ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર રૂપિયા 07 કરોડથી રૂપિયા 09 કરોડ વચ્ચેની ઓપનિંગ મેળવી શકે છે. જો સાંજ અને રાતના શોમાં ફેમિલી ઓડિયન્સનો ધસારો વધશે, તો આ કમાણીનો આંકડો મોટો પણ થઈ શકે છે.