Thu Jul 09 2026

Logo

અમરેલી પાસે પ્રણય ક્રીડામાં મસ્ત સિંહ યુગલને છંછેડતા સિંહે યુવકને ફાડી ખાધો

2026-07-09 11:04:00
Author: Mayur Patel
Article Image

અમરેલીઃ જિલ્લામાં સાવજના હુમલાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. લીલીયાના અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. પ્રણયક્રિડામાં મસ્ત સિંહ યુગલને છંછેડતા સિંહે યુવકને ફાડી ખાધો હતો.  આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

કેવી રીતે બની ઘટના

​અમરેલીના લીલીયા તાલુકાના અંટાળીયા રેવન્યુ વિસ્તાર, જે લુવારીયા રિઝર્વ ફોરેસ્ટની બિલકુલ નજીક આવેલો છે, ત્યાં ગઈકાલે સાંજના સાડા સાત થી આઠ વાગ્યાના સુમારે આ ઘટના ઘટી હતી. એક સિંહ બેલડી પોતાના મેટિંગ પિરિયડ (પ્રણય ક્રીડા) માં વ્યસ્ત હતી. આ દરમ્યાન અમરેલી શહેરથી આવેલા ત્રણ યુવકો સિંહ દર્શન કરવા અને સાવજ સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં સિંહોની સાવ નજીક પહોંચી ગયા હતા. સિંહોએ ઉશ્કેરાઈને યુવકો પર હુમલો કર્યો હતો. જેમાં સોહીલ મેમણ (મુંજાવર) નામના 21 વર્ષીય યુવકને સિંહ ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ લીલીયા વન વિભાગ અને પોલીસની ટીમો સરકારી વાહનોના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા સાવજો મૃતક યુવકના દેહ પર જ બેસી રહ્યા હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત અને મહામુસીબતે સાવજોને ત્યાંથી દૂર ખદેડીને યુવકના મૃતદેહને મુક્ત કરાવ્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સ્થાનિક શંકાસ્પદ યુવકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણએ, ઘટના સ્થળે સિંહ અને સિંહણ પ્રણય ક્રીડામાં મસ્ત હતા. આ દરમિયાન ત્યાં આવેલા યુવકો દ્વારા તેમની પજવણી, હેરાનગતિ કે કોઈ ઉશ્કેરણી થઈ હોવાની આશંકા છે, જેના કારણે સિંહે આક્રમક થઈને હુમલો કર્યો હતો. ઘટના બાદ વન વિભાગે સિંહને પાંજરે પૂર્યો હતો.

વન વિભાગની તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. હાજર રહેલા યુવકોના મોબાઈલ ચેક કરતા જાણવા મળ્યું કે, તેમણે સિંહદર્શનના ફોટોગ્રાફ્સ અને વીડિયો ડિલીટ કરીને મોબાઈલ ડેટા ફોર્મેટ મારી દીધો હતો. જેથી ફોનને એફએસએલમાં મોકલવામાં આવશે. 

આ પણ વાંચોઃ EXCLUSIVE: અમરેલીમાં સાવજના માનવી પર કેમ વધ્યા હુમલા? જાણો શું છે કારણ

​​અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના વધતા જતા બનાવોથી સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવા છતાં પણ સિંહ દર્શન અને સેલ્ફી લેવાના મોહમાં આવી દુખદ ઘટનાઓ સામે આવી હતી ત્યારે હવે વન વિભાગ પણ આવા તત્વો સામે લાલ આંખ કરવાના મૂડમાં છે.

સૌરાષ્ટ્રમાં થોડા દિવસોથી સાવજના માનવી પર હુમલાના કિસ્સા સતત વધી રહ્યા છે. બે દિવસ પહેલા પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા. તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા. તેનો ડાબો હાથ પોતાના મોઢામાં પકડી લીધો. જોનારાના જીવ તાળવે ચોંટી ગયા. જોકે માલધારી હિંમત હાર્યો નહોતો અને જીવ બચાવવા સિંહને હાથ ફેરવતો હતો. સિંહણે પગને આંટી મારી ડણક મારી હતી. આ સમયે આસપાસ ઉભેલા લોકો તેને બચાવવા બૂમો પાડતા હતા તેમજ પથ્થરના ઘા માર્યા હતા.અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સિંહે સ્થાનિક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરતા ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને ફાડી ખાધો હતો. આ યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.