Tue Jun 16 2026

Logo

EXCLUSIVE: અમરેલીમાં સાવજના માનવી પર કેમ વધ્યા હુમલા? જાણો શું છે કારણ

2026-06-16 13:22:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અમરેલીમાં સિંહોની સંખ્યા રાજ્યમાં સૌથી વધારે છે. છેલ્લા થોડા મહિનામાં અમરેલીમાં સિંહના માનવી પર હુમલાના કેસ વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ સિંહે અમરેલી જિલ્લામાં બે લોકોને ફાડી ખાધા છે.

કિસ્સો 1: ધારીના ગોવિંદપુરમાં સિંહણના હુમલામાં મહિલાનું મોત

ફેબ્રુઆરી મહિનામાં ધારી ગીર પૂર્વના દલખાણીયા રેંજ હેઠળ આવેલા ગોવિંદપુરમાં સિંહણના હુમલામાં માનવ મૃત્યુની ગંભીર ઘટના સામે આવી હતી. દલખાણીયા રેંજ નજીક નદી વિસ્તારમાં 45 વર્ષીય મહિલા આંબાના બગીચામા પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક સિંહણે હુમલો કર્યો હતો. ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.  સિંહણના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સ્થાનિક ગામજનોની મદદથી મહિલાને સિંહણના મોંમાંથી છોડાવવામાં આવી, પરંતુ ભારે ઇજાઓના કારણે તેણીને સારવાર સુધી પહોંચાડવામાં આવે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. 

કિસ્સો 2: ધારીના માણાવાવ ગામે સિંહણના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

માર્ચ મહિનામાં ધારીના માણાવાવ ગામે વાડીએ રહેતા પરપ્રાંતીય ખેત શ્રમિકના 5 વર્ષના બાળકનું સિંહણના હુમલામાં મોત થયું હતું. નરભક્ષી સિંહણે બાળકને ફાડી ખાધો હતો.

કિસ્સો 3: જાફરાબાદના ભાકોદર ગામ નજીક સિંહના હુમલામાં યુવકનું મોત

મે મહિનામાં જાફરાબાદના ભાકોદર ગામ નજીક સિંહના હુમલામાં એક યુવકનું મોત થયું હતું. બાવળની કાટમાંથી યુવકનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવકની ઓળખ ભરતભાઈ બારૈયા તરીકે થઈ હતી. તે બે દિવસથી ઘરેથી ગુમ હતો અને તેની શોધખોળ ચાલતી હતી ત્યારે ભાકોદર ગામ નજીકના બાવળના જંગલ વિસ્તારમાંથી માનવ અવશેષો મળ્યા હતા.

કિસ્સો 4: બગસરાના ઘંટીયાણ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત

થોડા દિવસ પહેલા બગસરાના ઘંટીયાણા ગામની સીમમાં વાડીએ રહેતા એક પરપ્રાંતીય શ્રમિકપરિવારના 7 વર્ષના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો.  બાળક કુદરતી હાજતે ગયો ત્યારે અચાનક સિંહણ બાળક પર હુમલો કરી ખેંચીને લઈ ગઈ હતી. જે બાદ પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હાકલા પડકારા કરતાં સિંહણ બાળકને મૂકીને જતી રહી હતી. પરંતુ બાળકનું મોત થઈ ગયું હતું.

કિસ્સો 5: રાજુલાના કોવાયા ગામમાં સિંહણના હુમલામાં યુવકનું મોત

આજે રાજુલાના કોવાયા ગામમાં સિંહણના હુમલામાં યુવકનું મોત થયું હતું. કોવાયા ગામ નજીક આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરત અને મૂળ ઉત્તરાખંડના યુવક પર સિંહણે અચાનક હિંસક હુમલો કર્યો હતો. મોડી રાત્રે પોતાના વતન જવા નીકળેલા યુવકને સિંહણ ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને ફાડી ખાધો હતો. સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિકો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આમ તો સાવજ શાંતિ પ્રિય ગણાય છે, તેને છંછેડવામાં ન આવે તો કોઈના પર હુમલા કરતા નથી. સોશિયલ મીડિયામાં સિંહના આંટાફેરા અને લોકો પસાર થતાં હોય કે ઉભા હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા છે. અમરેલીમાં સિંહના માનવી પર વધી રહેલા હુમલાને લઈ મુંબઈ સમાચારે ગુજરાતના પૂર્વ વાઇલ્ડ લાઇફ મેમ્બર રેવતુભા રાયજાદા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સિંહની વસતી વધી છે, ગીરમાં આક્રમણ વધ્યું છે. આ બે કારણો છે, ઉપરાંત ઉદ્યોગો પણ છે. તેથી પરપ્રાંતીયો આવીને વસ્યા છે, આ લોકો માંસાહાર કરતા હોય છે. સિંહના હુમલા વધવા પાછળનું આ પણ એક કારણ છે.

સિંહ માનવ વસતીમાં જશે તો આવી ઘટનાઓ બનશે જ

આ ઉપરાંત તેમણે કહ્યું, બાબરકોટમાં માઈનિંગ માટે 75 હેક્ટર જમીન આપવાની છે, ત્યાં ઓનરેકોર્ડ 50-55 સિંહ છે, તેનાથી વધારે હોય તો પણ કહેવાય નહીં. અહીંયા માઈનિંગ થશે તો સિંહ વસતીમાં જ આવશે. આવું બધું થશે તો આવી ઘટનાઓ બનશે જ. ગીર ઉપર જે રીતે આક્રમણ થઈ રહ્યું છે તે ખૂબ ખરાબ છે. જેમકે ઘણા રિસોર્ટ બની ગયા છે, ઘણા લોકો મેરેજ કરવા ગીરના રિસોર્ટમાં આવે છે, એટલે મોડે સુધી ડીજે વાગે છે. અવાજ-દેકારો થાય છે, જેના કારણે સ્વાભાવિક છે કે સિંહ જંગલની બહાર વસતીમાં જાય, જેના કારણે ઘર્ષણ તો થવાનું જ. 

ગીર મનોરંજન કે પૈસા કમાવવાનું સાધન નથી

રેવતુભા રાયજાદાના જણાવ્યા પ્રમાણે, ગીરના સ્થાનિક રહેવાસીને સિંહના વર્તનની ખબર હોય છે પરંતુ બહારના લોકોને સિંહના વર્તનની ખબર નથી હોતી. મારા અનુભવ પ્રમાણે મોટાભાગે સિંહ પહેલા એલર્ટ તો કરે છે, જો તેને ધ્યાને ન લેવામાં આવે તો હુમલો કરે છે. અમરેલીની જે ઘટના છે તેમાં સિંહણ પરપ્રાંતીયનો શિકાર કરીને ખાઈ ગઈ છે, પહેલા સિંહ હુમલો કરીને મારી નાંખતો પણ ખાતો નહીં. સિંહ આખા માણસને ખાઈ જાય તે નવીન છે. મૂળ વાત એ છે કે ગીર ઉપર આક્રમણ ઘટવું જોઈએ. હવે ઈકો ટુરિઝમ નથી રહ્યું, ઈકોનોમિક ટુરિઝમ થઈ ગયું છે. ગીરને ગીર રહેવા દેવું જોઈએ, ટુરિસ્ટ પ્લેસ નથી, ગીર મનોરંજન કે પૈસા કમાવાનું સાધન નથી. ગીર સ્વયંસંચાલિત મોટું પરિસર છે.

સિંહ કોઈ વ્યક્તિ પર ક્યારે કરે છે હુમલો

સામાન્ય રીતે સિંહ કોઈ વ્યક્તિ પર શિકાર સમજીને હુમલો કરવાની કોઈપણ વૃત્તિ ધરાવતો નથી. સિંહો દ્વારા જે પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કે ખેત મજૂર પર હુમલો કર્યો હોય આવી સ્થિતિમાં સિંહ તેની કુદરતી ક્રિયાઓ જેવી કે શિકાર પર બેઠા હોય સિંહ અને સિંહણનો મેટીંગ પિરિયડ ચાલતો હોય, બચ્ચા સાથે સિંહણ જોવા મળતી હોય અને સિંહ એકદમ આરામની સ્થિતિમાં હોય અથવા તો કોઈ પણ કારણોસર સિંહની પાછળ વાહન દોડાવીને કે તેને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરવામાં આવે તો સિંહ ચોક્કસ કોઈ વ્યક્તિ પર હુમલો કરતો હોય છે. જેમાં કેટલાક લોકોને ઈજા થાય છે, તો કેટલાકના મોત થાય છે. અંધારાના સમયમાં કુદરતી હાજતે બેઠેલા વ્યક્તિ અન્ય પ્રાણી સમજીને સિંહ શિકાર માટે હુમલો કરે છે.  

જાણકારો શું કહે છે

જાણકારોના મતે સામાન્ય રીતે સિંહ માણસો પર હુમલો કરતો નથી. ગીરના માલધારી અને સિંહોનું સહઅસ્તિત્વ જાણીતું છે.સિંહ ડણક કરીને આગળ વધે છે. વન્ય પ્રાણીની વસ્તી વધે તો તે જંગલ બહાર જવાની જ. જંગલમાં પ્રાણીઓ વચ્ચે પણ વર્ચસ્વને લઈને સ્પર્ધા હોય છે.સિંહો માનવો સાથે રહેવા ટેવાયેલા છે. પણ તેની કોઈ પજવણી કરે અથવા તો તે બીમાર હોય તો હુમલો કરે છે.