Tue Aug 25 2026

Logo

કચ્છમાં સરકારી જમીનો પર તંત્રનો વજ્રઘાત: રૂા. ૧૭.૮૬ કરોડની કિંમતના ૧૫૪ ગેરકાયદે દબાણો જમીનદોસ્ત

2026-07-09 13:09:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં સરકારી જમીનો પર તંત્રનો વજ્રઘાત: રૂા. ૧૭.૮૬ કરોડની કિંમતના ૧૫૪ ગેરકાયદે દબાણો જમીનદોસ્ત

ભુજઃ કચ્છ જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પ્રાંત અધિકારીઓ અને વિવિધ તાલુકાના મામલતદારોના સંયુક્ત સંકલનથી સરહદી જિલ્લામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ મહાભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૫૪ જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. તંત્ર દ્વારા અંદાજે રૂા. ૧૭,૮૬,૩૩,૩૫૭/- ની બજારકિંમત ધરાવતી કુલ ૨,૩૭,૮૨૭ ચોરસ મીટર સરકારી જમીન પેશકદમી મુક્ત કરાવીને રાજ્ય સરકાર હસ્તક લેવામાં આવી છે.

વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, આ ઝુંબેશ હેઠળ તોડી પાડવામાં આવેલા કુલ ૧૫૪ દબાણોમાં ૪૦ ધાર્મિક, ૯૧ વાણિજ્યિક (કોમર્શિયલ) અને ૨૩ અન્ય પ્રકારના ગેરકાયદે બાંધકામોનો સમાવેશ થાય છે. તાલુકાવાર કરવામાં આવેલી આ કડક કાર્યવાહીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ ૫૧ દબાણો દૂર કરાયા છે. જ્યારે નખત્રાણામાં ૨૫, અંજારમાં ૧૬, લખપત અને માંડવી તાલુકામાં ૧૩-૧૩, મુંદરા અને અબડાસામાં ૯-૯, ગાંધીધામમાં ૮, રાપરમાં ૬ તેમજ ભચાઉ તાલુકામાં ૪ ગેરકાયદે દબાણો તોડી પાડીને કિંમતી સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે. 

સરકારી જમીનો અને જાહેર મિલકતોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવાના આશય સાથે ભૂમાફિયાઓ અને અસામાજિક તત્ત્વો સામેની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ આ જ રીતે અવિરત અને નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે તેમ વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)