Thu Sep 03 2026

Logo

અયોધ્યાનો યોગેન્દ્ર મૌર્ય કેમ અમદાવાદમાં અબ્દુલ રહેમાન બની ગયો ? કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

2026-07-09 11:51:00
Author: Mayur Patel
અયોધ્યાનો યોગેન્દ્ર મૌર્ય કેમ અમદાવાદમાં અબ્દુલ રહેમાન બની ગયો ? કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

અમદાવાદઃ અયોધ્યાનો યોગેન્દ્ર મૌર્ય કેમ અમદાવાદમાં અબ્દુલ રહેમાન બની ગયો હતો.  યુવકે પાસપોર્ટ માટે કરેલી અરજીની તપાસ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પડોશમાં રહેતી ખુશનુમા સાથે લગ્ન કર્યા બાદ નિકાહનામા માટે નામ બદલ્યું હોવાનો ખુલાસો થયો હતો.  

શું છે સમગ્ર મામલો

અમદાવાદ એસઓજીને એક પાસપોર્ટ અરજીની તપાસ સોંપવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે અરજી કરનાર વ્યક્તિના જૂના પાસપોર્ટમાં તેનું અસલી નામ યોગેન્દ્ર કુમાર મૌર્ય હતું, જ્યારે નવી અરજીમાં તેણે પોતાનું નામ બદલીને અબ્દુલ રહેમાન દર્શાવ્યું હતું. તેના માતા-પિતાના નામ પણ બદલાયેલા હતા.

દિલ્હીમાં આર્ય સમાજની વિધિથી લગ્ન બાદ કર્યા નિકાહ 

પૂછપરછમાં યોગેન્દ્ર મૌર્યે જણાવ્યું કે તે મૂળ અયોધ્યાનો વતની છે. તેને પડોશમાં રહેતી મુસ્લિમ યુવતી ખુશનુમા બાનુ સાથે પ્રેમ થયો હતો. અલગ-અલગ ધર્મના હોવાથી તેઓ ભાગી ગયા હતા. પહેલાં દિલ્હીમાં આર્ય સમાજની વિધિથી લગ્ન કર્યા અને બાદમાં મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ નિકાહ કરવા માટે તેણે પોતાનું નામ બદલીને અબ્દુલ રહેમાન રાખી લીધું હતું.

લગ્ન બાદ અમદાવાદ આવીને નક્લી દસ્તાવેજો બનાવ્યા

લગ્ન પછી તે પત્ની સાથે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેવા લાગ્યો હતો. તેણે અમદાવાદના જમાલપુર બ્રિજ પાસેના એક દલાલને પૈસા આપીને અબ્દુલ રહેમાનના નામે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ કઢાવી લીધા હતા.  આ નકલી સરકારી દસ્તાવેજોના આધારે તેણે વિદેશ જવા માટે નવા પાસપોર્ટની અરજી કરી હતી. એસઓજી પોલીસે આ આખી છેતરપિંડી પકડી પાડી હતી અને યોગેન્દ્ર મૌર્ય વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક નવા ખુલાસા થઈ શકે છે.