Thu Jul 09 2026

Logo

ફોન ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો? ગભરાશો નહીં! આ સરકારી પોર્ટલ દ્વારા ગણતરીની મિનિટોમાં કરાવો બ્લોક અને ટ્રેક...

2026-07-09 11:33:00
Author: Darshana Visaria
Article Image

આજના સમયમાં મોબાઈલ ફોન માત્ર વાતચીતનું સાધન નથી રહ્યો, પરંતુ તે આપણા બેંકિંગ, ઓનલાઈન પેમેન્ટ અને અંગત દસ્તાવેજોનું સુરક્ષિત ખજાનચી પણ છે. જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો તે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. પરંતુ ગભરાવાને બદલે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવે તો ફોન પાછો મળવાની શક્યતા વધી જાય છે.

ફોન ચોરાઈ જાય તો શું કરવું?
ફોન ખોવાઈ જાય તો સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. આ ઉપરાંત, ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પર તમારા મોબાઈલનું રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ પોર્ટલની મદદથી તમે ખોવાયેલા ફોનને બ્લોક કરી શકો છો અને તેને ટ્રેક કરવામાં પણ પોલીસને મદદ મળે છે.

CEIR પોર્ટલ પર ફોન કેવી રીતે બ્લોક કરવો?
1.    સૌથી પહેલાં અધિકૃત વેબસાઇટ ceir.gov.in પર જાઓ.
2.    ત્યાં આપેલા 'Block Stolen/Lost Mobile' વિકલ્પ પર ક્લિક કરો.
3.    અહીં મોબાઈલનો IMEI નંબર, મોડેલ, મોબાઈલ નંબર, ફોન ક્યારે અને ક્યાં ખોવાયો તેની વિગતો અને પોલીસ ફરિયાદની માહિતી આપો.
4.    તમારી ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો અને પોલીસ ફરિયાદની કોપી અપલોડ કરો.
5.    સબમિટ કર્યા પછી તમને એક Request ID મળશે, જેના દ્વારા તમે ફોનનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશો.

પોલીસ ફરિયાદમાં આ માહિતી ખાસ આપો
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે મોબાઈલનું બિલ, આઈએમઈઆઈ નંબર, મોડેલ નંબર અને સિમ કાર્ડની વિગતો ચોકસાઈથી આપવી. જો તમારી પાસે બિલ અને આઈએમઈઆઈ નંબર જેવી વિગતો તૈયાર હશે, તો તપાસની પ્રક્રિયા ઘણી સરળ બની જશે.

ઘણીવાર રસ્તામાં કોઈનો ખોવાયેલો ફોન મળે ત્યારે લોકો તેને પોતાની પાસે રાખી લે છે. જો તમે મળેલા ફોનની જાણકારી પોલીસને ન આપો અને તેને પોતાની પાસે રાખો, તો તે ગેરકાયદેસર છે. આમ કરવા બદલ તમારી સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી, ફોન મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો જોઈએ.

એક્સપર્ટ્સની સલાહ અનુસાર હંમેશા મોબાઈલ ખરીદતી વખતે તેનું બિલ સાચવી રાખો અને તેનો IMEI નંબર ક્યાંક અલગ જગ્યાએ નોંધી રાખો. ફોન ખોવાઈ જાય તો સમય બગાડ્યા વગર પોલીસ ફરિયાદ અને CEIR પોર્ટલ પર નોંધણી કરવી એ જ સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ રસ્તો છે.