Thu Jul 09 2026

Logo

પગારને 'Salary' કેમ કહેવાય છે? જાણો, તમારા પગારનો સંબંધ રસોડાના 'મીઠા' સાથે શું છે!

2026-07-09 12:53:00
Author: Darshana Visaria
Article Image

આપણે બધા દર મહિને પગાર આવવાની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. આ પગાર જ આપણા ઘરનું બજેટ સંભાળે છે અને ભવિષ્યના સપનાઓ પૂરા કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'સૅલરી' શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણીને નવાઈ લાગશે કે આ શબ્દનો અર્થ સીધો તમારા બેંક ખાતામાં જમા થતા પૈસા સાથે નહીં, પરંતુ રસોડામાં વપરાતા 'મીઠા' સાથે જોડાયેલો છે.

જ્યારે મીઠું હતું 'ચલણી સિક્કા' જેવું કિંમતી
આજે મીઠું ખૂબ જ સસ્તું અને દરેક રસોઈનો અભિન્ન ભાગ છે, પરંતુ પ્રાચીન સમયમાં તેની કિંમત સોના-ચાંદી જેટલી જ માનવામાં આવતી હતી. તે સમયે મીઠું માત્ર ખોરાકનો સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ ખોરાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા અને શરીર માટે જરૂરી પોષક તત્વો મેળવવા માટે પણ અત્યંત અનિવાર્ય હતું. 

મીઠું સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી તેને દૂર-દૂરના વિસ્તારોમાંથી લાવવું પડતું હતું, જેના કારણે તે ખૂબ જ કિંમતી ગણાતું હતું. આ જ કારણ છે કે પ્રાચીન સમયમાં અનેક સ્થળોએ મીઠાનો ઉપયોગ 'મુદ્રા' એટલે કે ચૂકવણીના માધ્યમ તરીકે કરવામાં આવતો હતો.

કેવી રીતે પડ્યું 'સૅલરી' નામ?
ઇતિહાસકારોના મતે, આ શબ્દની શરૂઆત પ્રાચીન રોમન સામ્રાજ્યથી થઈ હતી. તે સમયે રોમન સૈનિકોને તેમની સેવાઓના બદલામાં જે મહેનતાણું આપવામાં આવતું, તેને 'સૅલેરિયમ'  કહેવામાં આવતું હતું. ઘણા કિસ્સાઓમાં સૈનિકોને રોકડ કે સોના-ચાંદીને બદલે મીઠું આપવામાં આવતું હતું. આ 'સૅલેરિયમ' શબ્દમાંથી જ અંગ્રેજીનો 'સૅલરી' શબ્દ બન્યો, જેનો ઉપયોગ આજે આપણે પગાર કે તનખ્વાહ માટે કરીએ છીએ.

પ્રાચીન રોમન ઇતિહાસકાર 'પ્લીની ધ એલ્ડર' એ પણ તેમના પુસ્તક 'નેચરલ હિસ્ટ્રી'માં ઉલ્લેખ કર્યો છે કે, તે સમયે સૈનિકોને તેમના કામના બદલામાં મીઠું આપવામાં આવતું હતું. એટલું જ નહીં, અમુક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે 'સોલ્જર' શબ્દ પણ લેટિન ભાષાના 'Sal Dare' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'મીઠું આપવું'.

વાત કરીએ પગાર આપવાની આ પરંપરા આશરે 10,000 ઈસા પૂર્વેથી 6,000 ઈસા પૂર્વે શરૂ થઈ હોવાનું કહેવાય છે. પ્રાચીન સમયમાં જ્યારે ચલણી સિક્કાઓ કે રોકડ વ્યવહારનું પ્રચલન નહોતું, ત્યારે મીઠું જ વિનિમયનું મુખ્ય સાધન હતું. સમય જતાં જેમ જેમ અર્થતંત્ર વિકસતું ગયું અને સિક્કાઓનો ઉપયોગ વધતો ગયો, તેમ મીઠાની જગ્યાએ સિક્કા અને ત્યારબાદ આધુનિક ચલણે લઈ લીધી. આમ છતાં, ઇતિહાસના પાનાઓમાં સૅલરી શબ્દ આજે પણ મીઠા સાથેની પોતાની એ પ્રાચીન અને રસપ્રદ કડી સાચવીને બેઠો છે.

છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.