પ્રકૃતિ આપણને ઘણું બધું શીખવે છે અને ઘણીવાર સૌથી નાની વસ્તુઓ જીવનના સૌથી મોટા પાઠ ભણાવી જાય છે. ધરતી પરના સૌથી નાના જીવોમાં ગણાતી કીડીઓનું સંચાલન, નિર્ણય લેવાની ક્ષમતા અને સહયોગી કાર્યપદ્ધતિ એટલી અદ્ભુત છે કે વૈજ્ઞાનિકો, મેનેજમેન્ટ ગુરુઓ અને સંશોધકો પણ તેમના પર અભ્યાસ કરે છે.
કીડીઓ કોઈ કેન્દ્રીય નેતા કે બોસ વિના પણ સેકન્ડોમાં મોટા અને સચોટ નિર્ણયો કેવી રીતે લઈ લે છે? આવો જાણીએ કીડીઓની આ અદ્ભુત કળા અને તેમના જીવનમાંથી શીખવા જેવા ૫ મહત્વપૂર્ણ પાઠ:
સામૂહિક બુદ્ધિમત્તા:
કીડીઓ ક્યારેય એકલા કે સ્વાર્થ માટે નિર્ણય લેતી નથી. જ્યારે ખોરાક શોધવાનો હોય કે નવો માળો (Colony) બનાવવાનો હોય, ત્યારે દરેક કીડી પોતાની માહિતી ફેરોમોન્સ દ્વારા એકબીજા સાથે વહેંચે છે. આ સામૂહિક જ્ઞાનથી સમગ્ર જૂથ સૌથી ટૂંકો અને સલામત રસ્તો સરળતાથી પસંદ કરી શકે છે.
ઝડપી અને સહજ અનુકૂલન:
જો કીડીઓની કતાર વચ્ચે કોઈ અવરોધ (જેમ કે પથ્થર કે આંગળી) આવી જાય, તો તેઓ અટકતી નથી કે ગભરાતી નથી. તેઓ ક્ષણભરમાં વૈકલ્પિક માર્ગ શોધી કાઢે છે. પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, નવો રસ્તો કાઢવાની આ ક્ષમતા માણસો માટે 'પ્રોબ્લેમ સોલ્વિંગ' નો મોટો પાઠ છે.
શ્રમ વિભાજન અને સમર્પણ:
કીડીઓના દર કે કોલોનીમાં દરેક સભ્યની જવાબદારી સ્પષ્ટ રીતે વહેંચાયેલી હોય છે. કેટલીક કીડીઓ રક્ષણ કરે છે, કેટલીક ખોરાક એકઠો કરે છે તો કેટલીક દરનું સમારકામ કરે છે. વિના કોઈ ફરિયાદ કે આળસ, તેઓ 100 ટકા સમર્પણ સાથે કામ કરે છે.
ભવિષ્યની આગોતરી તૈયારી:
ચોમાસું કે કડકડતી શિયાળો આવે તે પહેલાં જ કીડીઓ ગરમીના દિવસોમાં મહિનાઓ સુધીનો ખોરાક એકઠો કરી લે છે. મુશ્કેલ સમય આવે તે પહેલાં તૈયારી કરી રાખવાની આ આદત આજના આર્થિક આયોજન અને લાઈફ મેનેજમેન્ટ માટેનો સૌથી મહત્વપૂર્ણ પાઠ છે.
ક્યારેય હાર ન માનવાનો અભિગમ:
પોતાના વજન કરતાં 10થી 50 ગણો વધુ ભાર લઈને ચાલતી કીડી વારંવાર લપસે છે કે પડે છે, છતાં તે લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન છોડતી નથી. આ અડગ મનોબળ દરેક વ્યક્તિ માટે સફળતાની ચાવી સમાન છે.