Thu Jul 09 2026

Logo

નખત્રાણા પંથકના ૧૧ ગામના લોકો સોલાર પ્રોજેક્ટનો કેમ કરી રહ્યા છે વિરોધ? જાણો વિગત

2026-07-09 12:12:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણા તાલુકાના ફુલાય જૂથ ગ્રામ પંચાયતના ૧૧ ગામોના રહેવાસીઓએ એનટીપીસી અને હિલ્ડ એનર્જી કંપનીઓ દ્વારા થઈ રહેલી સોલાર પ્રોજેક્ટની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ આ મામલે ન્યાયની માંગ સાથે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં કંપનીઓ પર વ્યાપક પેશકદમી અને પરંપરાગત રસ્તાઓ બંધ કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

આવેદનપત્રમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા કંપનીને પ્રોજેક્ટ માટે અંદાજે ૧૨૦૦ એકર એટલે કે ૪૯૯.૬૧૬૧ હેક્ટર જમીન ૪૦ વર્ષના ભાડાપટ્ટે મંજૂર કરવામાં આવી છે. જોકે, આ મંજૂરીની વિપરીત કંપનીઓએ ફુલાય, અંજોરીયાવાંઢ અને કિરાવાંઢ મધ્યે ૧૫૦૦ એકર તેમજ છારી, પૈયા અને તલવાંઢ વચ્ચે ૩૦૦૦ એકરથી પણ વધુ સરકારી અને પંચાયત હસ્તકની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે. કંપની દ્વારા નિયમોને નેવે મૂકીને ડુંગરાળ વિસ્તારોમાં જેસીબી અને હીટાચી મશીનો વડે તોડફોડ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સરકારી પડતર, પંચાયતની ગૌચર અને ખાનગી માલિકીની જમીનો ઉપરાંત રાજ્ય સરકારે રામસર સાઇટ તરીકે જાહેર કરેલી પ્રખ્યાત છારી ઢંઢ સરહદની જમીન પર પણ ગેરકાયદેસર દબાણ ઊભું કરાયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

સ્થાનિકોનો વધુમાં આક્ષેપ છે કે, કંપની દ્વારા કોઈ પણ પ્રકારની હદ નિશાન નક્કી કર્યા વગર મનસ્વી રીતે હજારો એકર જમીનમાં તાર ફેન્સિંગ કરી દેવાતાં મોતીચુર, પૈયા અને કિરાવાંઢ જેવા ગામોના પરંપરાગત રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને કારણે લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. જ્યારે કોઈ ગ્રામજન આ ગેરકાયદે પ્રવૃત્તિનો વિરોધ કરે છે ત્યારે કંપની તંત્ર દ્વારા પોલીસ બળનો આશરો લઈ સ્થાનિકોને ધાક-ધમકી આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રોજેક્ટમાં સ્થાનિક મશીનરી કે સ્થાનિક શ્રમિકોને રોજગારી આપવાને બદલે બહારના કોન્ટ્રાક્ટરોને પ્રાધાન્ય અપાતાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.

આ સમગ્ર બાબતે અત્યાર સુધી સરકારના કોઈ સક્ષમ અધિકારી કે ડીઆઈએલઆરની ટીમે સ્થળ મુલાકાત લીધી ન હોવાથી કંપનીની મનમાની વધી રહી છે. આ સંજોગોમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આગામી ત્રણ દિવસમાં સ્થળ તપાસ કરી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરે અને રસ્તાઓ ખુલ્લા કરાવે તેવી માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે આ સમસ્યાનો ન્યાયિક ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ નાછૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

(ઉત્સવ વૈદ્ય)