ભુજઃ કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમિયાન સર્જાયેલી અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, રાપર તાલુકાના કાનમેર ગામના પાટિયા નજીક ગઈકાલે બપોરે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગામમાં રહેતા ૩૫ વર્ષીય નરેશ રાઘા ડોડિયા નામનો યુવક પોતાના ખેતરેથી પગપાળા પરત ફરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસમસી આવેલી એક મિની લક્ઝરી બસ (નંબર ડીડી ૦૨-એચ-૯૮૩૯) ના ચાલકે તેને હડફેટમાં લીધો હતો. અકસ્માત સર્જી ચાલક બસ સહિત નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા નરેશને હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈ મેરામણ ડોડિયાએ અજાણ્યા બસચાલક સામે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજો અકસ્માત ગાંધીધામમાં આંબેડકર પુલના છેડા નજીક બન્યો હતો. અહીં રસ્તો ક્રોસ કરી રહેલા એક અજાણ્યા પગપાળા જતા યુવાનને ખાનગી બસ (નંબર જીજે-૩૯-ટી-૬૮૧૪) એ કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલીવારસોની શોધખોળ શરૂ કરી હતી.
બીજી તરફ, અંજારના વરસામેડી ખાતે સ્થિત વેલસ્પન કંપની પાછળની કેનાલમાં નહાવા પડેલો ૩૯ વર્ષીય નિર્મલ ચામુ પુરાવ નામનો યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
જ્યારે ભુવડ નજીક આવેલી સૂર્યા કંપનીના ઈ.આર.ડબલ્યુ. પ્લાન્ટના ગોદામ નંબર-૩ પાસે કામ કરી રહેલા ૨૮ વર્ષીય શ્રમિક દિનાનાથકુમાર નાગેન્દ્ર પાસવાન પાછળ આવી રહેલા ટ્રેક્ટર (નંબર જીજે-૧૨-એએન-૬૭૦૫)ના તોતિંગ પૈડાં નીચે કચડાઈ જતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અંજાર પોલીસે આ અંગે બી.એન.એસ.ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન, માંડવી તાલુકાના કોડાય પુલ નજીક ગુરુકુળની પાછળ વાડી વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય પ્રદીપ ઉર્ફે પરેશ હીરાલાલ સંઘારે ગત તા. ૬ જુલાઈની રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના ભાઈ દશરથ સંઘારે કોડાય પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આત્મહત્યાના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.
(ઉત્સવ વૈદ્ય)